- શૈલેશ સોલંકી
સનાતન ધર્મનો ધ્વજ લહેરાવતું સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં બનેલા પહેલા હિંદુ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન આગામી તા. 14ના રોજ થઇ રહ્યું છે ત્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમાં હાજરી આપનાર છે. અંદાજે 700 કરોડ રૂપિયાના ખર્ચે 70 હજાર સ્કવેરફૂટમાં પથરાયેલું ભવ્ય મંદિર UAE જ નહીં પણ પશ્ચિમ એશિયામાં સૌથી પ્રથમ મંદિર છે. 1 હજાર વર્ષ સુધી અડીખમ ઉભુ રહી શકે તેવી રીતે BAPS દ્વારા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. આ ભવ્ય ઈમારતને તૈયાર કરવા માટે મોટી સંખ્યામાં કલાકારો, મજૂરો અને એન્જિનિયરોએ સાથે મળીને કામ કર્યું છે.
આ મંદિરનો પ્રોજેક્ટ સંભાળનાર પ. પૂ. બ્રહ્મવિહારી સ્વામી સાથે અમારા એક્ઝીક્યુટિવ એડિટર શ્રી શૈલેષ સોલંકીએ લીધેલ એક્સક્લુસિવ મુલાકાત અત્રે પ્રસ્તુત છે.
પ્રશ્ન: આપનો BAPS સાથે ખૂબ લાંબો અને ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. 1970માં પરમ પૂજ્ય યોગીજી મહારાજ યુકે આવ્યા ત્યારે મારા પિતા રમણિકલાલે એક વિશેષાંક તૈયાર કર્યો હતો. શું આપ યોગીજી મહારાજ સાથેના તમારા સંસ્મરણો વિશે થોડું કહી શકશો?
જવાબ: હું બાળપણમાં યોગીજી મહારાજને મળી શકું એટલો નસીબદાર નહોતો પણ મેં બાળપણમાં યોગીજી મહારાજ વિશે ઘણી વાતો સાંભળી હતી. મારા પરોક્ષ અનુભવ મુજબ તો તેઓ ક્યારેય કલ્પના કરી ન શકો એવા સૌથી નિર્દોષ સાધુ અથવા આધ્યાત્મિક વ્યક્તિ હતા. તેમણે કદી કોઇના માટે ભેદ રાખ્યો ન હતો. તેઓ હંમેશા ભગવાનની પૂજા અથવા ધ્યાનમાં રોકાયેલા રહેતા મહાન આધ્યાત્મિક નેતા હતા.એકવાર અમદાવાદમાં, અમારે ખૂબ જ વરિષ્ઠ – કાયદા સાથે સંકળયાલી વ્યક્તિને મળવાનું હતું. સાથે આવેલા અમારા એડવોકેટ શ્રી ઉપેન્દ્ર ભટ્ટને મેં પૂછ્યું કે આ તે જ વ્યક્તિ છે ને જેની આપણે મુલાકાત લેવા જઈએ છીએ. અમારી રિક્ષા કોઈકના ઘર આગળ જઇને ઉભી રહી. ઘરના આગળ લખેલ નેમપ્લેટ પરનું નામ એજ હતું, જેમને અમે મળવા માંગતા હતા, તેમનું જ હતું. અમને ભાવસભર આદર-સત્કાર મળ્યો, અમે ખૂબ જ શાંતિથી બેઠા. પણ મને લાગ્યું હતું કે અમે જેમને મળવા માંગીએ છીએ તે વ્યક્તિ આ નથી. તેથી ક્ષોભ સાથે મેં અમારા સ્વયંસેવકને કહ્યું કે, મને લાગે છે કે આપણે ખોટા ઘરે છીએ. પણ સ્વયંસેવકે કહ્યું કે સ્વામી, નામ તો એ જ છે. મેં કહ્યું કે મેં તેમને પહેલાં જોયા છે.
તેમનું આમંત્રણ, તેમણે કરેલું સ્વાગત, તેમના ચહેરા પરની ખુશી જોતા એવું લાગતુ જ નહોતું. તેથી અડધા કલાકની ચર્ચા પછી, મેં ખૂબ જ નમ્રતાથી કહ્યું કે ‘’સાહેબ કૃપા કરીને અમને માફ કરજો. તમે પોતે મોટા વકીલ છો. પરંતુ અમે ખોટા ઘરે આવ્યા હોઈએ તેમ લાગે છે.’’ પણ તેમણે તો કહ્યું કે, ‘’ના ના, સ્વામીજી, તમે સાચા ઘરે જ છો. લગભગ 50 વર્ષ પહેલા હું ખૂબ જ યુવાન વકીલ હતો અને અમદાવાદમાં અક્ષર કોલોનીમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. ત્યાં યોગીજી મહારાજ બિરાજમાન હતા.
હું યુવાન હતો અને મને કોઇ રસ પણ નહોતો. હું સીડી પરથી ઉતરતો હતો ત્યારે અચાનક યોગીજી મહારાજની રૂમ સામેથી પસાર થતી વખતે મેં જોયું તો તેઓ રૂમમાં એકલા પૂજા કરી રહ્યા હતા. પછી મેં એક સેકન્ડ માટે જોયું કે તેઓ ભગવાનમાં મગ્ન હતા. તેમને જોતાં જ મને લાગ્યું કે આ પૃથ્વી પરના તમામ મનુષ્યો મળીને પણ તેમને ભગવાન સાથેના તેમના જોડાણમાંથી બહાર કાઢી શકશે નહીં. તે મારી યોગીજી મહારાજ વિષેની એકમાત્ર છાપ છે. ત્યારથી મારા નાના પૂજા રૂમમાં માત્ર એક જ છબી છે જ્યાં હું બે ત્રણ કલાક ધ્યાન કરું છું અને તે ફોટો યોગીજી મહારાજનો છે. હું આજ સુધી કોઈ સ્વામી કેે સાધુને મળ્યો નથી કારણ કે હું એટલો ધાર્મિક નથી, કોઈ કર્મકાંડ કે મંદિરે દર્શન કરતો નથી. પણ એ ક્ષણ મારા હ્રદયમાં એટલી ઊંડી ઉતરી ગઇ હતી કે હું યોગીજી મહારાજને પ્રાર્થના કરતો કે જો તમે સાચા હો તો એક દિવસ, તમારા સંપ્રદાયના સંતોને અજ્ઞાતપણે મારા ઘરે લાવો. આજે હું માનું છુ કે હા, તેઓ જ છે જેમણે ખરેખર તમને અહીં આવવા માર્ગદર્શન આપ્યું હતું. તેથી તમે સાચા ઘરે જ છો.’’
