ગુજરાતની બે દિવસની મુલાકાતે ગયેલા આમઆદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, તેમની પાર્ટીને વિધાનસભાની ચૂંટણીમાં સુરતમાં 12માંથી સાત બેઠકો મળશે. દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે શુક્રવારે દ્વારકાથી રાજકોટ પહોંચ્યા હતા અને શનિવારે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સમાં આ દાવો કર્યો હતો. તેમણે તેમની પાર્ટીના કાર્યકરો પર ભાજપ દ્વારા હુમલા થતાં હોવાના આરોપો પણ મુક્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, જો લોકો એમ કહેશે કે અમે આમઆદમી પાર્ટીને મત આપીશું તો તેમના પર ભાજપ હુમલો કરાવશે. ગુજરાતમાં તેઓ અમારા પર મોટા હુમલા કરાવશે. પરંતુ અમે સંયમ રાખીશું. મીડિયાને પણ તેઓ ડરાવે છે. સુરતમાં પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલાને પણ તેમણે વખોડ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યારથી મનોજ સોરઠિયા પર હુમલો થયો છે ત્યારથી સુરતના લોકો ભાજપથી નારાજ છે. અમે ત્યાં સર્વે કરાવ્યો છે, જેમાં 12માંથી સાત બેઠક પર આમઆદમી પાર્ટી જીતશે.