ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 90 વર્ષની ઉજવણી માટે મુંબઈમાં યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ફાઇનાન્શિયલ ઇન્ડસ્ટ્રીઝના બદલાતા જતાં ટ્રેન્ડ વચ્ચે “નવા બેંકિંગ માળખા”નો અભ્યાસ કરવાની જરૂર છે. હવેના સમયગાળામાં ફાઇનાન્સિંગ, ઓપરેટિંગ અને બિઝનેસ મોડલની નવી રીતોની જરૂરિયાત ઊભી થઈ શકે છે. વડાપ્રધાન મોદીએ ભારતીય રિઝર્વ બેંકના 90મા વર્ષની ઉજવણીના પ્રસંગે રૂ.90નો એક વિશેષ સિક્કો જારી કર્યો હતો.
વડાપ્રધાને જણાવ્યું હતું કે આરબીઆઈએ છેલ્લા દસ વર્ષમાં ભારતની બેંકિંગ સિસ્ટમ અને અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. બેંકિંગ સિસ્ટમ અને અર્થતંત્રને સુધારવા માટે છેલ્લા 10 વર્ષમાં જે પણ કામ થયું છે તે માત્ર ટ્રેલર છે. હજુ ઘણું કરવાનું બાકી છે, આપણે હજુ દેશને આગળ લઈ જવાનો છે. આજે આરબીઆઈ એક ઐતિહાસિક લક્ષ્ય પર પહોંચ્યું છે. તેમણે 90 વર્ષ પૂર્ણ કર્યા છે. એક સંસ્થા તરીકે આરબીઆઈએ સ્વતંત્રતા પહેલા અને સ્વતંત્રતા પછીના બંને સમય જોયા છે. આજે આરબીઆઈ વિશ્વભરમાં જાણીતું નામ છે. આરબીઆઈના 90 વર્ષ પૂર્ણ થવા પર હું તમને બધાને અભિનંદન આપું છું.
RBIને 1 પહેલી એપ્રિલ 2024ના રોજ 90 વર્ષની થઈ ચૂક્યા છે. 1 એપ્રિલ 1935ના રોજ આ હિલ્ટન યંગ કમિશનની ભલામણ પર બ્રિટિશ ઇન્ડિયા માટે સેન્ટ્રલ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. સ્થાપનાની સાથે જ આ બેંક પર ત્રણ મોટી જવાબદારીઓ નાખવામાં આવી હતી. બેંકો દ્વારા જારી કરવામાં આવેલી નોટોનું નિયમન કરવું, અર્થતંત્ર માટે રિઝર્વની દેખરેખ અને દેવું તેમજ ચલણ સિસ્ટમને નિયંત્રિત કરવાના તેના મુખ્ય કાર્યો હતાં.