ઉંચા ફુગાવાને અંકુશમાં લેવા માટે યુરોપીયન સેન્ટ્રલ બેંકે (ECB)એ ગુરુવારે વ્યાજના દરમાં ૦.૭૫ ટકાનો અસાધારણ વધારો કર્યો હતો અને ભવિષ્યમાં પણ રેટહાઇકનો સંકેત આપ્યો હતો. યુરોપિયન યુનિયનમાં ફુગાવો અત્યારે ૯.૧ ટકા છે, જે ઇકોનોમિક બ્લોકની સ્થાપના પછીનો સૌથી ઊંચો ફુગાવો છે.
યુરોપનું ઇકોનોમી વિન્ટર સુધીમાં મંદીમાં આવી જાય તેવી શક્યતા હોવા છતાં સેન્ટ્રલ બેન્ક ફુગાવાને લક્ષ્યાંક બનાવી રહી છે.જુલાઈના રેટહાઇક બાદ ઇસીબીએ તેના ડિપોઝિટ રેટને ઝીરોથી વધારીને 0.75 ટકા કર્યા છે અને તેના મુખ્ય રિફાઇન્સ રેટને 1.25 ટકા કર્યા છે, જે 2011 પછી સૌથી ઊંચા છે. ઓક્ટોબર અને ડિસેમ્બરમાં પણ તેમાં વધુ વધારાની ધારણા છે.
ECBના વ્યાજના વધારા સાથે હવે બેન્કિંગ સિસ્ટમમાં ધિરાણ માટેનો દર ૧.૫૦ ટકા અને આંતરિક બેન્કિંગ સિસ્ટમમાં વ્યાજનો દર ૧.૨૫ ટકા થઇ જશે. મોંઘવારીની સામે વ્યાજનો દર હજુ ઘણો નીચો હોવાથી ફુગાવો ડામવા માટે ભવિષ્યમાં પણ ECBએ વ્યાજના દર વધારવા પડે તેવી શક્યતા છે.
રશિયા યુક્રેન યુદ્ધને કારણે યુરોપના અર્થતંત્ર ઉપર મંદીના વાદળો ઘેરાયેલાં છે. ક્રુડ ઓઈલ, નેચરલ ગેસ જેના માટે સમગ્ર યુરોપ રશિયા ઉપર આધારિત છે તેનો પુરવઠો ઘટી ગયો છે અને રશિયા ધીમે ધીમે ગેસનો પુરવઠો સંપૂર્ણ રીતે બંધ કરી રહ્યું છે. ઊંચા ઉર્જાના ખર્ચના કારણે ગ્રાહકો ઉપર બોજ વધી રહ્યો છે ત્યારે સંઘની સેન્ટ્રલ બેંક વ્યાજ દર વધારી માંગ ઘટાડવા માટે પ્રયત્ન કરી રહી છે.