ગુજરાતમાં ભાજપ સરકારના પ્રધાનમંડળમાંથી બે પ્રધાનોના મહત્વના ખાતા પરત લઇ લેવાની ઘટના અંગે અનેક અટકળો ચાલી રહી છે ત્યારે બુધવારે સરકારના પ્રવક્તા અને પ્રધાન જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે વ્યવસ્થાના ભાગરૂપે આવો નિર્ણય કરાયો છે અને બંને પ્રદાનો તેમની જે કામગીરી છે તે સંભાળી રહ્યા છે.
અહીં ઉલ્લેખનીય છે કે કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસૂલ વિભાગ અને પૂર્ણેશ મોદી પાસેથી મહત્વનું માર્ગ-મકાન વિભાગ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે છીનવી લીધું હતું. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા વાઘાણીને બંને પ્રધાન અંગે સવાલ કરવામાં આવ્યા હતા. જો કે તેમણે વ્યવસ્થાના ભાગરૂપે પાર્ટી કે મુખ્યપ્રધાન દ્વારા આવા નિર્ણય કરાતા હોય છે અને ભાજપના નેતાઓ તેમને જે પદ અને જવાબદારી સોંપાય તે પ્રમાણે કામગીરી કરતા હોવાનું કહ્યું હતું. રાજેન્દ્ર ત્રિવેદી પ્રધાન મંડળમાં નંબર ટુ ગણાતા હતા છતાં આવા પગલા પાછળનું કારણ પૂછતા તેમણે કહ્યું હતું કે, બંને વડીલ છે અને જવાબદારીથી કામ કરી રહ્યા છે.