અમેરિકામાં ટોચના ડેમોક્રેટિક સેનેટર્સના એક ગ્રૂપે ડ્રીમર્સ, H-1B અને લોંગ ટર્મ વિઝા હોલ્ડર્સ સહિતના આશરે 8 મિલિયન લોકો માટે ગ્રીનકાર્ડનો જટિલ માર્ગ મોકળો થાય તેવું બિલ રજૂ કર્યું છે. આ નવા બિલ મુજબ જો ઇમિગ્રન્ટ ઓછામાં ઓછા સાત વર્ષ માટે સતત અમેરિકામાં રહ્યાં હોય તો તેઓ કાયદેસર કાયમી રહેવાસીનો દરજ્જો મેળવી શકે છે.
સેનેટર એલેક્સ પેડિલ્લાએ બુધવાર (28 સપ્ટેમ્બરે) સેનેટમાં ઇમિગ્રેશન ધારાની જોગવાઈમાં સુધારો કરવાનું બિલ રજૂ કર્યું છે. આ બિલને સેનેટર્સ એલિઝાબેથ વોરેન, બેન રે લુજાન અને સેનેટ મેજોરિટી વ્હિપ ડીક ડર્બિને સમર્થન આપ્યું છે.
પેડિલ્લાએ જણાવ્યું હતું કે “આપણી કાળગ્રસ્ત ઇમિગ્રેશન સિસ્ટમથી અસંખ્ય લોકોને નુકસાન થઈ રહ્યું છે અને અમેરિકાનું અર્થતંત્ર પીછેહટ કરી રહ્યું છે. મારું બિલ આશરે 35 વર્ષમાં પ્રથમ વાર રજિસ્ટ્રી કટ-ઓફ ડેટમાં સુધારો કરશે, જેથી વધુને વધુ ઇમિગ્રન્ટ્સ કાયદેસરના કાયમી નિવાસી તરીકે અરજી કરી શકશે. તેનાથી દાયકાઓથી અમેરિકામાં રહેતા, કામ કરતા અને યોગદાન આપતા લાખ્ખો ઇમિગ્રન્ટ્સને ઊંડી અસર થઈ શકે છે. તેઓ અનિશ્ચિતતાના ભય વગર મુક્તપણે જીવન જીવી શકશે.”
ગ્રીન કાર્ડ સત્તાવાર કાયમી રહેવાસી કાર્ડ છે. અમેરિકા ઇમિગ્રન્ટને આ ડોક્યુમેન્ટ ઇશ્યૂ કરીને કાયમી રહેઠાણનો હક આપે છે.
નિવેદનમાં જણાવ્યા મુજબ આ બિલથી ડ્રીમર્સ, વિસ્થાપિત નાગરિકો (TPS હોલ્ડર્સ), દેશનિકાલનો સામનો કરી રહેલા લોંગ ટર્મ વિઝા હોલ્ડર્સના બાળકો, આવશ્યક ક્ષેત્રના શ્રમિકો, H-1B વિઝા હોલ્ડર્સ જેવા હાઇલી સ્કીલ્ડ લોકો સહિતના આશરે 8 મિલિયન લોકો માટે ગ્રીન કાર્ડનો માર્ગ મોકળો થશે. આ તમામ કેટેગરીના લોકો ગ્રીન કાર્ડ માટે વર્ષોથી મીટ માંડીને બેઠા છે.
ઇમિગ્રેશન લોબિંગ ગ્રૂપ FWD.usના અંદાજ મુજબ આ બિલમાં આવરી લેવાયેલા કાયદેસરના દસ્તાવેજો વગરના વ્યક્તિઓ નાગરિકો બનશે તો તેઓ અમેરિકાના અર્થતંત્રમાં 83 બિલિયન ડોલરનું તથા ટેક્સ પેટે સરકારની તિજોરીમાં આશરે 27 બિલિયન ડોલરનું યોગદાન આપશે.
કોંગ્રેસવુમન ઝો લોફગ્રેને પ્રતિનિધિગૃહમાં પણ આ અંગેનું કમ્પેનિયન બિલ રજૂ કર્યું છે. તેનાથી આ બિલને મંજૂરીની પ્રક્રિયા ઝડપી બનશે. ઇમિગ્રેશન અંગેની ગૃહની પેટાસમિતિના ચેરમેન લોફગ્રેને જણાવ્યું હતું કે દાયકાઓથી આપણા સમાજ અને આપણા અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપતા ઇમિગ્રન્ટ્સ દેશનિકાલના ભય હેઠળ જીવી રહ્યાં છે. વર્ષોથી આપણા સમાજનો હિસ્સો રહેલા ઇમિગ્રન્ટ્સને કાયમી નિવાસીનો દરજ્જો પૂરા પાડવા આ ઐતિહાસિક દ્વિપક્ષીય સમર્થન સાથેની જોગવાઈમાં સુધારાથી આપણી ઇમિગ્રેશન સિસ્ટમ વાજબી બનશે અને દેશ વધુ મજબૂત બનશે.
સાંસદોએ જણાવ્યું હતું કે ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમ 249 (રજિસ્ટ્રી તરીકે જાણીતી) હોમલેન્ડ સિક્યોરિટીના સેક્રેટરી ચોક્કસ કટ-ઓફ ડેટ અને બીજી જરૂરિયાતને આધારે મુનસફીના ધોરણે ગ્રીન કાર્ડ માટે લોકોનું રજિસ્ટ્રેશન કરે છે.
કલમ 249 છેક 1929 લાગુ થઈ હતી. કોંગ્રેસે ચાર વખત તેમાં સુધારો કર્યો છે. છેલ્લો સુધારો 1986માં થયો હતો. 1986 પછી કોઇ સુધારો થયો નથી અને પહેલી જાન્યુઆરી 1972 ગ્રીનકાર્ડની પાત્રતાની કટ-ઓપ ડેટ છે. આ કટ-ઓફ ડેટને આધારે 50થી વધુ વર્ષથી અમેરિકામાં રહેતા લોકો ગ્રીનકાર્ડ માટે પાત્ર ઠરે છે.
આ હિલચાલને ગ્રીન કાર્ડ મેળવવા માગતા લોકોએ વધાવી લીધી છે. અધિકાર અને કમ્યુનિટી યુનાઇટેડ ફોર સ્ટેટસ એન્ડ પ્રોટેક્શન (CUSP)ના ઓર્ગેનાઇઝર અનિલ શાહીએ જણાવ્યું હતું કે અમારા માટેના એકમાત્ર માનવતાવાદી અને ટકાઉ વિકલ્પ સિટિજનશિપ માટેનો માર્ગ છે. અમે માગણી કરીએ છીએ કે સંસદ યોગ્ય પગલાં લે અને રજિસ્ટ્રી બિલને બહાલી આપે.