બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું સ્વપ્ન દરેક અભિનેતાનું હોય છે. તેમનો પુત્ર અભિષેક બચ્ચન પણ તેમાંથી બાકાત નથી. અભિષેકે જણાવ્યું હતું કે, મેગા સ્ટાર પિતા સાથે કામ કરવું છે, પરંતુ અમે સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છીએ, જેથી દર્શકોને યાદગાર અનુભવ આપી શકાય.
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને અગાઉ બંટી ઔર બબલી, સરકાર, સરકાર રાજ, કભી અલવિદા ના કહેના અને પા જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આર બાલ્કીની પા ફિલ્મમાં અભિષેક બચ્ચને પિતાનો રોલ કર્યો હતો અને અમિતાભ બચ્ચને પ્રોગેરિયાથી પિડાતા દીકરાનો રોલ કર્યો હતો. અભિષેકે કહ્યું હતું કે, સાથે કામ કરવાનું તેમને ખૂબ ગમે છે અને તેઓ પોતાની પસંદગી કરતી વખતે ઓડિયન્સ પ્રત્યે જવાબદાર રહેવા ઇચ્છે છે. અગાઉ સાથે કરેલી ફિલ્મો યાદગાર રહી છે અને તેઓ તેવી પસંદગી જ કરવા ઇચ્છે છે. તેથી યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યા છે. સારી સ્ક્રિપ્ટ મળશે એટલે સાથે કામ કરીશું. અબુધાબી ખાતે IIFA એવોર્ડ્સ દરમિયાન અભિષેકે ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.
ઉલ્લેખનીય છે કે, બાલ્કિની આગામી ફિલ્મ ઘૂમરમાં તેઓ સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ હંગેરીના રાઈટ હેન્ડ શૂટર કેરોલી ટાકાસના જીવન આધારિત છે. ઓલિમ્પિક્સ વખતે જમણા હાથમાં ઈજા થતાં કેરોલીએ ડાબા હાથે શૂટિંગ કર્યું હતું અને બે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. અમિતાભ બચ્ચન અગાઉ બાલ્કિની ફિલ્મો ચીની કમ, પા, શમિતાભ, કી એન્ડ કા, પેડમેન, ચુપ: ધ રીવેન્જ ઓફ ધ આર્ટિસ્ટમાં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે. ઘૂમરમાં તેમનો સ્પેશિયલ એપિયરન્સ છે.
અભિષેકે જણાવ્યું હતું કે, બાલ્કિ અમિતાભ બચ્ચન વગર ફિલ્મ બનાવતા નથી, કારણ કે તેઓ બાલ્કિ માટે લકી ચાર્મ છે. તેથી એક શોટ માટે પણ તેઓ બચ્ચનને ફિલ્મમાં રાખે છે. આ ફિલ્મમાં પણ બાલ્કિએ અમિતાભ બચ્ચનને સાથે રાખ્યા છે. 2005માં IIFA એવોર્ડ્સમાં પ્રથમવાર અભિષેક બચ્ચને કજરા રે…. ગીત પર પરફોર્મ કર્યુ હતું. બંટી ઔર બબલી ફિલ્મના આ ગીતમાં અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય પણ હતા.