પ્રશ્ન: મારા પિતા વારંવાર પ્રમુખસ્વામી મહારાજની જન્મજાત દિવ્યતા અને આધ્યાત્મિકતા વિશે કહેતા હતા. આપને 1981માં દિક્ષા તેમણે જ આપી હતી. શું તમે આપ કહી શકશો કે પૂ. પ્રમુખ સ્વામી આપને માટે શું હતા?
જવાબ: તેઓ મારા માટે સર્વસ્વ છે. હું જે કંઈ પણ છું, મારી લાગણીઓ કે વિચારો ગમે તે હોય પણ તેમણે જ મને અનુસરવા માટેની પ્રેરણા આપી છે. હું ખૂબ જ સરળ રીતે સમજાવું તો એક ફોટોગ્રાફ જો તમારા બાળકનો ન હોય તો તે તમારે મન કાગળનો ટુકડો છે. જ્યારે તમે તે ફોટોગ્રાફ જુઓ ત્યારે તમે તમારા બાળક સિવાય બીજા કોઈના વિશે વિચારી જ ન શકો. એજ રીતે તમારી લગ્નની વીંટીને જુઓ ત્યારે તમારી પત્ની સિવાય બીજા કોઈનો વિચાર કરી જ ન શકો. તેજ રીતે, જ્યારે હું પ્રમુખ સ્વામીને જોઉં છું, ત્યારે તેઓ ભગવાન નથી. પરંતુ તેમનામાં શુદ્ધ આધ્યાત્મિકતા છે અને તેથી હું અન્ય માટે કોઈ નહીં પણ ભગવાન વિશે વિચારું છું. તેઓ મારા માટે સ્પેશ્યલ છે.
પ્રશ્ન: તમે યુનિવર્સિટી, ઓક્સફર્ડ અથવા LSE માં જઇ શકો તેવા ખૂબ સારા ગ્રેડ મેળવ્યા હતા તો પછી સંત બનવા માટે કઇ રીતે પ્રેરણા મળી?
જવાબ: કોઈપણ વ્યક્તિના જીવનમાં ઘણી બધી બાબતો હોય છે. કેટલીક તમે સમજાવી શકો છો અને ઘણી બધી બાબતો તમે કહી શકતા નથી. હું મારા જીવનને જોઉં તો, હું મારા O લેવલ્સ પૂરા કરી A લેવલ્સ કરતો હતો. મારા S પેપર માટે જઈ રહ્યો હતો. ગ્રેડની આગાહી કરવામાં આવી હતી. તે સમયે સ્વામી સાથે મારું જોડાણ પ્રેરણાના સ્ત્રોતોમાંનું એક હતું. 1977 માં વડીલો દ્વારા ગોઠવવામાં આવેલી નિબંધ લેખન, ચિત્રકામ, વક્તવ્ય, વર્ણન અને પછી ટેબલ ટેનિસની રમતોમાં 11 કે 12 વર્ષની વયે મેં લેસ્ટરથી ભાગ લીધો હતો અને ભગવાનની કૃપાથી, મેં ઘણા બધા ઇનામો પ્રાપ્ત કર્યા હતા. અંતિમ સમારોહ લંડનના વેમ્બલી કોન્ફરન્સ સેન્ટરમાં હતો.
મને શ્રેષ્ઠ શિલ્ડ જોઈતું હતું. પ્રમુખસ્વામીના હાથે મને ‘બેસ્ટ બાલક શિલ્ડ’ મળ્યું હતું. પરંતુ ઉત્સાહના કારણે કમનસીબે શિલ્ડ પડી જતાં તેનો થોડો ભાગ તૂટી ગયો હતો. થોડો દુ:ખી અને હતાશ થયો હતો. પણ લોકો તાળીઓ પાડતા હતા. હું મંચ પરથી નીચે જઇ મારી ખુરશી પર બેસવા જતો હતો, ત્યારે મને ખાસ બેઠક પર બેસાડ્યો હતો. ત્યાં કદાચ 1,000 લોકો અને સેંકડો બાળકોની ભીડ હતી. તે મહાન ક્ષણ હતી. મહેન્દ્રભાઇ અમીન અને અગ્રણી આયોજકોએ મારી પાસે આવી કહ્યું હતું કે શું અમે આ શિલ્ડ પાછું લઇ શકીએ?
મેં ના કહી હતી. પણ જ્યારે તેમણે મને કહ્યું કે સ્ટેજ પર જે સ્વામી છે તેમણે કહ્યું છે કે અમે શિલ્ડ બદલાવી દઇશું ત્યારે હું ખૂબ સ્તબ્ધ થયો હતો. તે સમયે દરેક વ્યક્તિ વિચારતી હશે કે હું ખુશ છું, પણ પ્રમુખ સ્વામીને કઇ રીતે ખબર પડી હશે કે હું દુઃખી છું? તેથી તે જ સાંજે, મેં ઇંગ્લિશમાં એક પત્ર લખ્યો હતો કે તમને કઇ રીતે ખબર પડી કે હું થોડો દુઃખી છું? મારા આશ્ચર્ય વચ્ચે, મને તેમનો જવાબ મળ્યો હતો. આ છે પ્રમુખસ્વામીનું સૌંદર્ય. જવાબમાં, તેણે મને લખ્યું કે, “અમને અંગ્રેજી આવડતું નથી, તું ગુજરાતી શિખીને અમને કાગળ લખજે.” હું મારા પપ્પા પાસે ગયો હતો અને કહ્યું હતું કે મારે ગુજરાતી શીખવું છે. બધા વિચારતા હતા કે ગુજરાતી કેમ શીખવું છે?’’
