ડાર્લસ્ટનમાં મોટરબાઈક વડે ટક્કર મારી પાંચ બાળકોના પિતા હરબન્સ લાલના મૃત્યુ માટે દોષિત ઠેરવવામાં આવેલા મોક્સલીના 31 વર્ષીય લ્યુક ગુટરિજ નામના યુવાને પોતાને થયેલી ઇજાઓ માટે મૃતકની દિકરી પર જ £100,000ના વળતરનો દાવો કર્યો છે.
બાઇકર લ્યુક ગુટરિજે ભયાનક દુર્ઘટનામાં લકવાગ્રસ્ત ડાબા હાથ સહિતની જીવન બદલી નાખતી ઇજાઓ થઇ હોવાથી મરણ પામેલા હરબન્સ લાલની પુત્રી પાસેથી વળતરની માંગ કરી છે. તેણે કહ્યું હતું કે વાહન ઝડપથી ચલાવતો હોવાનો ગુનો સ્વીકારી લેવા માટે તેના બેરિસ્ટર દ્વારા સલાહ આપવામાં આવી હતી. જેને કારે તેને સસ્પેન્ડેડ સજા કરાઇ હતી.
પિતાની હત્યા કરનાર વ્યક્તિ દ્વારા નુકસાનીનો દાવો કરાતા પુત્રી જસવિંદર દેવી ગુસ્સે થઈ જણાવ્યું હતું કે “તેના કારણે મેં અને મારા પરિવારે 11 વર્ષ નરકમાં પસાર કર્યા છે. તેણે દોષ કબૂલ કર્યો છે તો તે જવાબદાર છે. મને સમજાતું નથી કે તેઓ શા માટે આગળ વધી રહ્યાં છે.”
ગુટરિજની કાનૂની ટીમ દલીલ કરે છે કે ‘’ગુટરીજ અને શ્રી લાલ બંને કેટલાક અંશે અકસ્માત માટે દોષી હતા. શ્રી લાલ અચાનક, અને તપાસ કર્યા વિના, રસ્તાની મધ્યમાં દોડી ગયા હતા અને જો તેઓ રસ્તા પર ન ગયા હોત તો ગુટરીજને ઇજાઓ થઇ ન હોત.’’
2010માં ક્રિસમસના બે દિવસ પછી ઓલ્ડ એન્જિન પબમાંથી ઘરે જતી વખતે 61 વર્ષીય લાલ વુલ્વરહેમ્પટન સ્ટ્રીટ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે મોટરબાઈકે તેમને ટક્કર મારી હતી. જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
એક દાયકાથી વિવાદમાં ઘેરાયેલા આ મામલામાં ગુટરિજ પર 2017માં તહોમત મુકાયું હતું. ગુટરીજ સામે શરૂઆતમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. પરંતુ વધુ તપાસમાં તે ખરેખર કેટલી ઝડપથી મુસાફરી કરી રહ્યો હતો તે બહાર આવતા તેને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરીને મૃત્યુનું કારણ બનવા માટે દોષ કબૂલ્યા બાદ 2019માં વુલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટમાં સસ્પેન્ડેડ જેલની સજા કરવામાં આવી હતી.
શ્રી લાલ કોપર ટ્યુબની ઉત્પાદક કંપની મ્યુલર યુરોપ લિમિટેડ, બિલ્સટનમાં 30 વર્ષથી કામ કરતા હતા.
આ વર્ષના અંતમાં મેયર્સ અને સિટી ઓફ લંડન કોર્ટમાં કાઉન્ટી કોર્ટમાં સંપૂર્ણ સુનાવણી થવાની અપેક્ષા છે.