શ્રાવણ માસના પ્રથમ દિને સોમવાર, 9 ઓગસ્ટના રોજ અબુધાબીના BAPS હિન્દુ મંદિર ખાતે એક ખાસ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. મહામારી અંગેના નિયમોને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછા લોકોની હાજરીમાં શુભ પ્રસંગ યોજાયો હતો. અહીં ભારતથી નકશી કામ કરીને આવેલા સેંકડો ટન પથ્થરમાંથી પ્રથમ પથ્થરનું પૂજ્ય ઇશ્વરચરણદાસ સ્વામીના હસ્તે પવિત્રકરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બ્રહ્મવિહારીદાસ સ્વામીએ યુએઇ અને ભારત સરકાર, દાતાઓ, પ્રતિષ્ઠિત લોકો, શુભેચ્છકો અને સ્વયંસેવકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ભારતથી ખાસ આશીર્વચન પાઠવ્યા હતા. વૈશ્વિક સોહાર્દના આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત આધ્યાત્મિક પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટ્સ અને કોન્ટ્રાક્ટર્સ સહિતના દરેક વ્યક્તિએ હાજર રહીને પ્રાર્થના કરી હતી. મંદિરનું કામ સરળ રીતે આગળ વધે અને સમયસર પૂર્ણ થાય તે માટે તમામ દિશાઓમાં પવિત્ર ફૂલોનો વરસાવવામાં આવ્યા હતા.