એશિયન બિઝનેસ એવોર્ડ્ઝ સમારોહમાં એશિયન રીચ લીસ્ટ – 2022નું વિમોચન કરતા લંડનના મેયર સાદિક ખાને જણાવ્યું હતું કે ‘’અહીં હોવું અદ્ભુત છે. મને આપણાં સમુદાયના ઘણા સ ભ્યો સાથે રહેવાનો વિશેષાધિકાર મળ્યો છે. તેઓ ખરેખર તેમની છાપ બનાવી રહ્યા છે. યુગાન્ડામાંથી એશિયન સમુદાયના લોકોની ભયંકર હકાલપટ્ટીના 50 વર્ષ પછી ધ પર્લ ઓફ યુગાન્ડા એવોર્ડ્ઝના સન્માનિત અગ્રણીઓને જોવાનું અદ્ભુત છે. તેમના જીવનનું પુનર્નિર્માણ પ્રેરણાદાયક છે. સાથે તેઓ એ પણ યાદ કરાવે છે કે દાયકાઓથી ઇમિગ્રેશનને લીધે આપણા રાષ્ટ્રને ઘણો ફાયદો થયો છે. ખરેખર, આપણે જરૂરિયાતમંદ લોકોને અભયારણ્ય પ્રદાન કરવાના આપણા ઇતિહાસ પર ગર્વ લેવો જોઈએ.’’
શ્રી ખાને જણાવ્યું હતું કે ‘’વૈવિધ્યસભર અને વિશ્વ કપ વિજેતા ઈંગ્લેન્ડ ફૂટબોલ ટીમથી લઈને આપણા દેશના વડા પ્રધાન સુધીની વાત કરીએ તો ઈમિગ્રેશન વિના દેશ ગતિશીલ, નવીન, સમૃદ્ધ સ્થાને ન હોત. ઋષિ સુનકની વરણી બ્રિટનના પ્રથમ એશિયન, પ્રથમ હિન્દુ વડાપ્રધાન તરીકે વિશ્વભરમાં શક્તિશાળી સંદેશો મોકલે છે.’’
મેયરે જણાવ્યું હતું કે ‘’ઋષિ વડા પ્રધાન બન્યા તે પછી મને ડિરેક્ટર્સ, મૂવી સ્ટાર્સ અને એજન્ટો નોનસ્ટોપ કૉલ્સ કરીને પૂછી રહ્યા છે કે આપણી પાસે ખ્રિસ્તી રાજા, કિંગ ચાર્લ્સ છે, હિંદુ વડાપ્રધાન ઋષિ છે અને તમે લંડનના મુસ્લિમ મેયર છો. હવે તો ફિલ્મ ‘અમર અકબર એન્થની’ બનવી જ જોઇએ. મને આનંદ થાય છે કે ફૂડ, ડ્રિંક અને હોસ્પિટાલિટી સેક્ટરથી લઈને ફાર્મા હેલ્થકેર સુધીના ક્ષેત્રોમાં નામના મેળવનારા બ્રિટિશ એશિયનોની સરાહના થઇ રહી છે.’’
શ્રી ખાને એમજી ગૃપના સહસ્થાપક શ્રીમતી પાર્વતિબેન સોલંકીને શ્રધ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે ‘’તમે જે કંઈ હાંસલ કર્યું છે અને જે રીતે તમે એશિયન મીડિયા ગ્રુપ સાથે તેમનો અદ્ભુત વારસો ચાલુ રાખ્યો છે તેના પર મને ગર્વ છે. એશિયન બિઝનેસ એવોર્ડ તેના 24માં વર્ષમાં છે તે ખરેખર તમારી મહેનત, સમર્પણ અને તમારા વિઝનની વાત કરે છે. આ રૂમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિના પ્રયત્નો અને સિદ્ધિઓને કારણે લંડન અને યુકે ચોક્કસપણે વધુ મજબૂત અને વધુ સફળ સેવા આપે છે. આપણી વિવિધતા એક શક્તિ છે, નબળાઈ નથી, જે આપણને વધુ સમૃદ્ધ બનાવે છે. સામૂહિક રીતે એશિયન બિઝનેસીસ આપણી અર્થવ્યવસ્થા માટે £10 બિલિયન જનરેટ કરે છે. તેઓ નોકરીઓ અને સંપત્તિ બનાવવા સાથે આપણા ઉચ્ચ રસ્તાઓ પણ ઉજ્જવળ કરે છે. તમે દેશના લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરો છો, તમે આપણા સમાજ, સંસ્કૃતિ અને જીવનશૈલીને સમૃદ્ધ બનાવો છો. લંડનના મેયર તરીકે તમે આપણા શહેર અને દેશ માટે જે કંઈ કરો છો તેના માટે હું ખૂબ જ આભારી છું. હું હંમેશા તમારા માટે લડીશ અને ત્યાં રહીશ. પછી ભલે તે વધતા ખર્ચમાં વધુ મદદ પૂરી પાડવા માટે હોય કે ઇમિગ્રેશન માટે હોય.’’