પાન કાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાઓના કાર્ડ આધાર સાથે લિંક કરાયા પછી હવે આધાર કાર્ડને મતદાર યાદી સાથે લિંક કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે સરકાર નજીકના સમયમાં આધાર કાર્ડને મતદાર યાદી સાથે જોડવા માટે નિયમ લાવી શકે છે. મતદારો માટે આધારની માહિતી શૅર કરવી સ્વૈચ્છિક હશે, પરંતુ એવું ન કરનારાઓએ તેના માટે કારણ જણાવવું પડશે.
સરકાર આધાર કાર્ડને મતદાર યાદી સાથે જોડવાના નિયમનું નોટિફિકેશન ક્યારે લાવશે તે અંગે સવાલ કરતા ચંદ્રાએ કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં આ નિયમ લાવી શકે છે, કારણ કે અમે આ સંબંધમાં પહેલા જ દરખાસ્તનો મુસદ્દો મોકલી દીધો છે. અમે ફેરફારની જરૂર હોય તેવા ફોર્મ પણ મોકલી દીધા છે અને તે કાયદા મંત્રાલય પાસે છે. અમે આપણી આઈટી સિસ્ટમ પણ મજબૂત કરી લીધી છે.
ચંદ્રાનું માનવું છે કે આધાર કાર્ડ અને મતદાર યાદીને લિંક કરવાથી મતદાર યાદીમાં રહેલી ખામીઓ દૂર કરવામાં મદદ મળશે. તેનાથી ચૂંટણી પંચ તેની સંચાર વ્યવસ્થા મારફત મતદારોને વધુ સેવાઓ પૂરી પાડે એ પણ સુનિશ્ચિત થઈ શકશે. પોતાના કાર્યકાળના સૌથી મોટા પડકાર અંગે ચંદ્રાએ કહ્યું કે, કોરોના કાળમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી કરાવવી સૌથી મોટો પડકાર હતો. પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ નજીક હતી તેવા સમયે જ અચાનક કોરોનાના કેસ વધવા લાગ્યા હતા. તેથી અમારે અચાનક મતદાન પ્રક્રિયા અને ચૂંટણી તંત્ર સુરક્ષિત બનાવવાની તૈયારી કરવી પડી હતી.