(PTI Photo)

ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ડેબ્યુ ફિલ્મ ‘મહારાજ’ની ઓટીટી  રિલીઝ સામે 18 જૂન સુધીનો સ્ટે ઓર્ડર આપ્યો હતો. પુષ્ટિમાર્ગ સંપ્રદાયના વલ્લભાચાર્યના અનુયાયીઓએ દાખલ કરેલી અરજીના પગલે સ્ટે ઓર્ડર અપાયો હતો. અરજીમાં આક્ષેપ કરાયો હતો કે દેખીતી રીતે 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત આ ફિલ્મ જાહેર વ્યવસ્થાને અસર કરે તેવી શક્યતા છે અને સંપ્રદાયના અનુયાયીઓ અને હિંદુ ધર્મ સામે હિંસા ભડકાવી શકે છે.

સિદ્ધાર્થ પી મલ્હોત્રા દ્વારા નિર્દેશિત અને આદિત્ય ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ 14 જૂને ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની હતી. નિર્માતાઓએ આગામી રિલીઝ વિન્ડો માટે 18 જૂન સુધી રાહ જોવી પડશે. આ ફિલ્મ ગુરુવારે મીડિયા સમક્ષ પ્રદર્શિત કરાઈ હતી.

ફિલ્મ ‘મહારાજ’ લીબેલ કેસ 1862 પર ફિલ્મ આધારિત છે, જેમાં વૈષ્ણવ સંપ્રદાયનાં વિવાદીત ચિત્રણનો આરોપ લાગ્યો છે. ફિલ્મ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી હોવાનો દાવો છે. વૈષ્ણવ સંપ્રદાયે અગાઉ પણ રજૂઆત કરી હતી, પરતું એક્શન ન લેવાયા હોવાનો દાવો કરાયો છે.

અરજી અનુસાર 1862નો મહારાજ બદનક્ષીનો કેસ, “એક અગ્રણી વ્યક્તિ દ્વારા થતી ગેરવર્તણૂકના આરોપો” ના આધારે શરુ થયો હતો અને જેનો નિર્ણય બોમ્બેની સુપ્રીમ કોર્ટના અંગ્રેજ ન્યાયાધીશો દ્વારા લેવામાં આવ્યો હતો. જેમાં હિંદુ ધર્મની નિંદા કરવામાં આવી હતી અને ભગવાન કૃષ્ણ તેમજ ભક્તિ ગીતો અને સ્તોત્રો વિરુદ્ધ ગંભીર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જો આવી ફિલ્મને રિલીઝ કરવાની પરવાનગી આપવામાં આવે તો તેમની ધાર્મિક લાગણીઓને ગંભીર ઠેસ પહોંચે અને ભરપાઈ ન થઇ શકે તેવું નુકસાન થશે.

Netflix દ્વારા ગયા મહિને જાહેર કરાયેલા અખબારી યાદી મુજબ, ‘મહારાજ’ ફિલ્મ પત્રકાર અને સમાજ સુધારક કરસનદાસ મુળજીના ન્યાય માટેના સાહસિક સંઘર્ષ વાર્તા છે, કરસનદાસ મહિલા અધિકારો અને સામાજિક સુધારણા માટે અગ્રણી હિમાયતી હતા.

LEAVE A REPLY