તે સમયે, લેસ્ટરની હેલ્કિન સ્ટ્રીટમાં દર રવિવારે બાલસભા પછી ગુજરાતી વર્ગ ચાલતો હતો. તેનો હું નિયમિત વિદ્યાર્થી બની ગયો હતો અને મને રસ પડ્યો હતો. હું હંમેશા પ્રમુખ સ્વામીથી આશ્ચર્યચકિત થતો હતો અને મને એક ઊંડુ જોડાણ અનુભવાતું હતું. હું મોટો થયો પછી મને હંમેશા તેમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હું ચોક્કસપણે તેમના દ્વારા એક વ્યક્તિ તરીકે પ્રેરિત હતો, હું સાધુના જીવન વિશે પણ જાણતો ન હતો. જેમ જેમ હું તેમની નજીક ગયો તેમ મારા મનમાં, મેં નક્કી કર્યું હતું કે મારે સાધુ બનવું છે. જેનું ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું. મારા માટે શિક્ષણ અને અન્ય બાબતોમાં સારો અવકાશ હતો. મારી શાળાના એક શિક્ષકે તો કહ્યું હતું કે મૂર્ખામી કરે છે. હું પ્રામાણિકપણે કહીશ કે લોકો હવે સંપૂર્ણ સંતોષ અનુભવે છે.
તમે જાણો છો કે અમારી સંસ્થામાં પિતા, માતા અને પરિવારના સભ્યોની પરવાનગી વિના કોઈ પણ વ્યક્તિ સાધુ બની શકે નહીં અને ત્યારે જ પ્રમુખ સ્વામી ખરેખર તમને સ્વીકારે છે. આ બાબત ખૂબ જ પ્રેરણાદાયક હતી અને તે મને હવે પ્રેરણા આપે છે. મને લાગે છે કે કોઈ એવી વ્યક્તિ છે જે મને સમજે છે, મને જાણે છે અને મને વાંચે છે.’’
પ્રશ્ન: તમે અગાઉની મુલાકાતમાં કહ્યું હતું કે અબુ ધાબી મંદિર વૈશ્વિક સંવાદિતા માટે પ્રમુખ સ્વામીની ભવિષ્યવાણી હતી. તો શું તમે આ મંદિર માટેના તેમના વિઝન વિશે અને તેની કલ્પના કેવી રીતે કરવામાં આવી તે વિશે કહી શકો?
જવાબ: 1997માં, અમે બધા દુબઈમાં હતા ત્યારે અમને સલાહ આપવામાં આવી હતી કે તમે જે પણ સત્સંગ, આધ્યાત્મિક કાર્યક્રમ કરો તો તે કોઇના ઘરે જઈને કરજો, જાહેરમાં કંઈ કરતા નહીં. તે સમયે નજીકમાં અબુ ધાબી જવાનું પણ અકલ્પ્ય હતું. અમારી પૂજા અને બધી વિધિઓ ખૂબ જ શાંતિથી, ખાનગીમાં ભક્તોના ઘરે કરતા હતા. એક-બે વાર અમે ભારતીય એમ્બેસીમાં સભા કરી હતી. ત્યાંના કોન્સલ જનરલ પ્રભુ દયાલ સરસ માણસ હતા. તે સમયે, અમે વિચાર્યું હતું કે શારજાહ જવું. સાધુઓ અને થોડા ભક્તો સાથે અમે શારજાહ ગયા હતા. ત્યાં રણમાં અમે રેતી પર બેઠા કે અચાનક જ તોફાન આવ્યું. પ્રમુખ સ્વામી એક છત્રી નીચે હતા.
અચાનક જ પ્રમુખ સ્વામી તેમની આદત મુજબ ‘જય સ્વામિનારાયણ… જય સ્વામિનારાયણ… જય સ્વામિનારાયણ…’ ધૂન કરવા લાગ્યા. મેં લંડન સાથે તેને લિંક કરતાં સ્વામીને કહ્યું, કે સ્વામી, 1970માં યોગીજી મહારાજ લંડન આવ્યા ત્યારે તેમને ખાસ ખુરશીમાં બેસાડવામાં આવ્યા હતા ત્યારે તેમણે અચાનક બધાને કહ્યું હતું કે મને નીચે મૂકો. શું તમે નથી ઈચ્છતા કે હું ઈંગ્લેન્ડની ભૂમિને સ્પર્શ કરું?’’
મેં પણ પ્રમુખ સ્વામીજીને કહ્યું કે, આ રણ છે, આપણે દુબઈમાં છીએ. તો તમે તમારા પગરખાં ઉતારીને તમારા અંગૂઠા અને પગને બરાબર રેતીમાં મૂકી શકો? જેમ યોગી બાપાએ લંડનમાં કર્યું હતું. આ એક નાનું જોડાણ હતું, પણ પ્રમુખ સ્વામીએ અચાનક જ કહ્યું કે, ‘’તમે જાણો છો, અબુ ધાબીમાં પણ મંદિર હોઈ શકે છે.’’
અમે બધા આશ્ચર્યચકિત હતા. પ્રમુખ સ્વામીએ બોલવાનું ચાલુ રાખતાં કહ્યું હતું કે ‘’તે દેશો, સંસ્કૃતિઓ, સમુદાયો અને ધર્મોને એકબીજાની નજીક લાવી શકે છે. દરેક દેશ, કોઈપણ આંતરિક દુશ્મનાવટ કે વેરઝેર વિના, પૂર્વગ્રહ મુક્ત અને પોતાની આગવી રીતે પ્રગતિ કરે.’’
તે સમયે, ખરેખર મને લાગ્યું કે આ લગભગ એક ઇચ્છાપૂર્ણ વિચારસરણી જેવું હતું. તે શક્ય નથી, તે થઈ શકે નહીં. પરંતુ મેં તે રેતીની એક ચપટી લીધી. મને ખબર નથી કે મેં આવું કેમ કર્યું. અને તેનું હજુ પણ આશ્ચર્ય છે. તે રેતી આજે પણ મારી પૂજામાં છે. મને આટલા વર્ષો પછી, આજે મારા આ પ્રોજેક્ટ દ્વારા સમજાયું છે.’’
મંદિર બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે મેં સ્વામીને ખાનગીમાં એક પત્ર લખ્યો હતો કારણ કે મંદિરના ઉદઘાટનના થોડા મહિના પહેલા હું ત્યાં હતો. તેથી જ્યારે મેં ઘણું અધૂરું કામ જોયું ત્યારે મેં પત્રમાં લખ્યું હતું કે, “સ્વામી મંદિર પુરૂ થાય તેમ નથી.” જેના જવાબમાં તેમણે એક સુંદર પત્ર લખ્યો હતો. સ્વામીએ લખ્યું હતું કે “તને એવું લાગે છે, પણ આપણે સત્સંગમાં વાત કરીએ છીએ કે પથ્થર સત્સંગ કરાવશે. શ્રદ્ધા રાખો અને મૂર્તિઓ એવી હશે કે તે જે જય જય ગાથા કરાવશે અને ચારે બાજુ શાંતિ ફેલાવશે.
