કેટલાંક દેશો એશિયામાં શસ્ત્ર સ્પર્ધાને ભડકાવી રહ્યાં હોવાનો આક્ષેપ કરતાં ચીનના સંરક્ષણ પ્રધાન જનરલ લી શાંગફુએ રવિવારે ચેતવણી આપી હતી કે તેમના દેશ અને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે તો તે વિશ્વ માટે “અસહ્ય આપત્તિ” હશે.
સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગમાં સંબોધન કરતાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ વિશ્વ એટલું મોટું છે કે ચીન અને અમેરિકા એકસાથે પ્રગતિ કરી શકે છે અને બે મહાસત્તાઓએ એકસમાન ભૂમિકા તૈયાર કરવી જોઇએ.
અમેરિકા શીતયુદ્ધની માનસિકતા ધરાવતું હોવાનો આક્ષેપ કરીને જનરલ લીએ જણાવ્યું હતું કે તેનાથી સુરક્ષાના જોખમોમાં મોટો વધારો થયો છે. અમેરિકા અને સાથી દેશોના નૌકાદળના પેટ્રોલિંગને ચીન મંજૂરી આપશે નહીં. ચીને તેને નેવિગેશનમાં આધિપત્ય સ્થાપવાનું એક માધ્યમ માને છે.
અમેરિકાએ શનિવારે દાવો કર્યો હતો કે તાઇવાન સ્ટ્રેટમાંથી કેનેડાના જહાજો સાથે અમેરિકાના યુદ્ધજહાજો પસાર થઈ રહ્યાં હતા, ત્યારે ચીનના યુદ્ધજહાજોએ અસુરક્ષિત હિલચાલ કરી હતી. અમેરિકાના આ નિવેદન પછી ચીનના વિદેશ પ્રધાને આ નિવેદન આપ્યું છે. ચીને આ મુદ્દે અમેરિકા અને કેનેડા પર જાણજાણી જોઇને ઉશ્કેરણી કરવાનો આક્ષેપ કર્યો હતો. જોકે અમેરિકા અને કેનેડાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદા મંજૂરી આપે છે તેવા વિસ્તારમાંથી તેમના જહાજો પસાર થઈ રહ્યાં હતા.
આ ઘટના વિશે પૂછવામાં આવતા જનરલ લીએ માત્ર એટલું જ કહ્યું કે આ ક્ષેત્રની બહારના દેશો તણાવ વધારી રહ્યા છે. અમેરિકાએ 2018માં જનરલ લી પર પ્રતિબંધો મૂકેલા છે.