ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (ફાઇલ ફોટો) (Photo by LUDOVIC MARIN/AFP via Getty Images)

દેશમાં વસતિના અસંતુલનની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ગુરુવાર (20 ઓક્ટોબર) પ્રયાગરાજમાં આરએસએસ વડા મોહન ભાગવતને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે વસતિ સમસ્યાની ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી યોગી ભાગવતને મળવા લખનૌથી વિમાનમાં આવ્યા હતા અને બંને આશરે એક કલાક સુધી સાથે રહ્યા હતા. બંનેએ સાથે ભોજન લીધું હતું. બંને વચ્ચે વસતિ વધારાના મુદ્દાની ચર્ચા થઈ હતી. આદિત્યનાથે આરએસએસના વડાને 23 ઓક્ટોબરે અયોધ્યામાં દીપોત્સવ માટે આમંત્રણ પણ આપ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના નેતા દત્તાત્રેય હોસબળેએ બુધવારે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન અને બાંગ્લાદેશમાંથી સ્થળાંતર “વસતિનું અસંતુલન” ઊભું કરી રહ્યું છે. તેમણે ધર્માંતરણ વિરોધી કાયદાના કડક અમલ માટે પણ હાકલ કરી છે. ભાગવતે પ્રયાગરાજમાં 16થી 19 ઓક્ટોબર દરમિયાન આરએસએસની બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં વસતિ સમસ્યાની  ચર્ચા કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના કાયદા પંચે ગયા વર્ષે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને વસતિ નિયંત્રણ બિલનો ડ્રાફ્ટ સુપરત કર્યો હતો. આ ડ્રાફ્ટમાં એક બાળકની નીતિ અપનાવતા કર્મચારીઓને વધારાનું પ્રોત્સાહન આપવાની તથા બે બાળકોની નીતિનું ઉલ્લંઘન કરતાં લોકો પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા પર પ્રતિબંધ સહિતની સંખ્યાબંધ ભલામણો કરવામાં આવી છે.

દરમિયાન નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે આરએસએસ જે પણ મુદ્દો ઉઠાવે છે તે હંમેશા રાષ્ટ્રના હિતમાં હોય છે અને વસતિની સમસ્યા પર આરએસએસએ વ્યક્ત કરેલી ચિંતાને રાષ્ટ્રનું સમર્થન મળશે.

સરકાર વસતિ નિયંત્રણના મુદ્દા પર કોઈ નીતિ લાવશે કે નહીં તેવા મીડિયા સવાલના જવાબમાં  મૌર્યએ જણાવ્યું હતું કે એકવાર એક બેઠક યોજાય પછી સરકાર શું કરશે તે જાણવા રાહ જોવી પડશે. હું જે કહી રહ્યો છું તે મારો વ્યક્તિગત અભિપ્રાય છે. આ મુદ્દાનો વિરોધ કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે.

 

LEAVE A REPLY