અભિષેક બચ્ચને ગત વર્ષે પોતાનું નસીબ વેબસીરિઝમાં અજમાવ્યું હતું. તે ‘બ્રીધ’ અને ફિલ્મ ‘લુડો’માં ચમક્યો હતો. તેમાં તેનું કામ તેના ચાહકોને ગમ્યું હતું. હવે તે નવી ફિલ્મ ‘ધ બિગ બુલ’ના કારણે ચર્ચામાં છે. ‘ધ બિગ બુલ’ હર્ષદ મહેતાના જીવન આધારિત છે. આ ફિલ્મમાં તેની ભૂમિકા અંગે તેણે જણાવ્યું હતું કે, આ એક કાલ્પનિક કેરેક્ટર છે, જે અનેક લોકોથી પ્રેરિત છે.
હકીકતમાં તમે બાયોપિકનું નિર્માણ કરો ત્યારે તમારે એ પાત્ર જેવા બનવું પડે છે, પરંતુ કાલ્પનિક બાબતોમાં તમે છૂટછાટ લઈ શકો છો. સારી વાત એ છે કે, દિગ્દર્શક કૂકી ગુલાટી આ ફિલ્મ વિષે મને મળ્યા ત્યારે તેની કથા-પટકથા ખૂબ મજબૂત હોવાથી મારું કામ સરળ થઈ ગયું હતું. મારો પ્રયાસ મારાે રોલ કન્વિન્સિંગ બનાવવાનો જ હતો, જેથી દર્શકોને એમાં રસ પડે. ગત વર્ષે પોતાના પરિવારમાં કોરોના અંગે તેણે જણાવ્યું હતું કે, મગજમાં એ વાત ચોક્કસ રહે છે કે, બધું બરાબર તો થશે ને. એવો ડર રહે છે કે, શું બધા લોકો કોરોનાના નિયમોનું પાલન કરશે કે નહીં. હું હોસ્પિટલમાં હતો ત્યારે પણ મારા પરિવાર વિશે જ વિચાર કરતો હતો. ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આ ખૂબ જ મુશ્કેલ સમયગાળો છે.
કોરોનાકાળમાં થિયેટર્સ બંધ થઇ ગયા હોવાથી ઓટીટી પ્લેટફોર્મનું ચલણ વધ્યું છે. જો કે, હવે ધીરે-ધીરે થિયેટર્સ શરૂ થઈ રહ્યાં છે, પરંતુ દર્શકોનો વિશ્વાસ પણ વધારવો પડશે, એ મુશ્કેલ કામ છે. અમે પ્રયત્ન તો કરી રહ્યા છીએ. સારું છે કે, ફિલ્મ્સ હજી પણ સતત બની રહી છે અને તે થીએટર્સમાં નહીં તો ઓટીટી પર રીલીઝ થઈ રહી છે. આમ તો અમે ‘ધ બિગ બુલ’ થીએટર્સમાં રીલીઝ કરવા માટે જ બનાવી હતી, પરંતુ ગયા વર્ષે લોકડાઉન થયું ત્યારે પ્રોડ્યૂસર અજય દેવગને તેને ઓટીટી પર રીલીઝ કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે, અમને ખબર નહોતી કે, હવે પછી શું થશે? ઓટીટી પર રીલીઝ થવાથી દર્શકો ઓછામાં ઓછું અમારી ફિલ્મ જોશે તો ખરા.
આ ઉપરાંત અભિષેકની નવી ફિલ્મ ‘બોબ બિસ્વાસ’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને પોસ્ટ પ્રોડક્શન કામગીરી ચાલી રહી છે. ટૂંક સમયમાં જ તેની રીલીઝની તારીખ જાહેર થશે. ‘દસવી’ માટે અડધું શૂટિંગ થઈ ગયું છે. આ મહિનાના અંત સુધીમાં એના માટેનું શૂટિંગ પણ પૂર્ણ થઈ જશે.