બોલીવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાનની દરેક ફિલ્મ બ્લોકબસ્ટર જ હોય તેવી છાપ હવે ભૂંસાઈ રહી છે. આમિરને અત્યારે એક હિટ ફિલ્મની જરૂરિયાત છે. નવા પ્રોજેક્ટની શરૂઆત કરતાં પહેલાં આમિરે મનની આંતરિક શક્તિને જાગૃત કરવા તાલીમ લેવાનું શરૂ કર્યું છે, જેના માટે તેઓ નેપાળના વિપશ્યના કેન્દ્રમાં પહોંચ્યા છે. 2018ના વર્ષમાં રિલીઝ થયેલી આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દોસ્તાં બોક્સ ઓફિસ પર સુપર ફ્લોપ ગઇ હતી.
આમિર ખાને આ નિષ્ફળતાને પચાવવા માટે એક્ટિંગમાંથી લાંબો બ્રેક લીધો. ત્યારબાદ 2022ના વર્ષમાં આવેલી લાલસિંહ ચઢ્ઢા પણ ખાસ ચાલી ન હતી. આમ, સતત બે ફ્લોપ ફિલ્મોએ આમિર ખાનની ચિંતા વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આમિર ખાન ફરી એક વખત બ્રેક પર છે. તેઓ પોતાનું રૂટિન કામ છોડીને નેપાળ ખાતે 10 દિવસના મેડિટેશન પ્રોગ્રામ માટે પહોંચ્યા છે. નેપાળના બુંધાનિલકંઠ ખાતે વિપશ્યના કેન્દ્રમાં રહે છે.
આમિર ખાન સાથે અન્ય કોણ છે તે હજુ જાહેર થયું નથી. આમિર ખાને હાલ એક્ટિંગમાંથી બ્રેક લીધો છે અને તેઓ સ્પેનિશ ફિલ્મની રીમેક ચેમ્પિયન બનાવી રહ્યા છે. આમિર ખાન ગજનીની સીક્વલ પર કામ કરવા તૈયાર હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. જેના માટે તેમણે હૈદરાબાદમાં અલ્લુ અર્જુનના પિતા અને રાઈટર અલ્લુ અરવિંદ સાથે અનેક મીટિંગ કરી હોવાનું પણ કહેવાય છે.
જુનિયર એનટીઆર સાથે એક ફિલ્મ પણ પાઈપલાઈનમાં છે. આમ, આમિર ખાન પાસે હાલ પ્રોજેક્ટ્સ ઓછા નથી, પરંતુ અગાઉની બે ફિલ્મો જેવી તેની હાલત ન થાય તે માટે આમિર ખાને આંતરિક શક્તિને જગાડવા પ્રયાસ હાથ ધર્યા છે. નવા ઉત્સાહ સાથે ફરીથી શૂટિંગ શરૂ થઈ શકે તે માટે આમિરે અત્યારે મેડિટેશનનો સહારો લીધો છે. અગાઉ હોલિવૂડના સ્ટાર્સ પણ મેડિટેશનની મદદ લઈ ચૂક્યા છે.