Inspiration to give back to society comes from father: Vraj Pankhaniya

એશિયન બિઝનેસ એવોર્ડ દરમિયાન વિખ્યાત રેડિયો અને ટીવી પ્રેઝન્ટર નિહાલ અર્થનાયકે સાથે યોજાયેલા પેનલ ડિસ્કશનમાં સમકાલીન, વૈભવી ઘરો અને અસાધારણ ડિઝાઇન અને સ્પેસીફેકેશનની કોમર્શીયલ પ્રોપર્ટી બનાવવા માટે જાણીતી એવોર્ડ વિજેતા વેસ્ટ કોમ્બ ગૃપના સ્થાપક વ્રજ પાનખણીયાએ જણાવ્યું હતું કે ‘’હું જ્યારે આ દેશમાં આવ્યો ત્યારે હું કાર રેલી ડ્રાઇવર બનવા માંગતો હતો. પરંતુ અમારા પરિવારના ઈતિહાસ તરફ પાછા જઈએ તો, મારા દાદા-દાદી, મારા પિતા અને પૂર્વજો છેક 100 વર્ષ પહેલા ભારતના પશ્ચિમ કિનારેથી કઠિન મુસાફરી કરીને કેન્યા સ્થાયી થયા હતા. મારા પિતા બ્રિટિશ આર્મી માટે કામ કરતા, બાંધકામ ઉદ્યોગમાં બેરેક્સ બનાવતા. અમે નવ ભાઈ-બહેન હતા અને પ્રોપર્ટી અમારા લોહીમાં ચાલે છે. પરંતુ ઇસ્ટ આફ્રિકામાં કટોકટી ઘેરી થતા અમે 60ના દાયકાની શરૂઆતમાં ઈંગ્લેન્ડ આવ્યા હતા.’’

શ્રી પાનખણીયાએ જણાવ્યું હતું કે ‘’મારું સ્વપ્ન કાર રેલી ડ્રાઇવર બનવાનું હતું. પણ ખરૂ જોતાં હું રેવન્યુ ડ્રાઈવર બનવા માંગતો હતો. હું અહીં આવ્યો ત્યારે માત્ર 17 વર્ષનો હતો, અને દેખીતી રીતે જ મારી પાસે પૈસા નહોતા અને કામ શરૂ કરવું પડ્યું હતું. તે સમયે મારી પ્રથમ એંગ્લિયા કાર £50માં ખરીદીને તેને £90માં વેચી દીધી હતી. મને તે મોટો નફો લાગ્યો હતો. મેં બીજે પણ હાથ અજમાવ્યો હતો પણ મારુ મન પ્રોપર્ટીમાં હતું. મારી પાસેની લગભગ 1000 પાઉન્ડની ડિપોઝિટ દ્વારા સાઉથ ઇસ્ટ લંડનના વેસ્ટકમ્બ હીલમાં £10,000નું ઘર ખરીદવામાં સફળ રહ્યો. આથી જ વેસ્ટકમ્બ અમારા ગૃપનું નામ છે. અમે તે ઘરમાં લગભગ 1000 પાઉન્ડ ખર્ચીને તેને £14,000માં વેચ્યું હતું. અને ત્યાર પછી મારે ક્યારેય પ્રોપર્ટી બિઝનેસમાં પાછળ વળીને જોવું પડ્યું નથી. અમે બે ફ્લેટ, ચાર ફ્લેટ એમ પ્રગતિ કરતા કરતા હતા. આજે અમે પડકારજનક પ્રોજેક્ટ્સ શોધી રહ્યા છીએ. અમે ઘણી બેરેક્સના રીડેવલપમેન્ટ કર્યા છે અને સૌથી મોટા બેરેક્સ ખરીદવા માંગીએ છીએ.’’

વ્રજભાઇએ બિઝનેસ ચલાવવાની વધુ જવાબદારી પુત્રો સુનીલ (ગ્રૂપ ઓપરેશન્સ ડિરેક્ટર) અને કમલ (ગ્રુપ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ)ને સોંપી છે.