પ્રશ્ન: જ્યારે તમે તે ચપટી રેતી લીધી હતી ત્યારે એવું લાગતું હતું કે આ પૂર્વનિર્ધારિત હતું અને તમે પ્રમુખ સ્વામી દ્વારા આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરશો?
જવાબ: હા, કદાચ. હવે તમે તે રીતે બિંદુઓને જોડી શકો છો. પરંતુ મને ખબર નથી કે મેં તે શા માટે લીધી હતી. રોહિતભાઈ પટેલ અને યોગી ચરણ સ્વામીએ પણ ચપટી રેતી લીધી હતી. પરંતુ કમનસીબે, તે બન્ને રહ્યા નથી.
પ્રશ્ન: મધ્ય પૂર્વના દેશમાં પરંપરાગત હિંદુ મંદિર બનાવવાના પ્રોજેક્ટની વિશાળતા, તમે સહન કરેલા અવરોધો અને મધ્ય પૂર્વમાં મંદિરના મહત્વ વિષે થોડું જણાવશો?
જવાબ: જુઓ, હું તેને અડચણો નહીં કહું. જ્યારે તમે સંપૂર્ણ નવા પ્રદેશમાં જાઓ ત્યારે અને કોઈની સાથે ક્યારેય ચાલ્યા ન હોય તેવા માર્ગ પર ચાલો ત્યારે બધું એક પડકારરૂપ બની જાય છે. હું તેને વધુ સારી રીતે મૂકું તો હું તમને ચંદ્ર પર મૂકી દઉ તો તે એક પડકાર છે. જ્યારે પ્રથમ વખત અવકાશયાત્રીઓ અવકાશમાં ગયા ત્યારે ચંદ્ર પર ઉતરતા પહેલાં તેઓ ઉપર ચક્કર લગાવતા હતા. હું નીલ આર્મસ્ટ્રોંગ, બઝ એલ્ડ્રિન અને અન્ય વિશે વાત કરી રહ્યો છું. જ્યારે તેઓ જમીન પર ઉતર્યા ત્યારે તેમને પ્રથમ જે સલાહ આપવામાં આવી હતી તે ખાવાની અને સૂઇ જવાની હતી. શારીરિક રીતે, તેઓ તેમના શિખર પર હોવા જોઈએ, કારણ કે બહારનું વાતાવરણ મનુષ્ય માટે સંપૂર્ણપણે વિચિત્ર હતું. અનિશ્ચિતતાઓના પડકારોને લીધે તેમાંથી કોઈ ઊંઘી શક્યું કે ખાઈ શક્યું નહતું.
મારા મગજમાં એવું કશું ન હતું કે પ્રમુખસ્વામીએ કહ્યું છે કે ચાલો મંદિર બનાવીએ. ત્યાં કોઈ વ્યૂહરચના ન હતી. અમે એકવાર રોયલ મજલિસમાં ગયા હતા, કારણ કે અમારી પાસે એક નાનો વિલા હતો. તે વિલામાં કોઈ સમસ્યા હતી, અને અમે તેને ઉકેલવા માગતા હતા. જ્યાં અમે એકઠા થતા હતા ત્યાં દુબઈમાં દર શુક્રવારે લગભગ 50-60 ભક્તોનો મેળાવડો થતો હતો. અમને એક નોટિસ મળી હતી. કારણ કે, તમારે ટેકનિકલી રીતે રહેણાંક વિસ્તારમાં કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિઓ કરવી જોઈએ નહીં. અને તે વાજબી હતું. કારણ કે અમારા ભક્તો તે જાણતા ન હતા. અને એક નાનું પાર્ટીશન હતું જે બદલાઈ ગયું હતું.
પ્રમુખ સ્વામી હંમેશા દરેક સાધુ, ભક્તને અને તમામ સંસ્થાને યજમાન દેશનો આદર કરવા, નમ્ર બનવા અને જો ત્યાં હોય તો માર્ગ શોધવાનો પ્રયાસ કરવા પ્રોત્સાહિત કરતા હતા. હું રાજવી પરિવારના કોઈપણ સભ્યને મળવા માંગતો હતો. લગભગ 2013માં લગભગ 1,000 સારા સજ્જનોએ કહ્યું હતું કે સ્વામી અહીં મંદિર ન બની શકે. તેઓ વાજબી પણ હતા. અમે ખરેખર મંદિર માટે નહિં, પણ શું થશે તે સમજવા માટે હું રાજવી પરિવારને મળવા ગયો હતો. મેં રાજવી પરિવારના સભ્યો સાથે અમારી વાતચીતના આધારે જોડાણ કર્યું હતું. ખાસ કરીને હિંદુ ધર્મ, સાધુનું જીવન શું છે વગેરે માહિતી આપી હતી. શેખ અને બધા ખૂબ ખુશ અને ખૂબ સમજદાર હતા. જેવું મેં તેમને સમજાવ્યું કે વિલાનું શું થયું છે અને અમે શું કરી રહ્યા છીએ, ત્યારે તેમણે સૂચવ્યું કે, તમે મંદિરની જગ્યા માટે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સને પત્ર કેમ નથી લખતા? મને ખૂબ નવાઈ લાગી. જાણે કે તમે કોઈક બાબત માટે ગયા હો અને તમે કંઈક બીજું જ મેળવો. તેથી જો કોઈ આનો શ્રેય લેતું હોય તો તે સાચું નથી. હું ખરેખર ક્યારેય અમારે મંદિર માટે જગ્યા જોઈએ છે એવું કહેવા ગયો નથી. પરંતુ તમે જાણો છો કે આપણે નાના મુદ્દાને કેવી રીતે હલ કરી શકીએ છીએ.
