અબુ ધાબીમાં નિર્માણાધિન પ્રથમ હિન્દુ મંદિરની ફાઇનલ ડિઝાઇન અને હાથ કોતરણીથી તૈયાર થયેલા પથ્થરના સ્થંભની પ્રથમ તસવીરો જારી કરવામાં આવી છે. ભારતના હિન્દૂ મહાકાવ્યો, ધર્મગ્રંથો અને પ્રાચીન કથાઓનું દ્રશ્ય અબુ ધાબીમાં બની રહેલા પ્રથમ હિન્દૂ મંદિરના રાજસી પત્થરના અગ્રભાગને સુશોભિત કરશે.

અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરના ટેમ્પલ મેનેજમેન્ટે પથ્થરોના મંદિરની ફાઇનલ ડિઝાઇન તથા ભારતમાં કોતરણી કરવામાં આવી રહી છે તેવા સ્થંભની પ્રથમ તસવીરો વિડિયો મારફત જારી કરી છે. આ વિડિયોમાં મંદિરનો પાયો રાખવાને લઇને અત્યાર સુધી નિર્માણની તસવીર જોઇ શકાય છે.



વૈશ્વિક સંવાદિતતાના ધાર્મિક કેન્દ્ર તરીકે માનવામાં આવા આ મંદિરના ફાઇનલ માસ્ટર પ્લાનના આ વિડિયોમાં દેખાય છે કે અબુ મુરેખાહ એરિયામાં આ મંદિર સંકુલમાં એક લાયબ્રેરી, ક્લાસરૂમ, મજલિસ અને કોમ્યુનિટી સેન્ટર પણ આકાર લેશે. મંદિરના પ્રવેશદ્વારાના પગથિયામાં પાણીના ઝરા અને મંદિરની ફરતો જળસ્રોત દેખાય છે. એમ્ફી થિયેટર પણ મંદિરના આકર્ષણમાં વધારો કરશે. બે નાના ફુવારા સાથેના પ્રવેશદ્વારથી દર્શનાર્થીઓનું સ્વાગત થશે.

મંદિરના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માસ્ટર પ્લાનની ડિઝાઇનનું કાર્ય 2020ના પ્રારંભમાં પૂર્ણ થયું હતું. કોવિડ-19ને કારણે આવા નિયંત્રણો દરમિયાન એન્જિનિયરિંગનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો. BAPS હિન્દુ મંદિરના પ્રવકતા અશોક કોટેચાએ જણાવ્યું હતું કે ફાઇનલ ડિઝાઇના વિઝ્યુઅલ વિડિયો મારફત પ્રથમ વખત જારી કરવામાં આવ્યા છે. કોમ્યુનિટીના સમર્થન તથા ભારત અને યુએઇના નેતાઓના માર્ગદર્શન સાથે આ ઐતિહાસિક મંદિરનું નિર્માણકાર્ય આગળ વધી રહ્યું છે. કોવિડ-19એ ઊભા કરેલા પડકારો અને મહામારી દમિયાનના સ્થાનિક નિયંત્રણોનું પાલન કરીને ભારતમાં પથ્થરનું નકશીકામ ચાલુ છે.

કોટેચાએ જણાવ્યું હતું કે મંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવાનારા પથ્થરો પરના નકશીકામમાં સાર્વત્રિક જ્ઞાનના મૂલ્યો અને વાર્તા તથા પ્રમાણભૂત પ્રાચીન કલા અને સ્થાપ્થ્યને પુનઃજીવિત કરાશે. ભારતના વિવિધ પ્રદેશોની માન્યતા અને હિન્દુ માન્યતાના વૈવિધ્યપૂર્ણ હિસ્સાને આ કહાની અને નકશીકામ મારફત દર્શાવવામાં આવશે. મહાભારત અને રામાયણ તથા પૂરાણ અને પ્રાદેશિક ઇતિહાસને પણ જીવંત કરવામાં આવશે. આ મંદિરનું મંડોવર (ગર્ભગૃહની દીવાલ) મંદિરની વિશિષ્ટ ઓળખ બની રહેશે. મંડોવરના ગવાક્ષ ઉપર ભારતીય પારંપરિક કથાઓની સાથે જ ખાડીના દેશોની અદ્ભુત કલાકોતરણીના સમન્વય જોવા મળશે, જે અદ્વિતીય બની રહેશે કોટેચાએ જણાવ્યું હતું કે રાજસ્થાન અને ગુજરાતના વિવિધ સ્થળે શિલ્પકારોએ 25,000 ક્યુબિક ફીટ પથ્થરો પર નકશીકામ કર્યું છે. આ પથ્થરો મંદિરનો મહત્ત્વનો હિસ્સો બનશે. માર્બલ ઇટલીથી લાવવામાં આવ્યા છે અને સેન્ડસ્ટોન રાજસ્થાનના છે.

મંદિરના વડા અને બીએપીએસ ઇન્ટરનેશન પ્રવક્તા સ્વામી બ્રહ્મવિહારી આગામી તબક્કાની દેખરેખ રાખવા યુએઇની મુલાકાતે છે. 2021ના પ્રથમ ક્વાર્ટરમાં નકશીકામથી તૈયાર થયેલા પથ્થરો મોકલવામાં આવશે અને તેની તૈયારીના ભાગરૂપે સ્વામી બ્રહ્મવિહારી અહીં આવ્યા છે. કોટેચાએ જણાવ્યું હતું કે ડી પી વર્લ્ડ અને ટ્રાન્સવર્લ્ડ ગ્રૂપે યુએઇમાં આ પથ્થરો લાવવા માટે લોજિસ્ટિક સપોર્ટની તૈયારી દર્શાવી છે. આ ઓફર માટે અમે તેમનો આભાર માનીએ છીએ.

ગયા મહિને વિદેશ બાબતો અને આંતરરાષ્ટ્રીય સહકારના પ્રધાન શૈખ અબ્દુલ બિન ઝાયેદ અલ નાહ્યન અને યુએઇમાં ભારતના એમ્બેસેડર પવન કપૂરે મંદિર નિર્માણની પ્રગતિની સમીક્ષા કરવા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સભ્યો સાથે બેઠક કરી હતી.
ગયા વર્ષે એપ્રિલમાં અબુ ધાબીમાં પ્રથમ હિન્દૂ મંદિરની આધારશિલા રાખવામાં આવી હતી અને ડિસેમ્બરથી કામ શરૂ થયુ હતું.