સદગુરુ સાથે સંવાદ
સદગુરુ – તમારી જાતને જ પ્રશ્ન કરો કે વિતેલા વર્ષમાં મેં કેટલા પૂર્ણ ચંદ્ર નિહાળ્યા? કેટલા સૂર્યોદયનો મેં આનંદ માણ્યો? પુષ્પ ખીલતા નિહાળવા હું કેટલી વખત રોકાયો? મેં ઉડતા પતંગિયાની રમણીય પળો કેટલી વખત માણી કે પછી હું મારી જાત ઉપર કેટલી વખત હસ્યો?
આવી અનેક પળો જિંદગીના મહામૂલા ખજાનારૂપ છે. આપણા જીવનના રોજેરોજની સમીક્ષા માટે આ જ સાચું પગલું છે. રોજે રોજનો અર્થ વોટ્સએપ સંદેશા, ઓફિસથી ઘર અને ઘરથી ઓફિસ નહીં પરંતુ સૂર્યોદયથી સૂર્યાસ્ત અને ચંદ્રોદયથી ચંદ્રાસ્ત છે. આપણી ધરાના પરિભ્રમણ, ચંદ્રની ગતિ અને સૂર્યનો ઝળહળાટ એટલે રોજ-બ-રોજની જિંદગી જો તમે આ જાણતા હો તો તમે તમારા પોતાનામાં અને તમારી આસપાસના અસ્તિત્વમાં તમે જીવંત છો. આનો અર્થ જ તમે તમારા પોતાના જ માનસિક ઉતાર-ચઢાવના નાટકીય રંગથી પૂર્ણતયા રંગાયેલા નથી.
હું તમને રોજ સવાર, સાંજ બેસીને સૂર્યોદય – સૂર્યાસ્ત જોવાનું નથી કહેતો, તમે તમારી આસપાસના અસ્તિત્વમાં જીવંત છો કે પછી તમને વોટ્સએપ ઉપર પાઠવાયેલા શ્રેષ્ઠ સૂર્યાસ્તને જોવા માત્ર સુધી તમે મર્યાદિત છો કે કેમ તે પ્રશ્ન છે.
કોઇ પણ વેપાર ધંધામાં હિસાબો રાખવા મહત્વના છે. લોકો એમ માને છે કે આવકવેરા ખાતાને બતાવવા હિસાબોની જાળવણી જરૂરી છે પરંતુ હકીકત તે છે કે જે લોકો હિસાબો રાખતા નથી તે લોકો નફો થાય છે કે નુકશાન તે જાણી શકતા નથી. તમે લોકો તમારા હિસાબો રાખવા સીએ અને કરવેરા નિષ્ણાતોને કામે રાખો છો પરંતુ જિંદગીના હિસાબોનું શું? જિંદગીના હિસાબો ચકાસવાનો આ જ સારો દિવસ છે. આજના દિવસમાં તમે હર્ષોલ્સાસભર્યા આનંદિત તથા ડહાપણ સાથે પ્રેમાળ બન્યા છો? આ વર્ષમાં તમારા મિત્રો વધ્યા કે તમારા દુશ્મનો વધ્યા?
હેપીન્યૂ યર કે સુખરૂપ નૂતન વર્ષ માટે ત્રણ ટિપ્સ
સૌથી પહેલાં તો નવા વર્ષના સંકલ્પો રાખવાની આદત છોડો. કોઇ પણ સંકલ્પનો અર્થ જ તમે તમારા ઉપર કશુંક લાદો છો. કાલ ઉઠીને સરકાર એવો ઠરાવ કે સંકલ્પ લાદે કે તમે તમારી જાતને આંબલીના ઝાડની ડાળીએ ઊંધી લટકાવો તો શું તમે તેનો વિરોધ નહીં કરો? તમે કોઇ પણ સંકલ્પ કે પ્રતિરોધ લઇને કાંઇક કરવા જાઓ તો શું સરકારના ઠરાવથી તે અલગ છે?
તમે તમારી જાતે સ્વજાગૃતિથી કાંઇક કરવાના બદલે બંધન કે નિયંત્રણોથી કાંઇક કરશો તો તેનાથી શું મદદ મળશે? તમારી જાત ઉપર કાંઇક લાદવાના બદલે વધુ સારી જિંદગી જીવવા ડહાપણભેર જાતે જ પરિપક્વ બનવા લાગો.
આગામી નૂતન વર્ષે આવશ્યકપણે એક કામ કરીને પૂનમની રાત્રે કોઇ શાંત રમણીય સ્થળે જઇ પૂર્ણકળાએ ખીલેલા ચંદ્રનું શીતળ સૌંદર્ય માણો. ભારતમાં ઘણા લોકો પૂનમની રાત્રે ટેકરીઓ ઉપરના મંદિરે જઇ મધ્યરાત્રિ સુધી ચંદ્રદર્શન માણતા હોય છે. આમ કરવા પાછળનો આશય તેટલો જ હોય છે કે, તમારી આસપાસનું જગત કેટલું વિશાળ – વ્યાપક રમણીય છે અને કર્તાહર્તાએ આપણને જે આપ્યું છે તેની સરખામણીમાં આપણે આપણી જાતને માનીએ છે તેના કરતાં ઘણાં સૂક્ષ્મ, પામર જીવ આપણે છીએ. નિરંતર અખિલ બ્રહ્માંડમાં આપણે આપણી જાત માટે કેવી કેવી મોટી ધારણા બાંધીને બેઠા છીએ તેનું આત્મમંથન કરવું રહ્યું.
આગામી નૂતન વર્ષે તમે કેટલા આનંદિત છો અને અન્યોને કેટલો આનંદ આપી શકશો તે જોવાનું નક્કી કરો. આ જગતમાં એવો કોઇ માણસ નથી જેને આનંદમાં ના રહેવું હોય કે આનંદ કોને કહેવાય તે જાણતો ના હોય. કેવી રીતે આનંદમાં રહેવું તે બધા જાણતા હોય છે અને બધાને આનંદ રહેવું પણ છે, પરંતુ સૌથી મોટો ‘પરંતુ’ વચ્ચે આવે છે, તમારે આ ‘બટ’ને ધક્કો મારવાની જરૂર છે.
નવા વર્ષમાં સમયને જાણવા જ્યારે પણ તમે તમારી ઘડિયાળ તરફ નજર નાંખો ત્યારે તમારી જાતને સ્મિત આપો કારણ કે તમે જે ટીકટીક સાંભળો છો તે તમારી ઘડિયાળ નહીં પરંતુ તમારી જિંદગીની વિતતી પળોની ટીકટીક છે. તમે જ્યારે પણ ઘડિયાળ તરફ નજર માંડો ત્યારે એક વાત ધ્યાનમાં લો કે છેલ્લા 10,000 વર્ષોમાં, છેલ્લા વર્ષમાં, કે એક દિવસમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા અને છતાં તમે હજુ જીવતા છો. આ જ કારણે તમે એક સ્મિતને પાત્ર છો. એટલે જ જ્યારે સમયની ચકાસણી કરો ત્યારે તમારી જાતને સ્મિત આપો.