અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ સુરતમાં કમાલ કર્યા બાદ ગાંધીનગરમાં ધારી સફળતા ના મળી. આ પછી આપમાં ભંગાણ સર્જાવાનું શરુ થયું છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત 70 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ રાજીનામું ધરી દીધું છે. ગુજરાતમાં આપ પોતાનો દબદબો બનાવવાની કોશિશ કરી રહ્યી છે ત્યાં પહેલીવાર આટલો મોટો ફટકો પડ્યો છે. આ ભંગાણ સર્જાવાનું કારણ સ્થાનિક હોદ્દેદારોની રજૂઆતો સામે પાર્ટી દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
જામનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ ભાવેશ સભાડીની આગેવાનીમાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ એકઠા થઈને પોતાનો વિરોધ નોંધાવીને પાર્ટીને રાજીનામું ધરી દીધું છે. ભાવેશ સભાડીયાની સાથે જામનગર જિલ્લાના આપના કિસાન સંગઠનના સુનિલ ચીખલીયા અને જિલ્લાના 6 તાલુકાઓના 70 જેટલા હોદ્દેદારોએ સામૂહિક રાજીનામું ધરી દઈને પોતાનો અસંતોષ પ્રગટ કર્યો છે. જો આગામી દિવસોમાં પણ સ્થિતિમાં સુધારો ના આવ્યો તો અન્ય સભ્યોએ પણ પાર્ટીને રાજીનામું ધરી દેવાની ચેતવણી આપી છે.
રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં વિપક્ષમાં બેસવાની તક મળ્યા બાદ કેજરીવાલ પણ સુરત પહોંચી ગયા હતા અને કાર્યકર્તાઓનો જુસ્સો વધાર્યો હતો. આ પછી ગાંધીનગરમાં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ધાર્યું પરિણામ લાવી શકી નહોતી. ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી ભાજપે 41 બેઠકો કબજે કરી હતી, જ્યારે કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી હતી