(ANI Photo)

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પછી છેલ્લા બે દિવસમાં ભક્તોનું ઘોડાપૂર આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા પછી હવે મંદિર સામાન્ય લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેના કારણે રામ લલ્લાના દર્શન કરવા આતુર ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો છે.

મુલાકાતીઓમાં ભારે ઉછાળાને ધ્યાનમાં રાખીને આરતી માટેનું ઓનલાઈન બુકિંગ 29 જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. મંગળવારે શીત લહેર જેવી પરિસ્થિતિનો સામનો કરીને આશરે 5 લાખ ભક્તો મંદિરમાં ઉમટી પડ્યા હતાં. તેમાંથી 3 લાખ લોકો દિવસ દરમિયાન દર્શન કરવામાં સફળ રહ્યા હતાં, જ્યારે બાકીના લોકોએ ધીરજપૂર્વક કતારોમાં રાહ જોઈ હતી.

મંદિરમાં ભક્તોની ભારે ભીડને પગલે મંદિર સત્તાવાળાઓએ ભક્તોને રાત્રે 10 વાગ્યા સુધી દર્શન કરવાની મંજૂરી આપી હતી. યાત્રાળુઓના પ્રવાહને સરળ બનાવવા માટે રામજન્મભૂમિ સંકુલમાં મીડિયાના પ્રવેશને દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. વધુમાં, મંદિર તરફ જતા અમુક રસ્તાઓ પર વાહન પ્રવેશ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યો હતો. યુપી પોલીસ, રેપિડ એક્શન ફોર્સ (RAF) અને ખાનગી સુરક્ષા રક્ષકોનો સમાવેશ કરતી એક વ્યાપક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી. આમ  ભીડ નિયંત્રણમાં રાખવા માટે 8,000થી વધુ પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY