ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મંગળવાર, 23 ફેબ્રુઆરીએ ભાજપનો જંગી બહુમતીથી વિજય થયો હતો અને કોંગ્રેસનો સફાયો થયો હતો. જોકે આ ચૂંટણીનું રસપ્રદ પાસું છે કે સુરત મહાનગરપાલિકાની 120 બેઠકોમાં 27 બેઠકો પર વિજય મેળવીને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ રાજ્યના રાજકારણમાં ત્રીજા પક્ષ તરીકે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સુરતમાં ભાજપનો 93 બેઠકો સાથે બહુમતી મળી હતી અને કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી ન હતી.
આ વિજય પછી આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે નવી રાજનાતિની શરૂઆત કરવા માટે ગુજરાતના લોકોને દિલથી અભિનંદન.
આ રિઝલ્ટ બાદ આમ આદમી પાર્ટીએ સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કર્યું હતું કે સુરતમાં આમ આદમી પાર્ટીએ ભાજપના કિલ્લામાં ફાચર લગાવી દીધી છે. તે સાથે જ સમગ્ર ગુજરાતમાં ઘણી બેઠકો પર આપ આગળ ચાલી રહી છે. કેજરીવાલનું દિલ્હી મોડલ ગુજરાતને આશા આપી રહ્યું છે. ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીની શિક્ષણ, આરોગ્યવાળી રાજનીતિ પર મહોર લગાવી. છે.
રાજકીય નિરીક્ષકો માને છે કે સુરતમાં કોંગ્રેસના મત આમ આદમી પાર્ટી તરફ શિફ્ટ થયા હતા. કોંગ્રેસ માટે આ એક ખતરાની ઘંટડી છે. કોંગ્રેસે હાર્દિક પટેલને મોટી જવાબદારી સોંપી હતી. તેમને પાર્ટીનો મોટો ચહેરો બનાવ્યો હતો. તેમ છતાં સુરત જેવા પાટીદાર સમાજના ગઢમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ ગયા છે.
સૌથી મહત્વની વાત એ છે કે સુરત મનપાની આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનું ખાતું પણ ખુલ્યું નથી. એટલે કે સુરતમાં ભાજપ બાદ આમ આદમી પાર્ટી બીજા નંબરની પાર્ટી બની છે. આ ઘટના ગુજરાતના રાજકિય સમીકરણો બદલવાની શરુઆત ગણી શકાય. આ સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલી જીત બદલ સુરતવાસીઓનો આભાર માનતા પોસ્ટરો ઠેર ઠેર લગાવવાનું શરુ કરી દીધું હતું. સુરતમાં પાટીદારોના ગઢ ગણાતા વોર્ડમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય સફળતા મેળવી હતી.