મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બુધવારે વિશ્વકપ 2023ની પ્રથમ સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતે ધમાકેદાર શરૂઆત કરી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. ભારતના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે ધુંઆધાર શરૂઆત કરી હતી. ભારતે 30 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 219 રન કર્યા હતા. વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર ક્રિઝ પર હતા.
રોહિત શર્મા એક ઉંચો ફટકો લગાવવાના પ્રયાસમાં આઉટ થઈ ગયો હતો. તે પહેલાં તેણે 29 બોલમાં 47 રન બનાવી લીધા હતા. વિરાટ કોહલી કરિયરની 72મી અડધી સદી પૂરી કરી કરી હતી. વિરાટની આ ટુર્નામેન્ટમાં આઠમી અડધી સદી પણ છે.
અગાઉ શુભમન ગિલ 65 બોલમાં 79 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના પગમાં ક્રેમ્પ છે. ગિલે આ વર્લ્ડ કપમાં તેની ચોથી અડધી સદી પૂરી કરી છે.
રોહિત શર્માએ ન્યૂઝિલેન્ડના બોલરેની ધોલાઈ કરવાનો નિર્ણય લીધો હોય તેમ 29 બોલમાં ચાર બાઉન્ડ્રી અને ચાર સિક્સર ફટકારી હતી. ભારતે રોહિતની વિકેટ ગુમાવી ત્યારે મોટો ફટકો પડ્યો હતો અને તેના કારણે રન બનાવવાની ગતિમાં ઘટાડો થયો હતો. રોહિત તેની 56મી અર્ધસદી બનાવે તેનાથી ત્રણ રન અગાઉ જ આઉટ થઈ ગયો હતો. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં તેની 50મી સિક્સર ફટકારી હતી જે વર્લ્ડ કપના ઈતિહાસમાં એક રેકોર્ડ છે. અગાઉ ક્રિસ ગેલે વર્લ્ડકપમાં 49 સિક્સરનો રેકોર્ડ બનાવ્યો હતો.
ભારત ન્યૂઝિલેન્ડને સેમી ફાઈનલમાં હરાવીને 2019નો બદલો લેવાના નિર્ધાર સાથે મેદાનમાં છે. 2019ની નોક આઉટ મેચમાં ન્યૂઝિલેન્ડ સામે ભારતનો પરાજય થયો હતો જેના કારણે ઈંગ્લેન્ડ અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ફાઈનલ રમાઈ હતી. રસાકસીભરી ફાઈનલમાં ઈંગ્લેન્ડ વિજેતા થયું હતું. આ વખતે ભારત વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ ગણવામાં આવે છે. ભારત અને ન્યૂઝિલેન્ડમાં અત્યાર સુધીના વર્લ્ડકપમાં 6 મેચ રમાઈ છે જેમાં ન્યૂઝિલેન્ડનો 5 મેચમાં વિજય થયો છે જ્યારે ભારત માત્ર એક મેચ જીત્યું છે. આ વખતની લિગ મેચમાં ભારતે ન્યૂઝિલેન્ડને હરાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી સેમી ફાઈનલ રમાશે જ્યારે 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાશે.