ઇટલીમાં જી-સેવન શિખર બેઠક દરમિયાન શુક્રવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આશ્ચર્યજનક બેઠક પછી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શનિવારે જણાવ્યું હતું કે કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાઓને ઉકેલવા માટે ભારત સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા છે. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી બંને દેશોના સંબંધો તંગ બન્યા પછીની બંને નેતાઓની પ્રથમ રુબરુ મુલાકાત હતી અને તેનું કોઇ સત્તાવાર આયોજન પણ ન હતું.
મોદીએ શુક્રવારે સોશિયલ મીડિયા પર બંને નેતાઓ હાથ મિલાવતાની એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં એક લાઇનમાં લખ્યું હતું કે G7 સમિટમાં કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડો સાથે મુલાકાત થઈ હતી. ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના ટુડ્રોના આક્ષેપ પછી બંને દેશો વચ્ચેના સંબંધો તંગ બન્યા પછી મોદી અને ટુડ્રોની આ પ્રથમ મુલાકાત હતી.
ત્રણ દિવસીય G7 સમિટના સમાપન દિવસે શનિવારે ઇટલીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ટ્રુડોએ પત્રકારોને જણાવ્યું હતું કે આપણે ફોલો-અપ કરવાની જરૂર છે તેવા મહત્વપૂર્ણ, સંવેદનશીલ મુદ્દાની વિગતોમાં હું જવા માગતો નથી. પરંતુ કેટલાંક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓને ઉકેલવા માટે આગામી સમયમાં સાથે મળીને કામગીરી કરવાની આ એક પ્રતિબદ્ધતા છે.
શુક્રવારે સાંજે મીટિંગ પછી તરત જ કેનેડાના વડાપ્રધાનના કાર્યાલયે જણાવ્યું હતું કે નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર ટૂંકી ચર્ચા કરી હતી, જે દરમિયાન ટ્રુડોએ પણ મોદીને ફરીથી ચૂંટાઈ આવવા બદલ અભિનંદન આપ્યા હતાં. પ્રવક્તા એન-ક્લારા વેલાનકોર્ટ જણાવ્યું હતું કે “અલબત્ત, અત્યારે અમારા બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ મુદ્દાઓ છે. પરંતુ અમે આ સમયે કોઈ વધુ નિવેદનો આપીશું નહીં.”