ઇસ્ટર્ન યુરોપિયન દેશ જ્યોર્જિયામાં આવતા મહિને યોજાનારી પ્રતિષ્ઠિત યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડમાં ભાગ લેનારી યુકેની ટીમમાં પસંદગી પામનાર સાઉથ લંડનના ડલીચની એલેન્સ સ્કૂલની 13 વર્ષીય વિદ્યાર્થીની આન્યા ગોયલ સૌથી નાની વયની સ્પર્ધર્ક બની છે.
ગત વર્ષે લૉકડાઉનના સમયનો ઉપયોગ તેણે પોતાની ગાણિતિક સમસ્યાનો ઉકેલ લાવવામાં વાપર્યો હતો. તેના ગણિતના કોચ અને ભૂતપૂર્વ મેથ ઓલિમ્પિયન પિતા અમિત ગોયલની મદદથી, તેણે ઇજીએમઓ માટે બ્રિટિશ ટીમની પસંદગી માટે યુકે મેથેમેટિક્સ ટ્રસ્ટ (યુકેએમટી) દ્વારા આયોજિત શ્રેણીબદ્ધ પરીક્ષાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
આન્યાએ કહ્યું હતું કે “ઑલિમ્પિયાડની સમસ્યાઓ સર્જનાત્મક હોય છે અને કેટલીકવાર સમસ્યા હલ કરવામાં ઘણા દિવસનો સમય લાગી શકે છે, પરંતુ તેને સરળતાથી છોડ્યા વગર નવા વિચારો સાથે તેને ઉકેલવાની હોય છે.
યુકેમાં 600,000થી વધુ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દર વર્ષે યુકેએમટીના ટેસ્ટમાં ભાગ લે છે અને દર વર્ષે નવેમ્બરમાં ફક્ત ટોચનાં 1000 વિદ્યાર્થીઓ બ્રિટીશ મેથેમેટિકલ ઓલિમ્પિયાડમાં આમંત્રિત થાય છે. તેમાંથી, ટોચના 100 જણાને જાન્યુઆરીમાં બ્રિટિશ મેથેમેટિકલ ઓલિમ્પિયાડના રાઉન્ડ 2 માં આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ચાર પડકારજનક સમસ્યાઓનો સમાવેશ કરતો સાડા ત્રણ કલાકનો ટેસ્ટ હોય છે.
ડિસ્ટિક્શન મેળવનારી આન્યા ઇજીએમઓ માટે યુકેની ટીમમાં પસંદગી પામનારી ટોચની ચાર છોકરીઓમાં સ્થાન મેળવ્યું હતું અને અત્યાર સુધની તે સૌથી ઓછી ઉંમરની છોકરી બની છે. જેનો હાલનો રેકોર્ડ હજી સુધી 15 વર્ષનો છે. તેણે સ્કૂલની શરૂઆત અને પ્રાયમરી કરતાં પહેલાં તેણે ઘણા બધા કોયડાઓ, ક્રોસવર્ડ્સ, સુડોકુ વેરિઅન્ટ્સ અને કકુરો કર્યા હતાં. સેકન્ડરી સ્કૂલમાં તેણે કોડબ્રેકિંગ, સાયફર ચેલેન્જ્સ, ચેસ અને લિંગ્વીસ્ટીક્સ કર્યું હતું.
આન્યાનું સંપૂર્ણ ધ્યાન વિશિષ્ટ ગણિતની સમસ્યાનું નિરાકરણ કરવા પર છે અને તેણી ગણિત એક અઘરો વિષય હોવાના મતને દૂર કરવા અન્ય લોકોને પ્રેરણા આપવાની આશા ધરાવે છે. તે યુનિવર્સિટીમાં ગણિતનો અભ્યાસ કરવા માંગે છે અને તેની કારકીર્દિની પસંદગીમાં કાયદો અને રાજકારણ શામેલ છે.