કંપનીએ લંડન અને તેની આસપાસની અસંખ્ય લિસ્ટેડ ઇમારતોને કન્વર્ટ કરીને પોતાના બિઝનેસમાં વધારો કર્યો છે. જો કે તેમનુ પ્રાથમિક ધ્યાન પ્રીમિયમ રેસિડેન્શીયલ પ્રોપર્ટીઝ પર છે. આ જૂથે હોટલોમાં પણ વૈવિધ્યીકરણ કર્યું છે. જેમના વિકાસનું કુલ મૂલ્ય £300 મિલિયન છે અને તે બહુવિધ પ્રોજેક્ટ્સમાં આવી રહ્યું છે.

પોતાના પિતા કરતા અલગ શું કર્યું તેના જવાબમાં સુનિલે કહ્યું હતું કે “મને લાગે છે કે અમે વધુ જોખમ લઈએ છીએ અને ક્યારેક જોઈએ તે કરતાં વધુ ઊંડા અને અંત સુધી જઈએ છીએ. પરંતુ તે સારું અને ખરાબ હોઇ શકે છે. મને લાગે છે કે અમારી પાસે માતા-પિતાની સૌથી મહત્વની બાબત છે તેમની નમ્રતા. સખત મહેનત કરવી અને નમ્ર રહેવું. તેમની નૈતિકતા  તમને સાચી દિશામાં મૂકે છે.’’

ગયા વર્ષે એશિયન બિઝનેસ એવોર્ડ્સમાં પ્રોપર્ટી ડેવલપર ઓફ ધ યર એવોર્ડ અને આ વર્ષે ફેમિલી બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ જીતનાર ગ્રુપે ધ ઈવનિંગ સ્ટાન્ડર્ડના બેસ્ટ ન્યૂ કન્વર્ઝન એવોર્ડ સહિત અનેક પ્રશસ્તિ પત્રો મેળવ્યા છે. 2006માં, તેમને વિન્ડસરમાં કોન્વેન્ટ કોર્ટને 64 લક્ઝરી એપાર્ટમેન્ટમાં પરિવર્તિત કરવા બદલ, શ્રેષ્ઠ રૂપાંતર પ્રોજેક્ટ શ્રેણીમાં ન્યૂ હોમ્સ એવોર્ડ મળ્યો હતો.

વ્રજભાઇએ તેમની સફળતાનું રહસ્ય જાહેર કર્યું હતું કે સમાજને પાછું આપવાની માનસિકતા – પ્રેરણા હતી. મેં મારા પોતાના પિતા સાથે જોયું હતું કે  જ્યારે તેમની પાસે શાબ્દિક રીતે કંઈ નહોતું ત્યારે તેમણે જે કંઈ કમાયું હતું તે સમાજને કંઈક પરત આપવા સક્ષમ હતા. છેલ્લા 20 વર્ષોમાં, જ્યારે બિઝનેસ વધી રહ્યો છે, ત્યારે અમે અમારું પોતાનું ફાઉન્ડેશન સ્થાપ્યું છે જે હવે વૈશ્વિક સ્તરે ચેરિટી કાર્ય કરી રહ્યું છે. તે સૌથી સંતોષજનક બાબત છે. અને તે માટે જ હું આ દિવસોમાં મારો સમય સમર્પિત કરી રહ્યો છું, જ્યારે છોકરાઓને જે કરવું જોઈએ તે તેઓ કરી રહ્યા છે.”

વેસ્ટકોમ્બ ફાઉન્ડેશન, ઘણા સખાવતી પ્રયત્નોને પ્રાયોજિત કરે છે જેમાં ધ રોયલ ચેરિટી પોલો ડે (જેણે 2015માં ટસ્ક ટ્રસ્ટ અને સેન્ટેબેલ માટે £1 મિલિયન એકત્ર કર્યા હતા) અને ઓક્ટોબર 2017માં હાઉસ ઓફ કોમન્સ ખાતે હિંદુ ફોરમની દિવાળીની ઉજવણીનો સમાવેશ થાય છે.

ફાઉન્ડેશને ભારત અને કેન્યામાં સહાયની ઓફર કરી હતી અને 2015 માં વિનાશક ભૂકંપ પછી નેપાળમાં શાળાઓ અને આશ્રયસ્થાનોના પુનઃનિર્માણમાં મદદ કરી હતી.

LEAVE A REPLY