અમેરિકન પ્રમુખ જો બાઈડેન, ભારતના પીએમ નરેન્દ્ર મોદી સહિત દુનિયાભરના નેતાઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓએ રાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે રાણીની કર્તવ્ય નિષ્ઠા, બદલાતા સમય અને પરિસ્થિતિઓ સાથે બદલાવાની તેમની કુશળતા સાથે તેમના દયાભાવ અને સેન્સ ઓફ હ્યુમરને યાદ કર્યા હતા.
હજૂ મંગળવારે જ મહારાણી દ્વારા નિયુક્ત કરાયેલા વડા પ્રધાન લિઝ ટ્રસે અંજલિ આપતા જણાવ્યું હતું કે ‘’રાણી એક એવા ખડક છે જેના પર આધુનિક બ્રિટનનું નિર્માણ થયું હતું, જેમણે આપણને જરૂરી સ્થિરતા અને શક્તિ પ્રદાન કરી હતી”.
નવા રાજા વિશે તેણીએ કહ્યું હતું કે “અમે તેમને અમારી વફાદારી અને ભક્તિ પ્રદાન કરીએ છીએ, જે રીતે તેમના માતા આટલા લાંબા સમય સુધી, ઘણા બધાને સમર્પિત રહ્યાં હતાં. અને બીજા એલિઝાબેથન યુગના પસાર થવા સાથે, અમે મહારાણીની ઇચ્છા હતા તેમ ‘ગોડ સેવ ધ કિંગ’ શબ્દો બોલીને આપણા મહાન દેશના ભવ્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત કરીએ છીએ.”
ભૂતપૂર્વ વડા પ્રધાન જ્હોન મેજરે જણાવ્યું હતું કે “ભાવનાની અદ્ભુત ઉદારતા સાથે તેણી જાહેર ફરજોમાં નિઃસ્વાર્થ અને જ્ઞાની હતા. તેઓ એજ રીતે જીવ્યા હતા અને એજ રીતે નેતૃત્વ કર્યું હતું. સમગ્ર કોમનવેલ્થ અને વિશાળ વિશ્વમાં, લાખો લોકો માટે તેણીએ આપણા રાષ્ટ્રના હૃદય અને આત્માને મૂર્ત સ્વરૂપ આપ્યું હતું, અને વિશ્વભરમાં તેની પ્રશંસા અને આદર કરવામાં આવ્યો હતો.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ‘’મહારાણીને આપણા સમયના એક દિગ્ગજ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે પોતાના દેશને પ્રેરણાદાયી નેતૃત્વ પુરૂ પાડ્યુ હતુ. તેમનુ સાર્વજનિક જીવન પણ બહુ ગરિમાપૂર્ણ અને શાલીનતાભર્યુ રહ્યુ હતુ. મારી સંવેદના તેમના પરિવાર સાથે બ્રિટનના લોકો સાથે છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને રાણી એલિઝાબેથને ‘દયાળુ’ કહીને તેમને ફ્રાન્સના મિત્ર કહી જણાવ્યું હતું કે તેઓ પોતાના દેશને નવી ઊંચાઈઓ પર લઈ ગયા હતા.