યુકેના લંડન સ્થિત ગેંગસ્ટર કપિલ સાંગવાને હરિયાણાના પ્રાદેશિક પક્ષ ઇન્ડિયન નેશનલ લોક દળ (INLD)ના વડા નફે સિંહ રાઠીની હત્યાની જવાબદારી સ્વીકારી હતી. ગેંગસ્ટરે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેને જ નફે સિંહની હત્યા કરી હતી. નેતાની ગેંગસ્ટર મનજીત મહેલ સાથે ગાઢ મિત્રતા હતી. નફે સિંહે મનજીત મહેલના ભાઈ સંજય સાથે મિલકતો હડપ કરવાનું કામ કરતો હતો. તેને મારા સાળા અને મારા મિત્રોની હત્યામાં મહેલને ટેકો આપ્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે 25 ફેબ્રુઆરીએ દિલ્હી નજીક બહાદુરગઢમાં અજાણ્યા હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને નફે સિંહ રાઠી અને પાર્ટીના એક કાર્યકરની હત્યા કરી હતી. આ હુમલામાં રાઠીના ત્રણ ખાનગી ગનમેન પણ ઘાયલ થયાં હતા. હુમલાખોરોએ નફે સિંહની એસયુવી પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું.
તેને ધમકી આપી હતી કે “જે કોઈ પણ મારા દુશ્મન સાથે હાથ મિલાવશે તેનું આવું જ પરિણામ આ હશે. જો કોઈ મારા દુશ્મનોને સમર્થન કરશે, તો હું તેના દુશ્મનોને સમર્થન આપીશ અને તમામ 50 ગોળીઓ તે વ્યક્તિનો જીવ લેશે. નિષ્ક્રિયતા બદલ પોલીસ પર આકરા પ્રહારો કરતાં તેને કહ્યું હતું કે, “જો પોલીસ મારા સાળા અને મારા મિત્રોની હત્યામાં આટલી સક્રિય હોત તો મારે આ કરવાની જરૂર ન પડી હોત.”
દરમિયાન હરિયાણાના ગૃહ પ્રધાન અનિલ વિજે કહ્યું હતું કે નફે સિંહ રાઠીની હત્યામાં સામેલ આરોપીઓને કોઈપણ ભોગે છોડવામાં આવશે નહીં અને આ સંબંધમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.હરિયાણા પોલીસે હરિયાણા આઈએનએલડીના વડાની હત્યાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને સોંપી દીધી છે.