જ્યોર્જિયાની કોર્ટના એક જજે અમેરિકાના આ દક્ષિણી રાજ્યમાં 2020ની પ્રેસિડેન્ટપદની ચૂંટણીના પરિણામો ઉલ્ટાવી દેવાના કથિત પ્રયાસોના કેસમાં ગયા સપ્તાહે બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહ-આરોપીઓ સામેના કેટલાક આરોપો પડતા મુક્યા હતા.
જ્યોર્જિયાની વડી અદાલતના ન્યાયાધીશ સ્કોટ મેકેફીએ ફૂલ્ટન કાઉન્ટીમાં ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અને તેમના સાથી-આરોપીઓ સામે દાખલ કરાયેલા તહોમતનામામાંથી છ આરોપો પડતા મુક્યા હતા. ન્યાયાધીશ મેકેફીએ કહ્યું હતું કે,‘આ છ આરોપ ફગાવવાનો અર્થ એમ બિલકુલ નથી થતો કે સમગ્ર તહોમતનામું ફગાવી દેવામાં આવી રહ્યું છે.’
ટ્રમ્પ અને તેમના 18 અન્ય સહ-આરોપીઓ સામે ગત ઓગસ્ટ મહિનામાં જ્યોર્જિયામાં કાવતરૂ રચવાના તથા વિવિધ અન્ય આરોપો દાખલ કરાયા હતા. ટ્રમ્પના અભિયાનના ત્રણ વકીલો સહિત ચાર સહ-આરોપીઓ એક ડીલ હેઠળ ઓછી તીવ્રતાના અપરાધોમાં અગાઉ જ દોષિત સાબિત થઇ ચુક્યા છે અને ડીલ હેઠળ તેમણે કોઇપણ પ્રકારની જેલની સજા નહીં થાય.
ન્યાયાધીશે ટ્રમ્પ, ન્યૂ યોર્કના ભૂતપૂર્વ મેયર રૂડી ગિયુલિયાની, વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોસ અને વકીલ ચાર્લ્સ ઇસ્ટમેન, રે સ્મિથ અને રોબર્ટ ચીલી સામેના હળવા આરોપો ફગાવી દીધા હતા. તહોમતનામાના આ હિસ્સામાં તેમની સામે જ્યોર્જિયાના અધિકારીઓને ચૂંટણી પરિણામો ઉથલાવી દેવા માટે તેમના હોદ્દાના શપથનો ભંગ કરવા પ્રેરિત કરવાનો આરોપ હતો. ટ્રમ્પ સામે ખાસ કરીને જ્યોર્જિયાના સેક્રેટરી ઓફ સ્ટેટને ગેરકાયદે રીતે જ્યોર્જિયાના ચૂંટણી પરિણામ સર્ટિફાય નહીં કરવાની વિનંતી કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યોર્જિયાની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડેન લગભગ 12,000 મતથી જીત્યા હતા.
આ આરોપો નકારતા ન્યાયમૂર્તિ મેકેફીએ કહ્યું હતું કે,‘આ આરોપોમાં વિગતોનો અભાવ છે.’ તેમણે પોતાના ચુકાદામાં લખ્યું હતું કે,‘જેમ લખ્યું છે તેમ, આ છ આરોપો ગુનાહિત કૃત્યના તમામ તત્વો ધરાવે છે પરંતુ તે આરોપ લગાવવા માટે પુરતી વિગતો રજૂ કરાઈ નથી.’
ટ્રમ્પ તથા અન્ય સહ-આરોપીઓના વકીલોએ ચીફ પ્રોસિક્યૂટર ફેની વિલિસ દ્વારા કથિત ગેરવર્તણૂકના આરોપ હેઠળ સમગ્ર કેસ ફગાવી દેવાની દાદ માગી હતી. ન્યાયમૂર્તી મેકેફી આ સપ્તાહે જ બચાવપક્ષની વિલિસને ગેરલાયક ઠેરવવાની અરજી પર પોતાનો ચુકાદો આપે તેવી અપેક્ષા સેવાઇ રહી છે. ફેની વિલિસે કેસમાં સ્પેશિયલ પ્રોસિક્યૂટર તરીકે જે શખ્શ નાથન વેડની નિમણૂક કરી હતી તેની સાથે તેના પ્રણય સંબંધો હોવાનો ખુલાસો થયા બાદ ટ્રમ્પ અને તેમના સહ-આરોપીઓએ વિલિસને ગેરલાયક ઠેરવવા અરજી કરી હતી.
આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પ સામે બાઇડેનનો વિજય થયો હતો તે નવેમ્બર 2020ની સમગ્ર ચૂંટણીના પરિણામો ઉથલાવી દેવાનું કાવતરું ઘડવાના ફેડરલ કેસ પણ છે. તે કેસની સુનાવણી 4 માર્ચે શરૂ થવાની હતી.