ન્યૂ જર્સીમાં મનરો સ્થિત ઓમ શ્રી સાઈ બાલાજી મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રે 14 મે, 2023ના રોજ 25 ફૂટના હનુમાનજીની મૂર્તિ સાથે મંદિરનો અદભુત ભૂમિપૂજન (શિલાયાત્રા) સમારંભ યોજ્યો હતો. મંદિરે જણાવ્યું હતું કે સમુદાયની એકતા અને ભક્તિના પ્રતિક રૂપ આ કાર્યક્રમમાં ભક્તો, સમુદાયના સભ્યો અને મહેમાનોએ વિશાળ પાયે હાજરી આપી હતી.
ઉપસ્થિત લોકોમાં ન્યૂયોર્કના ભારતના કોન્સલ જનરલ રણધીર જયસ્વાલ પણ હતા. 11.2 એકરની જગ્યામાં બનનારા આ ધાર્મિક સ્થળમાં એક હિંદુ મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર હશે, તેનો ઉદ્દેશ્ય સમુદાયની આધ્યાત્મિક જરૂરિયાતો પૂરી કરવાનો અને દૈવી વાતાવરણ કેળવવાનો છે છે, એમ મંદિરે તેની અખબારી યાદીમાં જણાવ્યું હતું. સમુહિકા પરિવાર દેવથા સમુહમના સમાવેશ સાથે મંદિર વિવિધ દેવતાઓના ભક્તો માટે વ્યાપક આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરશે, એમ તે ઉમેરે છે.
શ્રી સાંઈ બાલાજી મંદિર અનુસાર આ મંદિર યુ.એસ.એ.ના પ્રથમ ગ્રેનાઈટ હિંદુ મંદિરોમાંનું એક હશે જે અનેક પેઢીઓ સુધી ટકી રહી શકે તે રીતે તેનું નિર્માણ કરાશે. 65,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા બિલ્ટ-અપ એરિયામાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શિક્ષણ માટે સ્માર્ટ ક્લાસરૂમ સહિત આધુનિક સુવિધાઓથી સજ્જ 20,000+ ચોરસ ફૂટનું સાંસ્કૃતિક/સામુદાયિક કેન્દ્ર હશે.
આ પ્રોજેક્ટ બહુવિધ તબક્કામાં ચલાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલા પ્રથમ તબક્કામાં સાંઈ જ્ઞાન મંદિર, એક પ્રાર્થના હોલ, વિશાળ વર્ગખંડો અને સંપૂર્ણ રીતે કાર્યરત વ્યાવસાયિક રસોડું છે. આ તબક્કાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. પ્રોજેક્ટનો તબક્કો 2Aમાં કાચના આવરણમાં 25 ફૂટના હનુમાનની પ્રભાવશાળી મૂર્તિ હશે. આયોજકોએ જણાવ્યું હતું કે, “આ પ્રતિષ્ઠિત મૂર્તિ ભક્તિના કેન્દ્રસ્થાને અને શક્તિ, હિંમત અને ભગવાન હનુમાનજીની ભક્તિના પ્રતીક તરીકે સેવા આપશે.”
પ્રોજેક્ટના 2B તબક્કામાં ગર્ભ ગુડી (ગર્ભગૃહ), એક સાંસ્કૃતિક કેન્દ્ર/કલ્યાણ મંડપમ (લગ્ન હોલ), અને એક કાફેટેરિયાનું બાંધકામ સામેલ હશે. “આ ઉમેરો મંદિરની સગવડોમાં વધારો કરશે અને સાંસ્કૃતિક ઉજવણીઓ, આધ્યાત્મિક મેળાવડાઓ અને સામુદાયિક કાર્યક્રમો માટે જગ્યા સુલભ કરાવશે,” એમ અખબારી યાદીમાં જણાવાયું છે.
10,000 થી વધુ દાતાઓ અને ભક્તો પ્રોજેક્ટમાં યોગદાન આપવા માટે આગળ આવ્યા હોવાનું મંદિરે જણાવ્યું હતું. ઓમ શ્રી સાંઈ બાલાજી મંદિરના અધ્યક્ષ સૂર્યનારાયણ મડદુલાએ આ કાર્યક્રમની સફળતામાં યોગદાન આપનારા 2000 થી વધુ ભક્તોનો આભાર માન્યો હતો. તેમણે મંદિર અને તેના ભક્તોની સેવા કરવા માટે તેમની જીવનભર પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો.