ભારતના આશરે 303 નાગરિકો સાથેના એક ચાર્ટર પ્લેનને માનવ તસ્કરીની આશંકાને પગલે ફ્રાન્સના એક એરપોર્ટ પર શનિવારે રોકી રાખવામાં આવ્યું હતું. રોમાનિયન ચાર્ટર કંપની લિજેન્ડ એરલાઇન્સ દ્વારા સંચાલિત દુબઈથી ઉડાન ભરેલા આ વિમાને ગુરુવારે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ટેકનિકલ સ્ટોપઓવર માટે ઉતરાણ કર્યું હતું અને માનવતસ્કરીને આશંકાને પગલે ફ્રાન્સની પોલીસે કાર્યવાહી કરી હતી. ભારતના આ 300 નાગરિકોમાંથી 96 ગુજરાતી હોવાનું માનવામાં આવે છે.
માર્ને પ્રીફેક્ટની ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્રાન્સના માર્ને ઇમર્જન્સી સર્વિસે વેટ્રી એરપોર્ટ પર ફસાયેલા 303 મુસાફરો માટે કામચલાઉ બેડની વ્યવસ્થા કરી હતી. તેમને શૌચાલય અને શાવરની સુવિધા આપી હતી તથા ભોજન અને ગરમ પીણાંની વ્યવસ્થા કરી હતી. ઇન્ડિયન જનરલ કોન્સ્યુલેટના અધિકારીઓ નિયમિતપણે તેમની મુલાકાત લઈ રહ્યાં છે. આ વિમાનસફરની શરતો અને હેતુ અંગે ન્યાયિક તપાસ શરૂ ચાલુ કરાઈ હતી અને. તેમાં શંકાસ્પદ માનવ તસ્કરીની તપાસ કરતી વિશેષ ટીમે પણ તપાસ ચાલુ કરી હતી.
મીડિયા રીપોર્ટ મુજબ ગ્રાઉન્ડેડ પ્લેન નિકારાગુઆ જઈ રહ્યું હતું. તેમાં 13 સગીર સગીરોનો સમાવેશ થાય છે.
લિજેન્ડ એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતા વકીલે શનિવારે જણાવ્યું હતું કે પ્લેનના ક્રૂને પૂછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા.
ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસને આ ફસાયેલા મુસાફરોનો સંપર્ક કર્યો હતો અને સ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે. ઓછામાં ઓછા 10 ભારતીય મુસાફરોએ આશ્રય માટે અરજી કરી હતી. છ સગીરોએ પણ આશ્રય માટે અરજી કરવામાં રસ દર્શાવ્યો હતો.
પૂર્વી ફ્રાન્સમાં વેટ્રી પેરિસથી લગભગ 150 કિમી દૂર આવેલું છે અને એરપોર્ટ મોટે ભાગે બજેટ એરલાઇન્સને સેવા આપે છે. ગ્રાઉન્ડેડ એરબસ A340 લિજેન્ડ એરલાઇન્સ નામની રોમાનિયન ચાર્ટર કંપનીની છે. પેરિસના સત્તાવાળાએ જણાવ્યું હતું કે વિમાનમાં સવાર કેટલાક મુસાફરો “માનવ તસ્કરીના શિકાર” હતા તેવી ગુપ્ત માહિતીને આધારે આ કાર્યવાહી કરાઈ હતી.