બોલીવૂડમાં આમિરખાનની ગણના એક જવાબદાર અભિનેતા તરીકે થાય છે. ચાર વર્ષ પછી તેની ફિલ્મ લાલસિંહ ચઢ્ઢા સિનેમાહોલમાં દર્શાવવામાં આવી હતી. પરંતુ કરિના કપૂર સાથેની તેની આ ફિલ્મ ઘણી ખરાબ રીતે નિષ્ફળ ગઇ છે. કોઇ વિચારી પણ ન શકે કે આમિરખાનની ફિલ્મ સાથે પણ આવું થઇ શકે. હવે એવું કહેવાય છે કે, ફિલ્મની નિષ્ફળતાની જવાબદારી ખુદ આમિરખાને લીધી છે. આ ફિલ્મના નિર્માતાઓને વધુ આર્થિક નુકસાન ન જાય તે માટે તેણે આ ફિલ્મની ફી લેવાની પણ ના કહી છે. સૂત્રો કહે છે કે, જો આમિરખાન પોતાની ફી લે તો વાયાકોમ 18 સ્ટુડિયોનેે અંદાજે રૂ. 100 કરોડાનું નુકસાન થશે. તેવામાં આમીર આગળ આવ્યો છે અને જાતે જ આ નુકસાનને સહન કરવાનો નિર્ણય લીધો છે..
કદાચ આમિરની આ પ્રથમ ફિલ્મ હશે જે ખરાબ રીતે ફ્લોપ ગઇ હોય. 180 કરોડના બજેટમાં બનેલી ફિલ્મે શરૂઆતના 20 દિવસમાં માત્ર 60 કરોડનું નિરાશાજનક કલેક્શન કર્યું હતું. લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટે રીલિઝ થઈ હતી, પરંતુ ફિલ્મના રીલિઝ થયા અગાઉ જ સોશિયલ મીડિયા પર બોયકોટ લાલસિંહ ચઢ્ઢા ટ્રેન્ડ થતા ફિલ્મને બહુ સ્વીકારી નહોતી. આમિર અને કરીના કપૂરના દેશ અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનોના કારણે લોકો નારાજ હતા અને ફિલ્મને બોયકોટ કરવાની માંગણી ઉઠી હતી, જે માગણી મોટેભાગે સફળ થઇ હતી.