એશિયામાં આજે સુપર ફોરમાં ભારતનો મુકાબલો શ્રીલંકા સામે થશે. આ ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે ભારતે આ મેચમાં જીત મેળવવી જરૂરી છે.શ્રીલંકા સામે ભારતીય ટીમ વધુ ફેવરિટ છે અને ભારત યોગ્ય પ્લેઈંગ ઈલેવન ઉતારે છે તો તે એશિયા કપમાં પોતાના અભિયાનને ચાલુ રાખી શકશે. ભારતે ફાઈનલમાં પહોંચવા માટે આગામી બન્ને મુકાબલા જીતવા જરૂરી બની રહેશે. ભારતીય ટીમનો જો શ્રીલંકા સામે પરાજય થશે તો તે ફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે જેથી રોહિત શર્માની ટીમ ઈન્ડિયાએ વધુ સતર્ક રહેવું પડશે. ભારત અને શ્રીલંકા વચ્ચે સાંજે 7.30થી મુકાબલાનો પ્રારંભ થશે.
રવિવારે ભારત તેના કટ્ટર હરિફ પાકિસ્તાન સામે સુપર ફોરની પ્રથમ મેચમાં પાંચ બોલર્સ સાથે ઉતર્યું હતું પરંતુ તેમાં સફળતા મળી નહતી અને ભારતનો પાકિસ્તાન સામે પાંચ વિકેટે પરાજય થયો હતો. ભારતના ટોચના અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ અને હાર્દિક પંડ્યા આકર્ષક દેખાવ કરી શક્યા નહતા. ભારત તરફથી પ્રથમ ગ્રુપ મેચમાં રમતા હાર્દિક પંડ્યાએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું પરંતુ સુપર ફોરમાં પાકિસ્તાન સામે તે વધુ ખર્ચાળ પુરવાર થયો હતો.
રવિન્દ્ર જાડેજાને ઘૂંટણમાં ઈજા થતા તે એક જ મેચ રમ્યો હતો. તેના વિકલ્પ તરીકે સ્ટેન્ડ બાય ખેલાડી અક્ષર પટેલને શ્રીલંકા સામે અજમાવવામાં આવી શકે છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારત વર્લ્ડ કપ સુધી જુદા જુદા અખતરા કરી શકે છે.
રિશભ પંત અને દિનેશ કાર્તિકમાંથી કોને ઈલેવનમાં સમાવવો તેની વ્યાપક ચર્ચા વચ્ચે ગત મેચમાં મેનેજમેન્ટે દીપક હુડ્ડાને તક આપી હતી. દિનેશ કાર્તિકને વર્તમાન શ્રેણીની પ્રથમ બે મેચમાં ભાગ્યે જ બેટિંગ કરવાની તક પ્રાપ્ત થઈ છે. ભારતીય ટીમ માટે સારી બાબત એ રહી કે તેના ટોચના ત્રણ બેટ્સમેનો રોહિત, રાહુલ અને કોહલી શ્રેષ્ઠ ફોર્મમાં છે. ત્રણેય બેટ્સમેનોએ આક્રમક શરૂઆત કરી હતી. કોહલીએ પણ અડધી સદી ફટકારીને ટિકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો. શ્રીલંકા સામે પ્રથમ બોલથી જ ભારતીય ઓપનર્સ વિસ્ફોટક દેખાવ કરે તેવી અપેક્ષા છે.
બીજીતરફ શ્રીલંકાની ટીમનો એશિયા કપના પ્રારંભમાં કંગાળ દેખાવ રહ્યો હતો. પરંતુ અંતિમ બે મેચમાં બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન સામે રસાકસીના અંતે વિજય થયો હતો. શ્રીલંકાના બેટ્સમેનોએ પ્રભાવી બેટિંગ કરી હતી. બાંગ્લાદેશ સામેની ગત મેચમાં કેપ્ટન દાસુન શનાકા અને કુસલ મેન્ડિસ તથા અફઘાનિસ્તાન વિરુદ્ધ ધનુષ્કા ગુણતિલકા અને ભાનુકા રાજપક્ષે લયમાં જણાયા હતા. શ્રીલંકાની ટીમ ગમે તે પરિસ્થિતિમાં જીત પ્રાપ્ત કરી શકે છે તે જાણીને કોચ ક્રિસ સિલ્વરવુડે જરૂરથી રાહતનો શ્વાસ લીધો હશે. જો કે
બન્ને ટીમો
ભારતઃ રોહિત શર્મા (કેપ્ટન), કે એલ રાહુલ, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, રિશભ પંત (વિકી), દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંઘ, દિનેશ કાર્તિક(વિકી), આવેશ ખાન, અક્ષર પટેલ, રવિચન્દ્રન અશ્વિન
શ્રીલંકાઃ દાસુન શનાકા (કેપ્ટન), ધનુષ્કા ગુણતિલકા, પાથુમ નિસંકા, કુસલ મેન્ડિસ, ચરિથ અસાલન્કા, ભાનુકા રાજપક્ષે, આશેન બંદારા, ધનંજય ડી સિલ્વા, વાનિંદુ હસરંગા, મહેશ થિકસાના, દિલશાન મદુશંકા, મથીશા પથિરાના, નુવૈંદુ ફર્નાન્ડો, દિનેશ ચંડિમલ