અમેરિકામાં વિવિધ ઓપિનિયન પોલ્સ મુજબ પ્રેસિડેન્ટપદની ચૂંટણી માટે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે. 60 વર્ષના કમલા હેરિસ ડેમોક્રેટિકટિક પાર્ટીનાં અને અને 78 વર્ષના ટ્રમ્પ રીપબ્લિકન પાર્ટીનાં ઉમેદવાર છે.
ચૂંટણીમાં વિજય માટે ઉમેદવારોને ઈલેક્ટોરલ કોલેજના 270 વોટની જરૂરત હોય છે. ચૂંટણી અગાઉ થયેલા વિવિધ ઓપિનિયન પોલ્સમાં જણાયું હતું કે, એરિઝોના, નેવાડા, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલાઈના અને જ્યોર્જિયાના સાત મુખ્ય રાજ્યોના પરિણામો આગામી પ્રેસિડેન્ટ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.
આ રાજ્યોમાંથી મિશિગન અને પેન્સિલવેનિયા તેમને 270ના આંકડા સુધી પહોંચાડવા માટે મહત્ત્વના છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અને સિએના કોલેજના સર્વેના અંતિમ તબક્કામાં જણાયું હતું કે, હેરિસને નોર્થ કેરોલાઈના અને જ્યોર્જિયામાં નવું સમર્થન મળી રહ્યું છે, આમ છતાં ટ્રમ્પ પેન્સિલવેનિયામાં હેરિસને માત આપી શકે છે અને એરિઝોનામાં પોતાની આગેકૂચ જાળવી રાખી શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, હેરિસ હવે નેવાડા, નોર્થ કેરોલાઈના અને વિસ્કોન્સિનમાં પાતળી બહુમતીથી આગળ છે, ઓપિનિયન પોલ્સ મુજબ ટ્રમ્પ એરિઝોનામાં સરસાઇ ધરાવે છે. અન્ય મીડિયા રીપોર્ટ મુજબ, “આ સર્વેમાં જણાયું હતું કે, તેઓ મિશિગન, જ્યોર્જિયા અને પેન્સિલવેનિયામાં બંને ઉમેદવારો વચ્ચે રસાકસી છે. પરંતુ તમામ સાત રાજ્યોના પરિણામો મુજબ તેમાં કોઈપણ ઉમેદવારને ચોક્કસ સરસાઇ નથી.”
તમામ મુખ્ય નેશનલ અને બેટલગ્રાઉન્ડ પોલ્સ ઉપર નજર રાખતા ધી રીયલ ક્લીઅર પોલિટિક્સના મતે હાલમાં મળતા સંકેતો મુજબ ટ્રમ્પ અને હેરિસ, બન્નેમાંથી કોઈ સ્પષ્ટ વિજેતા લાગતા નથી. નેશનલ પોલ્સમાં ટ્રમ્પને 0.1 ટકાની સરસાઈ છે, તો બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં ટ્રમ્પને 0.9 ટકાની સરસાઈ છે.
રીયલ ક્લીઅર પોલિટિક્સના અહેવાલ મુજબ બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં ટ્રમ્પને સરસાઈ તો મળતી જણાય છે, પણ જ્યોર્જીઆ, નોર્થ કેરોલાઈના, પેન્સિલવેનિયા અને એરિઝોનામાં તે ગણતરીમાં સંભવિત ભૂલની રેન્જની અંદર જ છે, તો બીજી તરફ કમલા હેરિસને મિશિગન તથા વિસ્કોન્સિનમાં સરસાઈ મળે છે.
એનબીસી ન્યૂઝ મુજબ ફાઈનલ પોલમાં કમલા હેરિસ તથા ટ્રમ્પ, બન્નેને 49 ટકા વોટ મળવાની ધારણા છે, ફક્ત બે ટકા મતદારો એવું કહે છે કે, તેઓ કોને પસંદ કરવા તે વિષે હજી અવઢવમાં છે.