નવા વર્ષના પ્રારંભ જ ગૂગલ, એમેઝોન, ઝેરોક્સ અને વીડિયો ગેમ સોફ્ટવેર પ્રોવાઈડર યુનિટી સોફ્ટવેર સહિતની ટેકનોલોજી કંપનીઓમાં છટણીનો નવો દોર ચાલુ થયો છે. એમેઝોનની માલિકીની ઓનલાઈન ઓડિયોબુક એન્ડ પોડકાસ્ટ સર્વિસ કંપની ઓડિબલ તેના લગભગ 5% કર્મચારીઓની છટણી કરશે. ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીઝ નવા વર્ષમાં નોકરીઓમાં મોટાપાયે કાપ મૂકી રહી છે ત્યારે ચાલુ સપ્તાહે ઈ-કોમર્સ જાયન્ટના વિવિધ બિઝનેસમાં નોકરીકાપનો આ ત્રીજો રાઉન્ડ છે
ગુરુવારે કર્મચારીઓને મોકલવામાં આવેલા મેમોમાં ઓડિબલ સીઇઓ બોબ કેરીગને જણાવ્યું હતું કે કંપની સારી સ્થિતિમાં છે,પરંતુ વધુને વધુ પડકારરૂપ સ્થિતિનો સામનો કરી રહી છે. અમે ગહન વિચાર કર્યા વિના આ માર્ગ અપનાવ્યો નથી. વિશ્વભરના અમારા ગ્રાહકોને તેના પ્રકારની શ્રેષ્ઠ ઓડિયો સ્ટોરીટેલિંગ સર્વિસ પહોંચાડવા માટે નજીકના ભવિષ્યમાં કંપનીને વધુ કાર્યક્ષમ બનાવવી જરૂરી છે. ઓડિબલના પ્રવક્તાએ અસરગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા આપવાનો ઇનકાર કર્યો હતો.
આ સપ્તાહે એમેઝોને તેના પ્રાઇમ વીડિયો અને MGM સ્ટુડિયો યુનિટમાં નોકરીમાં કાપ મૂકવાની જાહેરાત કરી હતી. આ એકમોમાં પણ સેંકડો કર્મચારીઓની નોકરીઓ છીનવી લેવામાં આવશે. આ સપ્તાહના પ્રારંભમાં એમેઝોનની માલિકીના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ટ્વિચે પણ કહ્યું હતું કે તે ખર્ચકાપ કરવા અને વધુ નફાકારક બનવા માટે 500થી વધુ નોકરીઓમાં કાપ મૂકી રહી છે.
સિએટલ સ્થિત એમેઝોન આશરે 30 કરોડ ડોલરમાં 2008માં ઓડિબલને ખરીદી કરી હતી અને તે ઓડિઓ બુક્સ, ધ્યાન કાર્યક્રમો અને પોડકાસ્ટની ટોચની ડિસ્ટ્રીબ્યુટર અને નિર્માતા બંને છે. આ કંપનીએ ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલે સ્થાપેલી પ્રોડક્શન કંપની હાયર ગ્રાઉન્ડ પ્રોડક્શન્સ સાથે બહુવર્ષીય કરાર પર હસ્તાક્ષર કરેલા છે.ગુરુવારે સોશિયલ મીડિયા કંપની ડિસ્કોર્ડે પણ તેના 17 ટકા કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી હતી.