ગુજરાત સરકારે પાંચ વર્ષના અંતરાલ પછી 19થી 21મે દરમિયાન નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ‘ચિંતન શિબિર’ની 10મી આવૃત્તિનું આયોજન કર્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલી આ શિબિરમાં આશરે 230થી વધુ વરિષ્ઠ અને જુનિયર સરકારી અધિકારીઓએ સરકારી કામગીરી અંગે મંથન કર્યું હતું. 19મેએ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચિંતિન શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું.
પ્રથમ ચિંતન શિબિરનું આયોજન 2003માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેવડિયા ખાતે કરવામાં આવ્યું હતું, જે તે સમયે સરદાર સરોવર ડેમ સાઇટ તરીકે જાણીતું હતું અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરીકે જાણીતું છે.
રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમારે જણાવ્યું હતું કે, “મુખ્ય વિચાર ‘ટીમ ગુજરાત’ બનાવવાનો હતો. આ શિબિરનો હેતુ અધિકારીઓ સામેના પડકારોનો ઉકેલ લાવવાનો અને સરકારની કામગીરીનું સુયોજન કરવાનો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે “આ વર્ષે આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, સરકારી અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારણા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતા નિર્માણ પર જૂથ ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ સત્રો માટે આ ક્ષેત્રોના નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા હતા.