(ANI Photo/Amit Sharma)
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદની કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)ને ૨૦૧૪થી ૨૦૨૨ દરમિયાન રૂ.૭.૦૨ કરોડનું વિદેશી ભંડોળ મળ્યું હતું. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ વિદેશી ફંડિંગના તપાસનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સોંપ્યો હતો.
તપાસ એજન્સીએ આમ આદમી પાર્ટી પર આ વિદેશી ફંડ મેળવવા માટે ભારતીય દંડ સંહિતા (આઈપીસી), લોકોનું પ્રતિનિધિત્વ અધિનિયમ (આરપીએ) અને ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ)નું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. EDએ તેના રિપોર્ટમાં આક્ષેપો કર્યા છે કે પાર્ટીએ આ ભંડોળ મેળવવા માટે વિદેશી દાતાઓની ઓળખ તથા રાષ્ટ્રીયતા તેમજ અન્ય ઘણા તથ્યો છુપાવ્યા છે.
ઇડીએ પાર્ટીના વિદેશી ફંડિંગની તપાસ કરતાં જણાવ્યું હતું કે પક્ષને યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત, ઓમાન અને બીજા કેટલાય દેશોમાંથી વિદેશી ફંડિંગ મળ્યું હતું. ફંડ ટ્રાન્સફર કરવા માટે લોકોએ એક જ પાસપોર્ટ નંબર, ક્રેડિટ કાર્ડ, ઇમેઇલ આઇડી અને મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો છે. આ દરમિયાન ઇડીએ પોતાની તપાસમાં આપ અને તેના નેતાઓ દ્વારા વિદેશી ભંડોળ મેળવવામાં ઘણી ગેરરીતિ કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
પાર્ટીએ જણાવ્યું હતું કે લિકર સ્કેમ અને સ્વાતિ માલીવાલ પ્રકરણ પછી ભાજપ અમારી સામે વધુ એક આરોપનામું લઈ આવ્યું છે. થોડા દિવસો પછી તે વધુ એક મામલો સામે લાવશે. વાસ્તવમાં ભાજપ પંજાબ અને દિલ્હીમાં બધી ૨૦ સીટ હારી રહ્યું છે.  મોદી સરકારથી લોકો બહુ નારાજ છે. ભાજપ હતાશામાં પગલાં ભરી રહ્યુ છે.

LEAVE A REPLY