સ્વ. અભિનેતા દિલીપકુમારની 100મી જન્મજયંતી નિમિત્તે ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન ખાસ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરશે. 10 અને 11 (જન્મ દિન) ડિસેમ્બરના રોજ તેમની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે ભારતના 20થી વધુ શહેરોના 30થી વધુ સિનેમા હોલમાં દિલીપકુમારની આન (1952), દેવદાસ (1955), રામ ઔર શ્યામ (1967) અને શક્તિ (1982) ફિલ્મ દર્શાવવામાં આવશે.
મુંબઇ, દિલ્હી, ગુડગાંવ, નોઇડા, પૂણે, બરેલી, કાનપુર, વારાણસી, અલ્લાહાબાદ, રાયપુર, ઇન્દોર, સુરત, અમદાવાદ, કોલકાતા અને હૈદરાબાદના દર્શકોને આ દંતકથા સમાન અભિનેતાની ફિલ્મોને મોટા પડદે જોવાની તક મળશે. ફિલ્મમેકર અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશનના ડાયરેક્ટર શિવેન્દ્ર સિંહ ડુંગરપુરે જણાવ્યું હતું કે, દિલીપ કુમારનો 100મો જન્મ દિન આવી રહ્યો છે. આ મહાન અભિનેતાની ફિલ્મોને મોટા પડદે દર્શાવવાની મોટી તક મળી છે. તેઓ ખરેખર અનેક હીરોના હીરો હતા. તેમના જન્મ દિનને ઉજવવાનો ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન માટે બીજો કોઇ સારો વિકલ્પ નહોતો.
આ અંગે દિલીપકુમારનાં પત્ની સાઇરા બાનુએ જણાવ્યું હતું કે, આ વર્ષે 11 ડિસેમ્બરે દિલીપસાહેબના 100મા જન્મ દિનની ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે તે ખૂબ જ ખુશીની વાત છે. મારી ઉંમર 12 વર્ષની હતી ત્યારે મેં તેમની આન ફિલ્મ જોઇ હતી, ત્યારથી તેઓ મારા ચહિતા અભિનેતા હતા. તેમને ફરીથી મોટા પડદે જોવા તે ખુશીની બાબત હશે. મારા જીવનમાં તેમનું ખૂબ જ મોટું મહત્વ હતું. અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા પીઢ અભિનેતાઓએ ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા થનારી આવી ઉજવણીની પ્રશંસા કરી હતી.