ફ્રાન્સમાં ડાબેરી અને જમણેરી સાંસદોએ એકસાથે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કર્યા પછી વડા પ્રધાન મિશેલ બર્નિયરની સરકારનું પતન થયું હતું. તેનાથી યુરોપિયન યુનિયનની બીજી-સૌથી મોટી આર્થિક શક્તિ ગણાતા દેશમાં રાજકીય કટોકટી વધુ ઘેરી બની હતી.
વિશ્વાસના મત સાથે મિશેલ ર્નિયરબાર્નીએ હવે તેમનું અને તેમની સરકારનું રાજીનામું પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનને સોંપવું પડશે. 331 ડેપ્યુટીઓએ તેમની વિરુદ્ધ મતદાન કર્યા પછી મિશેલ બર્નિયરની સરકાર પડી હતી. જેના કારણે તેઓ આધુનિક ફ્રાન્સના રાજકીય ઈતિહાસમાં સૌથી ઓછા સમયમાં સેવા આપનાર વડા પ્રધાન બન્યાં હતાં. 577 સભ્યોની ચેમ્બરમાં અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે માત્ર 288 મતની જરૂર હતી.
ફ્રાન્સમાં પ્રેસિડન્ટ વડા પ્રધાનને નોમિનેટ કરે છે. જોકે સાંસદો બર્નિયરના કેસની જેમ અવિશ્વાસનો મત પસાર કરીને કોઈપણ સમયે તેમની પસંદગીને નકારી શકે છે. પ્રેસિડન્ટ મેક્રોને બર્નિયરને જગ્યાએ નવા વડા પ્રધાનને શોધવા પડશે, જે સરળ લાગતું નથી.
ફ્રાન્સમાં હાલ કોઈ સરકાર નથી. જોકે તેની જગ્યાએ રખેવાળ પ્રધાનો હશે, જે પ્રેસિડન્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવશે. ઇમેન્યુઅલ મેક્રોને સરકારનું બજેટ પસાર કરવા માટે ઝડપથી નવા વડા પ્રધાનની નિમણૂક કરવી પડશે. ફ્રાન્સના કટ્ટર ડાબેરીઓએ બુધવારે ઇમેન્યુઅલ મેક્રોનને રાજીનામું આપવા અને પ્રેસિડન્ટની વહેલી ચૂંટણીઓ યોજવાની માગણી કરી હતી.