અમેરિકામાં દિવાળીની ઉજવણીમાં સંખ્યાબંધ સાંસદો ભારતીય-અમેરિકનો સાથે જોડાયા હતા, જે ભારતીય સમુદાયના યોગદાન અને સમકાલીન વિશ્વમાં પ્રકાશના પર્વનું મહત્ત્વ દર્શાવે છે. દિવાળીનો તહેવાર અંધકાર પર પ્રકાશ અને અજ્ઞાન પર જ્ઞાનની જીતનું પ્રતીક છે.
ભારતીય અમેરિકન કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ સોમવારે જણાવ્યું હતું કે વિશ્વભરના સમુદાયો પ્રકાશના પર્વની ઉજવણી કરવા માટે એકસાથે આવ્યા છે ત્યારે મને આશા છે કે યુનાઇટેડ સ્ટેટ્સ અને સમગ્ર વિશ્વમાં પડકાર અને અનિશ્ચિતતાના આ સમયમાં આ ઉર્જા અને આશાને વધુ સારા ભવિષ્ય તરફ વાળી શકીશું.
દિવાળીની ઉજવણી કરતા તમામ હિંદુઓ, શીખો, જૈનો અને અન્ય લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવતા કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું “આ પ્રકાશ આપણી અંદર પ્રકાશના સ્ત્રોત તરીકે પુરવાર થાય. આપણે એક વ્યક્તિ અને રાષ્ટ્ર તરીકે શ્રેષ્ઠ યોગદાન આપી શકીએ.
ભારતીય અમેરિકન સાંસદ પ્રેમિલા જયપાલે જણાવ્યું હતું કે દિવાળી એ શુભસમય છે જે યાદ અપાવે છે કે સ્વતંત્રતા, ભલાઈ અને કર્તવ્યનો હંમેશા વિજય થાય છે. તેમણે જણાવ્યું હતું કે આપણે પ્રકાશના ઉત્સવની ઉજવણી કરીએ છીએ, ચાલો આપણે આપણા કાર્ય, આપણા સમુદાયો અને આપણી આસપાસના લોકો માટે આશા, હાસ્ય અને પ્રકાશ લાવવા માટે ફરી પ્રતિબદ્ધ કરીએ. હવે આપણે ઝેનોફોબિયા, નફરત, ઇસ્લામોફોબિયા અને જાતિવાદ સામે ઊભા રહેવું જોઈએ અને પુનરોચ્ચાર કરવો જોઈએ કે તેઓને આપણા દેશમાં કોઈ સ્થાન નથી. અંધરકાર પર પ્રકાશનો હંમેશા વિજય થાય છે.
ભારતીય અમેરિકન કોંગ્રેસમેન ડો. અમી બેરાએ જણાવ્યું હતું કે દેશભરમાં અને વિશ્વભરમાં ઉજવણી કરનારા તમામને દિવાળીની શુભકામનાઓ! આ ઉજવણીમાં કૉંગ્રેસનલ એશિયન પેસિફિક અમેરિકન કૉકસના સાથીદારો સાથે જોડાવાનો મને ગર્વ છે, કારણ કે અમે પાછલા વર્ષનું ચિંતન કરીએ છીએ અને અંધકાર પર પ્રકાશની જીત અને અનિષ્ટ પર સારાની ઉજવણી કરીએ છીએ. દરેકને સલામત, આનંદી અને સમૃદ્ધ દિવાળીની ઉજવણીની શુભકામના.
સાંસદ કેથરિન ક્લાર્કે જણાવ્યું હતું કે આપણે નવી શરૂઆત કરી રહ્યા છીએ તથા અંધકાર પર પ્રકાશ અને અજ્ઞાન પર જ્ઞાનની જીતને સ્વીકારીએ છીએ ત્યારે હું આશા રાખું છું કે આ વર્ષનું પ્રકાશનું પર્વ તમારા માટે શાંતિ, આરામ અને સમૃદ્ધિ લાવે.
સેનેટર પેટ ટુમીએ જણાવ્યું હતું કે આજના પ્રકાશના તહેવારની ઉજવણી કરનારા બધાને દિવાળીની શુભકામનાઓ. સેનેટર બોબ મેનેન્ડેઝે જણાવ્યું હતું કે ન્યુ જર્સીમાં અને તેની આસપાસ દિવાળીની ઉજવણી કરી રહેલા દરેકને આનંદ અને શાંતિપૂર્ણ પ્રકાશના તહેવારની શુભેચ્છાઓ!.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર જણાવ્યું હતું નેન્સી પેલોસીએ જણાવ્યું હતું કે સાન ફ્રાન્સિસ્કો અને સમગ્ર વિશ્વમાં પ્રકાશના તહેવારની ઉજવણી કરનારા તમામને દિવાળીની શુભકામનાઓ. શાંતિ, આશા અને પ્રકાશની આ ઉજવણીમાં ભય અને અંધકાર દૂર થાય તેવી શુભકામના.