હું તે સમયે ખૂબ જ ભોળો હતો તેથી મેં દુબઈમાં જગ્યા માટે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સને પત્ર લખ્યો. ફરીથી, ઘણા લોકો, જ્ઞાનીઓએ કહ્યું કે સ્વામી જો તમારે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરવી હોય, તો ફક્ત ધ્યાન કેન્દ્ર અથવા એક આધ્યાત્મિક કેન્દ્ર જોઈએ છે તેમ કહો. પરંતુ મંદિર શબ્દ ન લખો. તેથી જ્યારે હું સ્વામી પાસે ગયો, ત્યારે તેઓ 93 વર્ષના હતા, અને મેં તેમને પૂછ્યું, કે સ્વામી, તમે જાણો છો, અમને આવું કહેવામાં આવ્યું છે, અમારે શું કરવું જોઈએ?
સ્વામીએ કહ્યું હતું કે, ‘’તમે જાણો છો, તમારા હૃદયમાં શું છે. જો તમારા હૃદયમાં મંદિર હોય તો સત્યવાદી બનો.’’
મેં કહ્યું, પણ તમે જાણો છો કે મંદિરોમાં મૂર્તિઓ હશે અને આપણે શું કરવું જોઈએ તે કેવી રીતે જોવામાં આવશે. તેમણે મને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી, જે મને લાગે છે કે તમારે તમારા વાચકોને પણ જણાવવી જોઈએ. પ્રમુખ સ્વામીએ કહ્યું, ‘’જે જૂઠાણાથી શરૂ થાય છે, તે જૂઠાણાથી જ સમાપ્ત થાય છે. અને જે સત્ય પર આધારિત છે તે સત્યનો મહિમા કરે છે. સત્ય એ જીવનનો સાર છે.’’
તેમણે સમજાવ્યું હતું કે જેમ ઉચ્ચ લોકો વિકસિત થાય છે, તેમ તેઓ વધુ આદર, સત્ય અને પ્રામાણિકતા ધરાવે છે. સાચા બનો, કે તમારે મંદિર માટે જગ્યા જોઈએ છે. અને અમે તેમ કર્યું. તે ઐતિહાસિક વર્ષ 2013 હતું. અને ખૂબ જ અનૌપચારિક રીતે, અમને જવાબ મળ્યો કે, હા, તમને મંદિર બાંધવા માટે અબુ ધાબીમાં જમીનનો ટુકડો મળશે.
જેમ તમે જાણો છો, અબુ ધાબીમાં તે સમયે કોઈ મંદિર નહોતું. એવા લોકો પણ હતા જેમણે કહ્યું હતું કે કદાચ તે થશે નહીં. તમે શાસકો અને કોઈને યાદ કરાવી શકતા નહતા. તેથી અમે શાંતિથી બેઠા હતા. તે પછી આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્યા. મંદિર વિશે અમારી વચ્ચે અગાઉ વાતચીત થઈ હતી તેથી તેઓ જાણતા હતા. પરંતુ વાસ્તવમાં કંઈ થઈ રહ્યું ન હતું. પરંતુ અમને જે પ્રતિસાદ મળ્યો હતો તે ખૂબ જ મિત્રતાપૂર્ણ અને દયાનો હતો. તેથી અમે આશાવાદી હતા.
પરંતુ પછી 2015માં, જ્યારે વડા પ્રધાન મોદી UAEની સત્તાવાર મુલાકાતે આવ્યા, ત્યારે તેઓ અને ક્રાઉન પ્રિન્સ, હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન મળ્યા હતા. મને લાગે છે કે તેઓ જે મિત્રતા ધરાવે છે, જે વિશ્વાસ પેદા કર્યો છે તે માત્ર બે દેશોને અને તે દેશોના લોકોને જ એકસાથે નથી લાવ્યો. તે મહાન વેપાર, કરારો અને મિત્રતામાં જ સમાપ્ત થયો નથી. પરંતુ તે એવા સ્તરે વિકસ્યો છે કે ત્યાં મંદિર માટે ટેકનીકલી જમીન ફાળવવામાં આવી છે. તેથી 2015માં આપણા વડા પ્રધાને વિશાળ જાહેર સભામાં હિઝ હાઇનેસનો આભાર માન્યો હતો અને દરેક જણ ખૂબ ખુશ હતા.
તમે પૂછી શકો છો કે તો પછી 2015થી 2018 સુધી શું થયું? તમે જાણો છો, સરકારી સિસ્ટમમાં, તેમને કલમો અને દરેક બાબતને સક્ષમ કરવાની જરૂર હતી, કારણ કે આ તેમની ધરતી પર પ્રથમ હતું. તેથી અમે તેમને સમજાવ્યું કે મંદિર શું છે. અધિકારીઓએ યુકે આવીને લંડન મંદિર જોયું, કેવી રીતે, શું થાય છે વગેરે. તે પછી હિઝ હાઈનેસ અને તેમના ભાઈ, હિઝ હાઈનેસ શેખ અબ્દુલ્લા બિન ઝાયેદ અલ નાહયાને અક્ષરધામ, દિલ્હીની મુલાકાત લીધી હતી. તેમણે મંદિર, દરેક બાબતો, બધી વિશેષતાઓ સાથે જોયા. સૌથી અગત્યની બાબત એ હતી કે 2018માં આપણા વડા પ્રધાન ફરીથી આવ્યા, અને ક્રાઉન પ્રિન્સને તેઓ પ્રસિડેન્શીયલ પેલેસમાં મળ્યા, ત્યારે અમે ત્યાં હતા.
જ્યારે અમે તેમનો અભિપ્રાય પૂછ્યો, ત્યારે હિઝ હાઈનેસે કહ્યું કે જો તે મંદિર હોય તો તે મંદિર જેવું જ હોવું જોઈએ, સંપૂર્ણ પરંપરાગત મંદિર. અમારી પાસે બે વિકલ્પ હતા. એક, બિન-પરંપરાગત, બહારથી સામાન્ય ઇમારત જેવું લાગતું મંદિર અને બીજું પથ્થરનું, ઘણું કોતરકામ ધરાવતું અને ખરેખર 10,000 વર્ષની કલાને પુનર્જીવિત કરે તેવું સંપૂર્ણ પરંપરાગત મંદિર. જ્યારે તેમણે પરંપરાગત મંદિર માટે પસંદગી કરી ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ સાથે રાષ્ટ્રપતિના મહેલમાં, વિશ્વભરમાંથી લગભગ 1000 કે તેથી વધુ પ્રતિનિધિઓ વચ્ચે આ જાહેરાતને બિરદાવી હતી. તમે જાણો છો કે નરેન્દ્રભાઇ અને ક્રાઉન પ્રિન્સ ભાઈઓ જેવા છે. ત્યારે ક્રાઉન પ્રિન્સે નજીક જઈને કહ્યું, અમે ત્રણેય ભાઈઓ છીએ, છીએ કે નહિં? આપણે શું છીએ? કેવો પ્રેમ, કેવું હૃદય.
