મોસ્કોના લાલ ચોક ખાતે વિજય દિવસ પરેડમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિને મંગળવારે જણાવ્યું હતું કે વિશ્વ ટર્નિંગ પોઈન્ટ પર છે અને રશિયા સામે યુદ્ધ છેડવામાં આવ્યું છે. આ યુદ્ધમાં વિજયનો હુંકાર કરતાં તેમણે જણાવ્યું હતું કે રશિયાનું ભવિષ્ય યુક્રેનમાં લડી રહેલા તેના સૈનિકો પર નિર્ભર છે. યુક્રેન યુદ્ધના 15 મહિના થયા છે ત્યારે આ વિક્ટરી ડે પરેડમાં રશિયાના સેંકડો સૈનિકોએ ભાગ લીધો હતો.
નાઝીઓ પર મોસ્કોની જીતની ઉજવણી કરવા દર વર્ષે યોજાતી આ પરેડમાં રશિયાએ પોતાનું શક્તિપ્રદર્શન કર્યું હતું. પરેડમાં પુતિને જણાવ્યું હતું કે આજે સંસ્કૃતિ ફરી એક નિર્ણાયક વળાંક પર છે. આપણી માતૃભૂમિ સામે યુદ્ધ છેડવામાં આવ્યું છે. તેમણે રશિયાને વિજયી બનવાની હાકલ કરી હતી. રશિયન નેતાએ યુક્રેન યુદ્ધને પોતાના અસ્તિત્વના સંઘર્ષ તરીકે રજૂ કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમી દેશોએ યુક્રેન સરકારને મદદ કરીને યુદ્ધને વધુ ભડકાવ્યું છે. યુક્રેન યુદ્ધમાં ભાગ લઈ રહેલા સૈનિકોને તેમણે જણાવ્યું હતું કે આખો દેશ તમારી સાથે છે. હવે તમારા લડાયક પ્રયત્નો કરતાં વધુ મહત્વનું કંઈ નથી. દેશની સુરક્ષા આજે તમારા પર નિર્ભર છે. આપણા દેશનું અને આપણા લોકોનું ભવિષ્ય તમારા હાથમાં છે.
પશ્ચિમ એલિટ વર્ગ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમનો આ એલિટ વર્ગ વિશ્વભરમાં સંધર્ષ અને બળવાના બીજ રોપે છે. તેમને ઇરાદા આપણા દેશના પતન અને વિનાશ કરવાના છે. મોસ્કો આ ઇરાદા પર વિજય મેળવશે. અમે આંતરરાષ્ટ્રીય આતંકવાદીને નકારી કાઢ્યો છે. અમે પૂર્વીય યુક્રેનના ડોનબાસના લોકોની સુરક્ષા કરીશું. અમે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરીશું. વિક્ટરી ડે પરેડ અગાઉ રશિયા પર થયેલા હુમલાના સંદર્ભમાં તેમણે આવ્યું કહ્યું હતું.