ભરૂચ પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો બ્રિટનમાં સ્થાયી થયા છે. તાજેતરમાં સ્થાનિક એસ્ટનની કાઉન્સિલની યોજાયેલી ચૂંટણીમાં ભરૂચના વતની વિમલ ચોકસી વિજેતા બન્યાં છે. આ કાઉન્સિલમાં છેલ્લા 40 વર્ષમાં પ્રથમવાર એક ભારતીય કાઉન્સિલર તરીકે વિજેતા થયા છે. બ્રિટનમાં સામાજિક અને રાષ્ટ્ર માટે યોગદાન આપવા બદલ તેમને બ્રિટિશ એમ્પાયર એવોર્ડ એનાયત થયો હતો. મૂળ આમોદ અને વર્ષોથી ભરૂચમાં સ્થાયી થયેલાં પ્રવિણ ચોકસીના પુત્ર વિમલ ચોકસી ઉચ્ચ અભ્યાસ માટે ૨૦૦૪માં યુકે ગયાં હતાં. તેમણે ભારતમાં એમએસસી (આઇટી)નો અભ્યાસ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી તેઓ ઓલ્ડહામ કાઉન્સિલમાં ફરજ બજાવતાં હતાં અને સાથે સાથે સામાજિક પ્રવૃતિઓમાં સક્રિય હતાં.
માન્ચેસ્ટર નજીક આવેલાં એસ્ટન શહેરમાં ઇન્ડિયન એસોસીએશનના તેઓ સેક્રેટરી છે. તાજેતરમાં એસ્ટન શહેરની કાઉન્સિલની ચૂંટણીમાં તેમણે લેબર પાર્ટી તરફથી ઉમેદવારી કરી હતી તેમણે તેમની હરીફ કંઝર્વેટીવ પાર્ટીના ઉમેદવારને બે ગણા મતોથી હરાવ્યા હતા. બ્રિટિશ સરકારના ત્રણ સર્વોચ્ચ એવોર્ડ એટલે કે મેમ્બર ઓફ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય અને એશિયન તરીકેનું બિરૂદ પણ તેમને મળ્યું છે. વિશ્વ યુધ્ધ દરમિયાન કિંગ જયોર્જે રાષ્ટ્રની સુરક્ષા માટે શ્રેષ્ઠ કાર્ય કરનારા માટે આ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.