પ્રશ્ન: એવું લાગે છે કે મંદિરની પ્રગતિ માટે વડા પ્રધાન મોદીની દરમિયાનગીરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રગતિના સંદર્ભમાં, મંદિરની વિગતોની દ્રષ્ટિએ તેઓ કેવી રીતે સંકળાયેલા છે?
જવાબ: પરવાનગીની પ્રક્રિયામાં મોદી સામેલ હતા. તેમણે આખા મંદિરનું મોડલ જોયું હતું. અમે ફક્ત એક જ નહીં પરંતુ ઘણી બધી મીટિંગો કરી છે, તેઓ વિગતોના માણસ છે. તેમની પાસે સંસ્કૃતિની, આધ્યાત્મિકતાને સમજવાની ક્ષમતા છે, કારણ કે તેઓ ખૂબ જ ઊંડા, સંસ્કારી અને ખૂબ જ આધ્યાત્મિક વ્યક્તિ છે. વિશ્વ ભલે તેમને રાજકીય નેતા તરીકે જુએ, પણ તેઓ તેનાથી વિશેષ છે. ખરા અર્થમાં, તેમણે આ વિશે વિચારવામાં કલાકો વિતાવ્યા છે. જ્યારે અમને વિચાર આવ્યો કે અમે ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતી લાવવા માંગીએ છીએ, અને પછી તે નદીઓની આસપાસ, એક ઓએસિસ હશે, અને મંદિર ઉપસી આવશે. તેઓ તમામ વિભાવનાઓથી સંપૂર્ણપણે વાકેફ છે, અને હવે પછી, અમારા તમામ પડકારોમાં, તેમણે માત્ર માર્ગદર્શન જ નથી આપ્યું, પરંતુ તેઓ પ્રવાસનો એક ભાગ બન્યા છે.
પ્રશ્ન: શું તમને લાગે છે કે મધ્ય પૂર્વમાં બાંધવામાં આવેલ મંદિર એક રીતે વૈશ્વિક મંચ પર ભારતના ઉદયને પ્રતિબિંબિત કરે છે?
જવાબ: તમે તે કેવી રીતે અનુભવો છો તેના પર છે. હું માનું છું કે ભારતનું સન્માન કરવામાં આવ્યું છે. પણ હા, જો તે શુદ્ધ મિત્રતા, પ્રેમથી બાંધવામાં આવ્યું હોય, અને તે મૂલ્યો પર આધારિત હોય. તે શાસકોની એક મહાન જવાબદારી વિશે છે, જેમણે ખરેખર લોકોની જરૂરિયાતોને સ્વીકારી છે અને ધાર્મિક લોકોની જવાબદારી છે કે અનુયાયીઓ, શ્રધ્ધાળુઓ અને ધાર્મિક લોકો માટે ખરેખર કંઈક બનાવવું. આ ખૂબ જ મોટું પગલું છે અને તે ભારત અને તેના વૈશ્વિક પરિપ્રેક્ષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એમ્બેસેડર નવદીપ સિંહ સૂરીએ અમારી દિવાળીની સભામાં કહ્યું હતું કે, ‘’મંદિર જે કરી રહ્યું છે તે વિશ્વના મંચ સમક્ષ ભારતની છબી અને હાજરીને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મદદ કરવા માટે છે.’’ રવિ શંકર જ્યારે અબુ ધાબી આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે ‘’તમે જાણો છો, યોર હોલિનેસ, આ સિન્ડ્રેલાની વાર્તા જેવું છે. તે એક પરીકથા જેવું છે. તમને લાગશે કે તમે UAEમાં કંઈક બનાવી રહ્યા છો, પરંતુ આખી દુનિયા તે જોઈ રહી છે. અને આવનારા સમયમાં, સ્વામીઓ અને સાધુઓ મુસ્લિમ રાજાઓ અને શાસકો સાથે વાર્તાલાપ કરતા હોવાની દંતકથાઓ બની જશે. જેવી રીતે બૌદ્ધ સાધુઓએ ચીનના સમ્રાટો સાથે વાતચીત કરી હોવાની સુંદર દંતકથાઓ છે. હા, તે રીતે, તે ભારત, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વિશે છે. તે ભારતની સંવાદિતા વિશે વધુ છે. તે માત્ર વેપાર વિષે નથી, તે પ્રેમ અને સંવાદિતા વિશે છે.
પ્રશ્ન: તો શું ભારતની આધ્યાત્મિકતા અને નેતૃત્વ વૈશ્વિક સંવાદિતા અને શાંતિને પ્રોત્સાહન આપવામાં ભૂમિકા ભજવે છે તેનો કોઈ સંદેશ છે?
ઉત્તર: એક સો અને એક ટકા. તે સમગ્ર માનવતા માટેનો સંદેશ છે. અને તે માત્ર ભારત જ નથી. તે આ રાષ્ટ્રના શાસકો પણ છે. તે ભારતીય મૂલ્યો પર આધારિત છે. તે ભારતીય કારીગરો અને BAPS સ્વયંસેવકોનો પ્રેમ અને પ્રયત્નો અને મહંત સ્વામી મહારાજનું માર્ગદર્શન છે. અલબત્ત, તે મેડ ઇન ઇન્ડિયા અને મેડ ઇન યુએઈ છે. પરંતુ તમારે એ પણ સમજવાની જરૂર છે કે આ રાષ્ટ્રની કૃપા અને હૃદય પણ છે. તે વિશ્વ માટે એક મહાન સંદેશ છે. સંવાદિતા એ આગળનો માર્ગ છે. અને તેના વિના, કદાચ આપણું કોઈ ભવિષ્ય નથી. તેથી જ મંદિરને BAPS હિંદુ મંદિર તરીકે પણ રજૂ કરવામાં આવ્યું છે, જે વૈશ્વિક સંવાદિતા માટે આધ્યાત્મિક રણભૂમિ છે, અને તેના લોકો સાથે મળીને, તમામ ક્ષેત્રો, તમામ દેશો અને તમામ ધર્મોથી, વાસ્તવમાં આ સંવાદિતા સર્જવામાં આવી છે.
