ભારતના છત્તીસગઢ રાજ્યના એક ગામમાં ત્યજી દેવાયેલી બાળકી કુતરાના ગલુડિયાઓના મળમુત્ર અને કચરા વચ્ચે ભરશિયાળામાં સચવાયેલી હાલતમાં મળી આવી હતી. હવે તે બાળાને આકાંક્ષા નામ આપવામાં આવ્યું છે.
આ બાળકી કોઈ પણ કપડા વિના તેની ગર્ભનાળ સાથે હૃદયદ્રાવક રીતે નિર્જન સ્થળેથી મળી આવી હતી. માસુમ બાળકીને બચાવવા જાણે કે ગલુડિયાઓ અને તેની મા આખી રાત બાળકી સાથે વળગીને રહ્યા હતા. જ્યાં સુધી લોકો ન આવ્યા ત્યાં સુધી કૂતરાઓએ તેની સંભાળ રાખી હતી.
એક સ્થાનિકે કહ્યું હતું કે “તે ગલુડિયાઓ અને તેમની માતાની હૂંફે આ બાળાને જીવંત રાખી હતી. સામાન્ય રીતે, રાત્રે તાપમાનમાં ઘટાડો થાય છે અને હાલમાં ડિસેમ્બર ચાલુ છે ત્યારે મારે કહેવું જ જોઇએ, તે તેણીનું સંપૂર્ણ નસીબ છે.”
સ્થાનિક હોસ્પિટલમાં તબીબો દ્વારા તપાસ કર્યા બાદ બાળકીને ચાઈલ્ડ લાઈન પ્રોજેક્ટમાં રીફર કરાઇ હતી. પોલીસ હવે તેના માતા-પિતાને શોધી રહી છે. છત્તીસગઢ પોલીસના વરિષ્ઠ IPS અધિકારી સ્પેશિયલ ડીજી આરકે વિજે શોક વ્યક્ત કર્યો હતો.