જૂન 2023માં પૂરા થયેલા વર્ષમાં યુકે સરકારે જારી કરેલા કુલ વિઝિટર વિઝામાંથી ત્રીજા ભાગના એટલે કે આશરે 30 ટકા વિઝા ભારતીયોને મળ્યાં હતા. વિશ્વભરના પ્રવાસીઓ માટેના લોકપ્રિય સ્થળ ગણાતા યુકેએ જૂન 2023ના અંતે પૂરા થયેલા વર્ષમાં 18 લાખથી વધુ વિઝિટર વિઝા જારી કર્યાં હતા. આ સંખ્યા ગયા વર્ષની તુલનામાં લગભગ બમણી (96% વધુ) છે.
જૂન 2023ના અંતે પૂરા થયેલા વર્ષમાં ભારતીય નાગરિકોએ મંજૂર થયેલા વિઝિટર વિઝામાં સૌથી વધુ (30%) હિસ્સો મેળવ્યો હતો, ત્યારબાદ ચીનના નાગરિકોના 13%, નાઈજિરિયન નાગરિકોને 6% અને તુર્કીના નાગરિકોને 6% વિઝા મળ્યાં હતા.
આમ હાલમાં યુકેની વિઝા પોલિસીનો ભારતીયો સૌથી વધુ ફાયદો મેળવે છે. કોવિડ અગાઉ યુકેના વિઝા મેળવવામાં ભારતીયો છેક 16મા ક્રમે હતા. એપ્રિલ 2021થી માર્ચ 2022 દરમિયાન 1.06 લાખ યુકે વિઝા ઈશ્યૂ થયા હતા, એટલે કે આ સંખ્યામાં 328 ટકાનો વધારો થયો હતો.
યુકેના વિઝાની માગમાં એટલો બધો વધારો થયો છે કે વિઝાનું કામ સંભાળતી કંપની VFS ગ્લોબલે જણાવ્યું કે ભારતના કેટલાક શહેરોમાં માત્ર યુકેના વિઝા માટે તેમણે ટેમ્પરરી સેન્ટર શરૂ કરવામાં આવશે. આ સેન્ટર પ્રયાગરાજ, ભુવનેશ્વર, કાલિકટ, દહેરાદૂન, ઈન્દોર અને થાણેમાં શરૂ કરવામાં આવશે.
VFS ગ્લોબલના COO (સાઉથ એશિયા) પ્રભુદ્ધ સેને જણાવ્યું કે, UKના વિઝાની વધતી ડિમાન્ડના કારણે અમે નાના શહેરોમાં પણ યુકે માટે વિઝા સેન્ટર ખોલવા જઈ રહ્યા છીએ. આ સેન્ટર થાણે, પ્રયાગરાજ, ભુવનેશ્વર, કાલિકટ, દહેરાદૂન વગેરે શહેરોમાં ખુલશે. અત્યારે માત્ર મોટા શહેરોમાં UKના વિઝા માટે સેન્ટર છે, પરંતુ હવે વધારે સેન્ટર ખુલવાના કારણે લોકોનો ઘણો સમય બચી જશે.
બે મહિના અગાઉ ઓક્ટોબરમાં યુકેની વિઝા ફી વધારવામાં આવી હતી. યુકેના વિઝા માટે અગાઉ વધારે સમય લાગતો હતો, પરંતુ હવે હાઈ કમિશ્નરના પ્રયાસોના કારણે માત્ર 15 દિવસની અંદર વિઝા પ્રોસેસ થઈ જાય છે.
કોવિડ પછી ચીનને ઓપન થવામાં વાર લાગી હતી જ્યારે બીજા દેશો ઓપન થઈ ગયા હતા. તેથી ભારતીયોએ કોવિડ બાદ ઘણો વિદેશપ્રવાસ કર્યો છે. UKમાં સ્ટડી, વર્ક અને વિઝિટર વિઝા મેળવવામાં પણ ભારતીયો સૌથી આગળ છે. VFS ગ્લોબલને યુકે વિઝા અને સિટિઝનશિપ સર્વિસનો એક નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેના કારણે ભારતમાં વધુ શહેરોમાં યુકે વિઝાના સેન્ટર ખુલવાના છે.