એક આઘાતજનક ઘટનામાં કેન્યાની રાજધાની નૈરોબીમાં 14 ફેબ્રુઆરીએ ગુજરાતના કચ્છના એક વ્યક્તિની તેના જ મિત્રે અપહરણ કરીને હત્યા કરી હતી. આ પછી મૃતદેહને એસિડમાં ઓગાળી દેવામાં આવ્યો હતો. પોલીસે અપહરણ અને હત્યાના આરોપમાં ચારની ધરપકડ કરી હતી.
આ બંને યુવાનો કચ્છના હોવાના કારણે પટેલ ચોવીસીના ગામોમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની વિગત પ્રમાણે કચ્છના નારણપરના યુવાન બિઝનેસમેન જયેશ કુમાર કાનજીભાઈ પટેલની હત્યા મૂળ બળદિયા ગામના યુવાન કલ્યાણ વેકરિયાના હાથે થઈ હતી. આ હત્યા માટે કલ્યાણે ત્રણ હબસી યુવાનોની પણ મદદ લીધી હતી. પોલીસે આ કેસ ઉકેલી નાખ્યા પછી તમામ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. હત્યાનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું, પરંતુ પોલીસ માને છે કે કોઈ મહિલા સાથેના આડા સંબંધ અથવા જમીનના વિવાદમાં આ મર્ડર થયું હોઈ શકે છે.
મીડિયા રીપોર્ટ મુજબ 14 ફેબ્રુઆરીએ સવારના 11 વાગ્યાની આસપાસ આ હત્યા થઈ હતી મૂળ નારણપરનો વતની જયેશ કાનજીભાઈ પટેલ લગભગ 20 વર્ષથી નૈરોબી વેસ્ટના કોડી નજીક રહેતા હતા. 14મીએ તે પોતાના પુત્રને સ્કૂલે મૂકીને પત્ની સાથે જતા હતા ત્યારે રહસ્યમય સંજોગોમાં ગૂમ થઈ ગયા હતા. બીજા દિવસે પોલીસમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા જોવા મળ્યું કે જયેશ પટેલ પોતાની પત્ની સાથે પગપાળા જતો હતો અને પછી સફેદ કારમાં બેસીને તેઓ મોમ્બાસાના માર્ગે જતા હતા. પોલીસે શંકાના આધારે મન્ગુટી મુલાન્ડી નામના એક સ્થાનિક હબસી યુવાનની ધરપકડ કરી હતી ત્યાર બાદ બીજા ત્રણ યુવાનોની ધરપકડ કરાઈ હતી, જેઓ તમામ હબસી છે. કોર્ટે તેમને 21 દિવસના રિમાન્ડ પર લેવાનો આદેશ આપ્યો છે.