ધ ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ (INCB)ના જણાવ્યા મુજબ ભારતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ખૂબ મોટા જથ્થામાં નશીલા દ્રવ્યો પકડાયા છે. INCB યુનાઇટેડ નેશન્સનો નાર્કોટિક્સ સંબંધી બાબતો પર નજર રાખતો વિભાગ છે. INCBએ તાજેતરમાં 2022ના વાર્ષિક અહેવાલમાં નોંધ્યું હતું કે, ભારતે સિન્થેટિક ડ્રગ્સના ગેરકાયદે ઉત્પાદન પર નિયંત્રણ માટે કડક પગલાં લીધા છે. છેલ્લા પાંચ વર્ષમાં ત્યાં નોંધપાત્ર પ્રમાણમાં ડ્રગ્સ પકડાયું છે. આ રીપોર્ટમાં જણાવાયું હતું કે, 2017થી 2022 દરમિયાન હેરોઇનની જપ્તી 2017ના 2146 કિલોથી વધીને 2021માં 7282 કિલોથઈ હતી. આ સમાન સમયગાળામાં અફીણની જપ્તીમાં 70 ટકાનો ઉછાળો નોંધાયો હતો. 2017માં 2551 કિલો અફીણ પકડાયું હતું, જે 2021માં વધીને 4386 કિલો થયું હતું. આ સમય દરમિયાન ગાંજાની જપ્તીમાં પણ 90 ટકાથી વધુ ઉછાળો નોંધાયો હતો. 2017માં 3,52,539 કિલો ગાંજો ઝડપાયો હતો, જેનું પ્રમાણ 2021માં વધીને 6,75,631 કિગ્રા થયું હતું.

રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારતમાં પોર્ટના અધિકારીઓએ શિપિંગ કન્ટેનર્સમાંથી મોટાપાયે હેરોઇન પકડ્યું હતું. જેમાં સપ્ટેમ્બર 2021માં ગુજરાતમાંથી પકડાયેલા લગભગ ત્રણ ટન હેરોઇનનો સમાવેશ થાય છે. INCBના જણાવ્યા મુજબ આ ડેટા દર્શાવે છે કે, દક્ષિણના માર્ગે અરબી સમુદ્ર દ્વારા ડ્રગ્સની હેરાફેરીમાં મોટો વધારો નોંધાયો છે. એશિયામાં પકડાયેલાં કુલ કોકેઇન પૈકી ભારતમાં 2021માં 364 કિલો કોકેઇન જપ્ત કરાયું હતું. અગાઉના ત્રણ વર્ષમાં આવી જપ્તીનું પ્રમાણ સરેરાશ 40 કિલો હતું. 2021માં જપ્તીના વિક્રમ સ્તર માટે એક જ કન્ટેનરમાંથી પકડાયેલું ૩૦૦ કિગ્રા કોકેઇન સામેલ છે. પનામાથી મોકલાયેલું આ કન્ટેનર એન્ટવર્પ, બેલ્જિયમ અને કોલંબોના માર્ગે આવ્યું હતું.

LEAVE A REPLY