જ્યારે તમે મંદિરમાં આવો છો, ત્યારે અમે વિશાળ રેતીનો ઢગલો બનાવ્યો છે. જો તમે રેતીના ઢગલામાં જાવ તો થશે કે લોકોનું સ્વાગત થાય છે. અને પછી તમે જે પ્રથમ પ્રદર્શન જુઓ છો તે સંવાદિતાની દિવાલ છે. તે 3D પ્રિન્ટેડ અને ખૂબ જ હાઇ ટેક છે. તે વોહરા મુસ્લિમ સમુદાય દ્વારા અમને ભેટમાં આપવામાં આવ્યું છે. તમે ઓરિએન્ટેશન હોલમાં જાઓ તો તે પારસી સમુદાય દ્વારા ભેટમાં આપવામાં આવ્યું છે. તમે સમજશો કે આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે બની છે, કેમ કે પ્રમુખ સ્વામીએ દેશો, સંસ્કૃતિઓને એક સાથે લાવવાની વાત કરી હતી.
પ્રશ્ન: શું તમે સાત એમિરેટ્સ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતા મંદિરના સાત શિખરો વિશે થોડું કહી શકશો?
જવાબ: હું તેના વિશે ખૂબ જ ટૂંકમાં વાત કરીશ. મંદિર રણમાં સ્થપાયેલું છે, જે દુબઈ અને અબુ ધાબીની વચ્ચે અબુ મુરેખાહમાં આવેલું છે. તેથી તે દુબઈ અને અબુ ધાબીથી લગભગ સમાન અંતરે છે. નિષ્ણાત, ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતે અમને સલાહ આપી હતી કે મંદિર રણમાં આવેલું હોવાથી રેતીના તોફાનો આવશે ત્યારે મંદિરને નુકશાન થશે. તેથી મંદિરની આસપાસ મોનોલિથિક ઇમારતો બનાવવામાં આવી છે. જે તોફાનને હળવું કરવા માટે મદદ કરશે અને તે મંદિરનું રક્ષણ કરશે. તે આધુનિક બિલ્ડીંગોમાં સુવિધાઓ પણ હશે. હું બાળપણમાં હંમેશા સ્ટોનહેંજથી પ્રેરિત હતો. મારા મતે, મોનોલિથિક તેને પ્રાચીન બનાવે છે. તેથી જ્યારે અમે ડિઝાઇનરો સાથે બેઠા હતા ત્યારે અમે કહ્યું હતું કે અમને મંદિરની ચારેય તરફે આવી ઇમારતો જોઈએ છે. તે પછી સેલર એસ્કેપની બહાર અને અંદરના સ્કેપમાંથી પાણી સ્વરૂપે ગંગા, યમુના અને સરસ્વતી ભેગા થાય છે. ત્યાં અમારી પાસે ઓએસિસ હશે અને બધા બગીચા ઉગાડવામાં આવશે અને ત્યાંથી જ મંદિર આવે છે. તેથી એકવિધ ઇમારતોથી ત્રણ નદીઓ સુધી અને પછી સાત શિખરો સ્પષ્ટપણે સાત એમિરેટ્સ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની એક રીત છે કારણ કે તે બધાની એકસાથે ભૂમિકા છે.
આપણી પાસે જે સાત શિખરો છે, તે હિંદુ એકતાની પણ વાત કરે છે. તે માત્ર યુએઈ અથવા સાત એમિરેટ્સની સંવાદિતા વિશે નથી. ડાબી બાજુનું પહેલું શિખર શિવ શિખર છે, જ્યાં આખો શિવ પરિવાર બિરાજશે. ભગવાન શિવ, પાર્વતીજી, ગણપતિજી, અને આપણી પાસે કાર્તિકેયજી પણ છે. તે પછી બીજા શિખરમાં જગન્નાથજીની મૂર્તિ હશે. જેને પરંપરાગત રીતે લાકડામાંથી બનાવવામાં આવી છે. ત્રીજા શિખરમાં રાધાકૃષ્ણ હશે, ચોથામાં શિખરમાં – કેન્દ્રમાં અક્ષર-પુરુષોત્તમ અને ગુણાતિતાનંદ સ્વામીની પ્રતિમા હશે. પાંચમા શિખરમાં તિરુપતિ બાલાજી અને પદ્માવતીજી હશે, અને છઠ્ઠા શિખરમાં આપણી પાસે અયપ્પા સ્વામીજી છે અને સાતમા શિખરમાં, રામ પરિવારના ભગવાન શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજી છે.
વિવિધ શિખરોમાં આ બધા મુખ્ય દેવતાઓ છે. મંદિરની બહાર આપણી પાસે આખું રામાયણ કોતરવામાં આવ્યું છે જ્યાં ભગવાન રામ, પ્રાચીન અયોધ્યા અને સમગ્ર રામાયણ છે. તો આખું શિવપુરાણ પણ કોતરવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણના શિખર પાસે ગીતા, ભાગવત અને મહાભારત કોતરવામાં આવ્યું છે. જગન્નાથજીની સંપૂર્ણ યાત્રાની સંપૂર્ણ કોતરણી કરવામાં આવી છે. તે પછી ભગવાન સ્વામીનારાયણના શિખરની આસપાસ તેમના જીવનયાત્રાને કોતરવામાં આવી છે. તે પછી તિરુપતિ બાલાજીની વાર્તા અને અયપ્પાસ્વામીનું જીવન સમાવાયું છે.
જો તમે આ કોતરણીકામ જુઓ તો ખરેખર જ્ઞાનકોશ જેવું લાગશે. આપણા મુખ્ય શાસ્ત્રો અને દેવતાઓના સ્વરૂપ કોતરવામાં આવ્યા છે. અમે વસુધૈવ કુટુમ્બકમની ભાવનાને અભિવ્યક્ત કરવા માટે પણ પગલું ભર્યું છે. આપણા આધ્યાત્મિક નેતા પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી હંમેશા કહે છે કે સંવાદિતા ભગવાનનો ગુણ છે. જ્યાં સંવાદિતા હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે. તમે ભગવાન પાસે જે પણ માગો છો, તે માત્ર ત્યારે જ આપે છે જો તમે સુમેળભર્યા હોવ.
