બોલિવૂડ અભિનેતા વિજય વર્મા તેમની આગામી શ્રેણી 'મિર્ઝાપુર' સીઝન 3 ના ટ્રેલર લોન્ચ દરમિયાન
દેશ-વિદેશમાં વસતા ભારતીય દર્શકો મનોરંજન માણવા માટે હવે સિનેમાની સાથે સાથે ડિજિટલ પ્લેટફોર્મને વધુને વધુ પસંદ કરી રહ્યા છે. નેટફ્લિક્સ, પ્રાઇમ વિડીયો કે ડિઝની હોટસ્ટાર જેવા જાણીતાં સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર તેઓ પોતાની પસંદગીની ફિલ્મો અને વેબસીરિઝ જોવાનું ચૂકતા નથી. આ ઉપરાંત એવી ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ છે, જેની દર્શકો લાંબા સમયથી રાહ જોતાં હોય છે. હવે આવનારા દિવસોમાં ઘણી લોકપ્રિય સિરીઝ અને ફિલ્મો દર્શકો માટે આ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે, તેમાં મિર્ઝાપુર સીઝન3થી લઇને આદુજીવિથમ અને ઝ્વિગાટોનો સમાવેશ થાય છે.
મિર્ઝાપુર 3 એવી સિરીઝ છે, જેની આ વર્ષે સૌથી વધુ રાહ જોવાતી હોય. આ સિરીઝ 6 જુલાઈથી એમેઝોન પ્રાઇમ પર શરૂ થઇ છે. આગળની બે સીઝનની વાત આ સિરીઝમાં આગળ વધશે. ખાસ કરીને આ વખતે પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ વચ્ચે સત્તાનો સંઘર્ષ વધુ ઉગ્ર બનશે. આ સિરીઝની 3 સીઝન 10 એપિસોડની છે.
એજન્ટ
‘એજન્ટ’ એ 2023ની તેલુગુ જાસૂસી ફિલ્મ છે, જે સુરેન્દર રેડ્ડી દ્વારા દિગ્દર્શિત અને વકંથમ વામસી દ્વારા લિખિત છે. આ ફિલ્મમાં અખિલ અક્કિનેની, મામુટ્ટી, ડિનો મોરિયા, સાક્ષી વૈદ્ય અને વિક્રમજીત વિર્ક મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મથી સાક્ષી વેદ્ય અને ડિનો મોરિયાએ તેલુગુ ફિલ્મમાં ડેબ્યુ કર્યું છે, આ ફિલ્મ પણ જુલાઈ મહિનામાં ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે.
ઝ્વિગાટો
તાજેતરના રીપોર્ટ પરથી અંદાજ આવે છે કે નેટફ્લિક્સ દ્વારા આ ફિલ્મના રાઇટ્સ લેવામાં આવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ જુલાઈ મહિનામાં નેટફ્લિક્સ પર જોવા મળશે. જોકે, હજુ આ ફિલ્મ કઈ તારીખે રિલીઝ થશે તે હજુ નક્કી થઈ નથી.
ગણપત
‘ગણપત-એ હિરો ઇઝ બોર્ન’ એ 2023માં આવેલી એક એક્શન ફિલ્મ છે, જે વિકાસ બહેલ દ્વારા દિગ્દર્શિત અને લિખિત છે. આ ફિલ્મ વિકાસ બહેલે વિકી ભગનાની, વાસુ ભગનાની અને દીપશિખા દેશમુખ સાથે બનાવી છે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફનો ડબલ રોલ છે. તેની સાથે ક્રિતિ સેનન, અમિતાભ બચ્ચન, એલી અવરામ અને રહેમાન પણ છે. બોક્સઓફિસ પર ખાસ નહીં ચાલેલી આ ફિલ્મ પણ જુલાઈમાં ડિજિટલ પ્લેટફોર્મ પર આવી શકે છે. જોકે, એ અંગે કોઈ જાહેરાત  થઈ નથી.
આદુજીવિથમઃ ધ ગોટ લાઇફ
આદુજીવિથમ એ 2024ની બ્લેસી દ્વારા લિખિત અને દિગ્દર્શિત મલયાલમ ફિલ્મ છે. તેની વાર્તા આ જ નામથી લખાયેલી બેન્યામિનની 2008ની બેસ્ટ સેલર નોવેલ પર આધારિત છે. આ ફિલ્મ સાઉદી અરેબિયામાં ફસાયેલા નજીબ નામના મલિયાલી મજુરના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, જિમ્મી જીન લૂઈ, કે. આર. ગોકુલ મુખ્ય ભૂમિકામાં અને તલીબ અલ બાલુશી, રીક એબી, અમલા પૌલ અને શોભા મોહન અન્ય મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ પર કુવૈત અને સાઉદી અરેબિયામાં પ્રતિબંધ છે, ત્યાં નવલકથા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મ જુલાઈના અંતમાં કે ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં ડિજિટલ પ્લેટફોર્મ પર આવશે.

LEAVE A REPLY