પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ચાલુ વર્ષે અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓની મોતની સંખ્યામાં ચિંતાજનક વધારા વચ્ચે ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન ડાયસ્પોરા સ્ટડીઝ (FIIDS)એ યુએસ સરકારની વિવિધ એજન્સીઓ, યુનિવર્સિટીઓ અને વિદ્યાર્થી સંગઠનોને આ કિસ્સાને રોકવા માટે પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો.

FIIDSએ અમેરિકન સત્તાવાળાઓને સુરક્ષાને લગતા શિક્ષણમાં વધારો કરવા, સર્ચ અને બચાવની કામગીરીમાં સુધારો કરવા તથા તેને ઝડપી બનાવવા, સમુદાયિક ઉત્પીડન અંગેના નિયમો વધુ કડક બનાવવા સહિતના પગલાં લેવા અપીલ કરી છે.

મંગળવારે, FIIDSએ વિદેશ વિભાગ, ન્યાય વિભાગ, શિક્ષણ વિભાગ, યુનિવર્સિટીઓ, વિદ્યાર્થી સંગઠનો તેમજ ઈન્ડો-અમેરિકન સમુદાયને વિવિધ ભલામણો સુપરત કરી હતી.

FIIDSના વિશ્લેષણ અનુસાર, અમેરિકામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓના અપમૃત્યુના બનાવોમાં મુખ્યત્વે ગોળીબારથી થયેલ મૃત્યુ, અપહરણ, સુરક્ષાને લગતી પુરતી જાણકારીના અભાવે પર્યાવરણીય કારણોસર(મોનોક્સાઈડ પોઈઝનિંગ, હાયપરથર્મિયા), માનસિક સમસ્યાઓને કારણે આત્મહત્યા, શંકાસ્પદ સંજોગોમાં અકસ્માતને કારણે મૃત્યુ તથા હિંસક અપરાધોનો સમાવેશ થાય છે.

10થી વધુ વિદ્યાર્થીઓના મૃત્યુ અંગેનો ડેટા એકત્રિત કરનારા બોસ્ટનના ડો. લક્ષ્મી થલંકીએ   નોંધ્યું હતું કે “ભારતીય વિદ્યાર્થીઓમાં મૃત્યુનો અચાનક વધારો ચિંતાજનક અને શંકાસ્પદ છે”

2024ની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકામાં ભારતીય અને ભારતીય મૂળના ઓછામાં ઓછા 11 વિદ્યાર્થીઓએ અકુદરતી મોત થયાં છે.

છેલ્લાં એક મહિનાથી ગુમ થયેલાં એક ભારતીય વિદ્યાર્થીનું શબ ચાલુ સપ્તાહે અમેરિકાના ક્લીવલેન્ડ શહેરમાંથી મળી આવ્યું હતું. ગયા સપ્તાહે ઓહાયોમાં ઉમા સત્યા સાઈ ગડ્ડે નામનો એક ભારતીય વિદ્યાર્થી મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. તે પહેલાં મિસોરીના સેન્ટ લુઈસમાં અમરનાથ ઘોષ નામના 34 વર્ષીય શાસ્ત્રીય નૃત્યકારની ગોળી મારી હત્યા કરાઈ હતી.

 

 

LEAVE A REPLY