અમે પ્રાચીન સંસ્કૃતિમાંથી લગભગ 14 ઘટનાઓ લેવાનું નક્કી કર્યું હતું જે સંવાદિતા અને મિત્રતા વિશે વાત કરે છે. રાજા સુલેમાનની અરબી સંસ્કૃતિની એક ઘટના પણ કોતરવામાં આવી છે. તો માયન સંસ્કૃતિમાંથી એક સુંદર વાર્તા લેવાઇ છે, જે એક સંદેશ આપે છે કે ‘મિત્રતામાં આપણે ખીલીએ છીએ, યુદ્ધમાં આપણે નાશ પામીએ છીએ.’ ચીની સંસ્કૃતિ, અને ઇજિપ્તની સંસ્કૃતિ લગભગ ચિત્રલિપીના સ્વરૂપમાં રજૂ કરવામાં આવી છે. તે બધું મંદિર પર કોતરેલું છે.
મંદિરની પાસે એક એસેમ્બલી હોલ છે જે આપણી બધી સાંસ્કૃતિક જરૂરિયાતોને પૂર્ણ કરે છે. અમારી પાસે પુસ્તકાલય, લોકો માટે મજલિસ, કોમ્યુનિટી સેન્ટર અને ફૂડ કોર્ટ છે. અમે વારાણસીના ઘાટથી પ્રેરિત સુંદર કાર્ટની રચના કરી છે. ભક્તો અને મુલાકાતીઓ ત્યાં બેસીને ચિંતન પણ કરી શકે છે.
પ્રશ્ન: આ મંદિર બધા ધર્મો અને વિચારોના વિવિધ સંદેશાઓના સંગમ જેવું લાગે છે. તો આજથી 10 વર્ષ પછી, આ મંદિર આ પ્રદેશમાં કયો સંદેશ લાવશે તેની તમને શું આશા છે?
જવાબ: હમણાં નહીં, 10 વર્ષ પછી પણ નહીં, પણ હું 1000 વર્ષ પછી માનું છું કે આ મંદિર ખાસ કરીને સંવાદિતાનો સંદેશ લાવશે. પછી ભલે તે કુટુંબમાં હોય, એકતામાં હોય, પોતાનામાં સંવાદિતા હોય, ભગવાન સાથે સંવાદિતા, અને દેશો વચ્ચે સંવાદિતાનો જ સંદેશો આપશે. આ એ જ સંદેશ છે જે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મ આપે છે. તમે જાણો છો, આપણે અજાણ્યા નથી. અને જ્યારે હું તમારી સાથે સંવાદિતા વિશે વાત કરું છું, ત્યારે તમારે તમારી જાતને સંવાદિતામાં વિશ્વાસ કરવા દબાણ કરવાની જરૂર નથી, કેમ કે તમે પ્રકૃતિને કારણે માનો છો. આપણે પ્રકૃતિ સાથે, સૂર્ય સાથે, ચંદ્ર સાથે, જંગલો સાથે, પાણી સાથે સુમેળમાં છીએ, આપણે તેમની પૂજા કરીએ છીએ. તેથી હું માનું છું કે વ્યક્તિગત સંવાદિતાથી શરૂ કરીને વૈશ્વિક સંવાદિતાનો એક જ સંદેશ હોવો જોઈએ.
પ્રશ્ન: તમે BAPS દ્વારા હાથ ધરવામાં આવેલા ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં સામેલ થયા છો. લંડનથી અક્ષરધામ. તો આ પ્રોજેક્ટ પૂરો થયા પછી તમારા માટે આગળ શું છે?
જવાબ: પ્રમુખ સ્વામીએ આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ડો. સુબ્રમણ્યમ, જેમણે વાસ્તવમાં તેમના હૃદયનું ઓપરેશન કર્યું હતું, તેઓ બાયપાસ સર્જન હતા, જ્યારે તેમનું ઓપરેશન થયું ત્યારે તેઓ એકમાત્ર એવી વ્યક્તિ હતા જેમણે ખરેખર સ્વામીનું હૃદય પકડી રાખ્યું હતું. તેઓ અક્ષરધામ જોવા માટે આવ્યા ત્યારે તેઓ દિલ્હી અક્ષરધામ વિશે ખૂબ જ ખુશ હતા. તેમણે પૂછ્યું હતું કે તમારો આગામી પ્રોજેક્ટ શું છે? અને તેમણે ખૂબ હસતાં કહ્યું હતું કે ‘’અમને તો ભગવાન સ્વામી નારાયણે પહેલા જ પ્રોજેક્ટ આપી દીધો છે. ભગવાને મને એક પ્રોજેક્ટ આપ્યો છે જે કાયમી છે, શાંતિનો પ્રોજેક્ટ, વધુ શાંતિ લાવવાનો પ્રોજેક્ટ. ખાલી વચમાં આવા મંદિરો બની જાય છે. હું હંમેશા તેમના શબ્દોથી પ્રેરિત હતો.
ખૂબ જ સ્પષ્ટપણે તમારી પાસે કોઈએ મને કહેવાની અથવા મને દબાણ કરવાની જરૂર નથી. હું જાણું છું કે મેં તે કર્યું નથી. તે થયું તે માટે બધાએ મદદ કરી છે. તેથી જો હું કહું કે ઠીક છે, તો પછી આ આગામી પ્રોજેક્ટ આ કે તે હશે. પણ ના, ના, ના. તેઓ શું માર્ગદર્શન આપે છે, તેઓ કેવી રીતે માર્ગદર્શન આપે છે અને આપણે બધા સાથે મળીને શું કરીએ છીએ.
હા, બહેરીનના રાજાએ અમને બહેરીનમાં બીજી જમીન ફાળવી દીધી છે. પરંતુ દિવસના અંતે, આપણા ગુરુ જે ઈચ્છે છે, તે એવું નથી જે મને લાગે છે તે મારે કરવું પડશે. તેમને ગમશે તે માર્ગદર્શન આપશે.
તમારા પિતા માટે મારી પ્રાર્થના. મને યાદ છે કે તેઓ ખૂબ ઊંડા અભ્યાસી હતા અને તમારી માતા અને તમારા સમગ્ર પરિવારને પણ હું પ્રાર્થનામાં જોડીશ. તમે મારી પ્રાર્થનાનો કાયમી હિસ્સો છો, અને બાળકો અને ભવિષ્ય, તમારા વાચકો, તમારા કાર્યકરો, તેઓ બધાના મનમાં છે. આભાર.