અભિષેક બચ્ચન ટૂંક સમયમાં એક ક્રાઇમ થ્રીલર ‘બ્રિથ: ધન ટુ ધ શેડોઝ’ નામની વેબસિરિઝથી ડિજિટલ ડેબ્યૂ કરવા સજ્જ થઇ ગયો છે. સિરિઝમાં પિતા-પુત્રીની વાર્તા દેખાડવામાં આવી છે. સિરિઝમાં અભિષેકની દીકરી ખોવાઇ જાય છે અને લાચાર પિતા તેને ગોતવા માટે પૂરતા પ્રયાસો કરે છે.
આ સંબધિત તાજેતરમાં તેનું લૂક બહાર પાડવામાં આવ્યું હતું જેમાં તે પોતાની ખોવાયેલી દીકરીની પરચી લઇને બેઠો. આ સિરિઝનું ટ્રેલર પહેલી જુલાઇના રોજ રિલીઝ કરવામાં આવશે. અભિષેક સાથે અમિત સાઢ ફરી એક વાર સિનિયર ઇન્સ્પેક્ટરના પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત નિથ્યા મેનન અને સૈયામી ખેર પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝ ૧૦મી જુલાઇના રોજ દુનિયાભરના ૨૦૦થી વધુ દેશોમાં એક સાથે રિલીઝ થવા જઇ રહી છે.
સ્વાભાવિક છે કે છેલ્લાં કેટલાક સમયથી અભિષેક કોઇ ફિલ્મોમાં દેખાયો નથી. લોકડાઉનના આ સમયગાળામાં ઓટીટી પ્લૅટફોર્મની ડિમાન્ડમાં ધરખમ વધારો થયો છે અને મોટા ભાગના બૉલીવૂડ અને ટીવીના કલાકારો ડિજિટલ પ્લૅટફોર્મ પર કામ કરવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે અભિષેક બચ્ચને પણ વેબસિરીઝમાં કામ કરવાનું મન બનાવી લીધું છે. તેની આ પહેલી વેબસિરીઝને કેવો પ્રતિસાદ મળે છે તે જાણવું રસપ્રદ રહેશે.