આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે રવિવારે જાહેરાત કરી હતી કે પાર્ટીના ગુજરાતના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી તેમના ગૃહ જિલ્લા દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે.
કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણની પવિત્ર ભૂમિ પરથી ગુજરાતને નવા મુખ્યપ્રધાન મળશે. કેજરીવાલના ટ્વીટનો જવાબ આપતા ગઢવીએ કહ્યું હતું “તમે અને ગુજરાતની જનતાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, હું ખાતરી આપું છું કે હું મારા છેલ્લા શ્વાસ સુધી ગુજરાતની જનતાની સેવા કરીશ. જય જય ગરવી ગુજરાત!”
ભૂતપૂર્વ ટીવી પત્રકાર ગઢવીને AAPએ 4 નવેમ્બરના રોજ પાર્ટીના મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા હતા. પાર્ટીના ગુજરાત યુનિટના પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને મહામંત્રી મેજોજ સોરઠીયા પણ રેસમાં હતા. આ સાથે AAPએ 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે અત્યાર સુધીમાં 175 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
આમ આદમી પાર્ટીએ આ વખતે ઈસુદાન ગઢવીને તેમના પક્ષ તરફથી મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર કર્યાં છે પણ તેઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેની જાહેરાત કરાઈ ન હતી. આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે રવિવારે ટ્વીટ કરીને જાહેર કર્યું હતું કે, આમ આદમી પાર્ટી તરફથી ઈસુદાન ગઢવી ખંભાળિયાની બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. આ બેઠક પરથી ભાજપે અગાઉથી જૂના જોગી મૂળુભાઈ બેરાને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે. મૂળુભાઈ બેરા અગાઉની સરકારોમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે.