અબુધાબીમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક સોમવારે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ત્રણ ટેન્કરમાં વિસ્ફોટ થયા હતા, જેમાં બે ભારતીયો સહિત ત્રણ લોકોના મોત થયા હતા. યુનાઈટેડ આરબ એમિરેટ્સ સત્તાવાળાઓના જણાવ્યા પ્રમાણે ડ્રોન હુમલાના કારણે આ વિસ્ફોટ થયા હોવાની આશંકા છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પણ નાની આગ જોવા મળી હતી. અબુ ધામી નેશનલ ઓઇલ કંપની ફેસિલિટીમાં થયેલા વિસ્ફોટમાં એક પાકિસ્તાનીનું પણ મોત થયું હતું અને બીજા છ લોકો ઘાયલ થયા હતા.
યુએઈ આ મામલે તપાસ શરૂ કરે તે પહેલા જ ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.યુએઈના સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે એરપોર્ટ નજીક અબુધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC)ના પેટ્રોલ લઈને જઈ રહેલા ટેન્કર્સમાં વિસ્ફોટ થયા હતા. પ્રાથમિક તપાસ મુજબ ટેન્કર્સમાં આગ લાગી તે પહેલા આકાશમાં ડ્રોન જેવી આકૃતિ જોવા મળી હતી. એરપોર્ટ પર લાગેલી આગને કાબૂમાં લેવા માટે પોલીસ અને અધિકારીઓની ટીમને મોકલવામાં આવી હતી. મુસ્સાફાહ નામનો આ ઔદ્યોગિક વિસ્તાર પ્રેસિડેન્શિયલ પેલેસથી આશરે 20 કિમી તથા યુએસ સાઉદી એમ્બેસીથી આશરે 10 કિમી દૂર છે.
યુએઇમાં ઇન્ડિયન એમ્બેસીએ આ બ્લાસ્ટમાં બે ભારતીયોના મોતને પુષ્ટી આપતા ટ્વીટ કર્યું હતું કે યુએઇના સત્તાવાળાએ માહિતી આપી છે કે મુસ્સાફહમાં વિસ્ફોટથી ભારતના બે નાગરિકો સહિત ત્રણના મોત થયા છે. વધુ વિગતો માટે ઇન્ડિયન એમ્બેસી યુએઇના સત્તાવાળાના સંપર્કમાં છે.
હૂતીઓના પ્રવક્તા યાહ્યા સારી સાથે સંકળાયેલા એક ટ્વિટર એકાઉન્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે હતો, આગામી થોડા કલાકોમાં હૂતી યુએઈ પર સૈન્ય ઓપરેશન્સ ચલાવશે. ઉલ્લેખનીય છે કે, સંયુક્ત આરબ અમીરાત ઘણાં લાંબા સમયથી યમનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધનો હિસ્સો બન્યું છે. યુએઈએ 2015માં આરબ ગઠબંધનનો હિસ્સો બનીને યમનમાં સરકાર બદલવાની માગણી કરી રહેલા હૂતી વિદ્રોહીઓ વિરૂદ્ધ અભિયાન ચલાવવાનું શરૂ કરી દીધું હતું. જોકે 2019 બાદ યમનમાં યુએઈની ગતિવિધિઓ ઘટી છે.